લીનાબેન દરૂઃ જેમણે શ્રીદેવીને ‘ચાંદની’માં અપ્સરા બનાવી હતી

ગઈ 31 જુલાઈએ ભારતીય સિનેમાએ એક એવાં સિતારાને કાયમને માટે ખોઈ દીધાં હતાં જેમને પ્રસિદ્ધિ ઓછી મળી હતી, પણ પોતાની અદ્દભુત કામગીરી દ્વારા એ બે-ચાર નહીં, પણ 400 જેટલી ફિલ્મોને શોભાવી ગયાં છે અને અભિનેત્રીઓને રૂપેરી પડદા પર ચમકાવી ગયાં છે. એ હતાં લીનાબેન દરૂ. 81 વર્ષની વયે લીનાબેને મુંબઈમાં આખરી શ્વાસ લીધો હતો. એ લાંબા સમયથી બીમાર હતાં. લીનાબેન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર હતાં. એમણે ‘ગાંધી’ ફિલ્મનાં ઓસ્કરવિજેતા કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈયા સાથે કામ કર્યું હતું.

ફિલ્મ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે લીનાબેનની કારકિર્દી લગભગ 40 વર્ષ સુધીની રહી

‘આયે દિન બહાર કે’માં આશા પારેખ, ‘ઉમરાવ જાન’માં રેખા, ‘ચાંદની’માં શ્રીદેવી જેવી અનેક ટોચની અભિનેત્રીઓનાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરનાર લીનાબેન બોલીવૂડ તથા નાટ્યજગતના કલાનિર્દેશક પરેશ દરૂ (છેલપરેશ)ના પત્ની હતાં. તેઓ ગુજરાતી રંગભૂમિ સાથે પણ સંકળાયેલા રહ્યાં હતાં.

આશા પારેખની ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી લીનાબેન દરૂએ એમની કારકીર્દીની શરૂઆત કરી હતી

લીનાબેને મુંબઈમાં જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ફાઈન આર્ટ્સ શાખામાં પાસ થઈને ફિલ્મ લાઈનમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં એ આશા પારેખ સાથે અનેક નૃત્યનાટિકામાં સામેલ હતાં અને પછી આશા પારેખની જ ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી એમણે કારકીર્દીની શરૂઆત કરી હતી. એ વખતે તેઓ પરણ્યાં નહોતાં અને લીના શાહ હતાં. ‘ચૌલદેવી’ નૃત્યનાટિકામાં લીનાબેને મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.

લીનાબેન દરૂએ 1968થી 2000 વર્ષ સુધીની લાંબી ઝળહળતી કારકિર્દીમાં હેમામાલીની, માધુરી દીક્ષિત, ઝીનત અમાન, પરવીન બાબી, મૌસમી ચેટરજી, નીતુ સિંહ, કરિશ્મા કપૂર સહિત અનેક અભિનેત્રીઓનાં ડ્રેસ-ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.

રેખાનો ‘ઉમરાવ જાન’ લુકઃ લીનાબેન દરૂની કમાલ

ઉત્સવ, ઉમરાવ જાન, ચાંદની, તેઝાબ જેવી અનેક ફિલ્મોનાં કોસ્ચ્યુમ્સ માટે આજે પણ લીનાબેનને યાદ કરાય છે. ‘લમ્હે’ ફિલ્મ માટે તો એમને 1991માં કોસ્ચ્યુમ ડિઝાઈનિંગ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. એમાં તેમણે શ્રીદેવી માટે તૈયાર કરેલા ચૂડીદાર હિટ થઈ ગયા હતા.

‘ચાંદની’માં ‘મેરે હાથોંમેં નૌ નૌ ચૂડિયાં’ ગીતમાં શ્રીદેવીની ગુલાબી સાડી

‘ચાંદની’ ફિલ્મમાં સંગીત સંધ્યાના ગીતમાં શ્રીદેવીની ગુલાબી રંગની સાડી અને સ્ટાઈલિશ-ગોલ્ડન એક્સેસરીઝ, રંગબેરંગી તથા અઢળક બંગડીઓ, ત્યારબાદ ઓલ-વ્હાઈટ લુકમાં શ્રીદેવીએ કરેલો તાંડવ-અપ્સરા ડાન્સ દર્શકોને મોહિત કરી ગયો હતો.

શ્રીદેવીનો અપ્સરા શણગાર

લીનાબેને જે અન્ય જાણીતી ફિલ્મોમાં કલાકારોનાં ડ્રેસ ડિઝાઈન કર્યાં હતાં એમાં પ્રેમગ્રંથ, યારાના, દીવાના, થાનેદાર, ક્રોધ, તેઝાબ, ચાંદની, નિગાહેં (નગીના ભાગ-2), એક ચાદર મૈલી સી, હમારી બહુ અલકા, કાલિયા, ધનવાન, સાજન કી સહેલી, મિસ્ટર નટવરલાલ, ગોલમાલ, ઈન્કાર વગેરેનો પણ સમાવેશ થાય છે.

લીનાબેન દરૂએ ઘણા ગુજરાતી નાટકોમાં પણ ડ્રેસ-ડિઝાઈનિંગની પ્રશંસનીય કામગીરી સંભાળી હતી. એમનામાં ચિત્રકામની પણ કળા હતી અને સાથોસાથ સારૂં નૃત્ય પણ કરી જાણતા હતા. કથ્થક જેવી નૃત્યકલાના ડ્રેસિંગ સાથે તેનાં આભુષણો બાબતે પણ તેઓ નિષ્ણાત ગણાતાં હતાં.

યુગના બદલાવ સાથે ટીવી સિરિયલના યુગમાં પણ ઘણી સિરિયલોમાં પણ લીનાબેને કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામગીરી બજાવી હતી. કલા પ્રત્યે ઊંડી સૂઝ, રૂચિ અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેમનાં કાર્યોની સરાહના થતી હતી. નિષ્ઠા અને કામની ચીવટને કારણે જ નાટકો હિટ થયા હતા. એવું એક નાટક હતું ‘ચિત્કાર’.

‘ચિત્કાર’ નાટક અને એના પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘પ્રતિઘાત’નાં અભિનેત્રી સુજાતા મહેતાએ કહ્યું છે, ‘મારાં વ્યક્તિત્વનો એક ભાગ એટલે લિના દરૂ. મારી ફિલ્મ ‘ચિત્કાર’માં પણ એમણે મારી સાથે કામ કર્યું હતું. આજે મારી જે કાંઈ પ્રગતિ છે તે લીનાબેનને આભારી છે.’

આ છે, લીનાબેન દરૂએ દોરેલો ઉમરાવ જાનનાં કોસ્ચ્યુમનો સ્કેચ.

લીનાબેનને જ્યારે રેખાએ પોતાનાં ઓટોગ્રાફ આપ્યાં હતાં

લીનાબેને અનેક ટોચના દિગ્દર્શકોની ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઈનિંગનું કામ સંભાળ્યું હતું. યશ ચોપરા સાથે એમણે ‘સિલસિલા’, ‘ચાંદની’ અને ‘લમ્હે’માં, મનમોહન દેસાઈ સાથે ‘અમર અકબર એન્થની’માં, રાજ ખોસલા સાથે ‘દો બદન’, રવિ ટંડન સાથે ‘ખેલ ખેલ મેં’ અને ‘ખુદ્દાર’, હૃષિકેશ મુખરજી સાથે ‘ખૂબસૂરત’ (1980), એન. ચંદ્રા સાથે ‘તેઝાબ’ ફિલ્મો માટે કામ કર્યું હતું. ઓછા ખર્ચમાં છતાં સુંદર ડ્રેસીસ તૈયાર કરી આપવા બદલ લીનાબેન નિર્માતાઓ પાસેથી કામ મેળવી શકતાં હતાં.

લીનાબેને યશ ચોપરાનાં બહેન હિરુનાં લગ્ન વખતે હિરુનો વેડિંગ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. હિરુનાં લગ્ન જાણીતા નિર્માતા યશ જોહર સાથે થયા હતા.

રાગિણીને ‘ડાકુરાણી ગંગા’નો લૂક આપનાર હતાં લીનાબેન દરૂકેતન મિસ્ત્રી (‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર)

રંગભૂમિ તથા ફિલ્મ-ટીવીસિરિયલનાં જાજરમાન અભિનેત્રી રાગિણીને પણ લીનાબહેન દરૂ સાથે બહુ જૂના અને હેતાળ સંબંધ હતા. બન્ને અવારનવાર મળતાં ને પુરાણી યાદ વાગોળતાં. લીનાબહેને નાટક તેમ જ ફિલ્મોમાં રાગિણીબહેનની વસ્ત્રસજ્જા સંવારેલી. ‘ચિત્રલેખા’ સાથેની વાતચીતમાં એ કહે છેઃ “1970ના દાયકામાં લીનાબહેને અમારા નાટક ‘હીમઅંગારા’ માટે વસ્ત્રસજ્જા (કૉસ્ચ્યૂમ્સ) સંભાળેલી. વજુ કોટક-હરકિસન મહેતા લિખિત ‘ડૉ. રોશનલાલ’ નવલકથા (જે ‘ચિત્રલેખા’માં હપ્તાવાર પ્રકાશિત થયેલી) પરથી હરિન મહેતાએ એનું નાટ્યાંતર કરેલું. એમાં કશ્મીરી કન્યાનું હું પાત્ર ભજવું, જેના પોશાક લીનાબહેને તૈયાર કરેલા…”

ગુજરાતી રંગભૂમિના ઉત્કૃષ્ટ અભિનેતા-દિગ્દર્શક શૈલેશ દવે દિગ્દર્શિત ‘હીમ અંગારા’માં રાગિણીબહેન ઉપરાંત દીપક ઘીવાલા, કૃષ્ણકાંત (કેકે), રાજીવ, ઝંખના દેસાઈ, કુમુદ બોલે, જેવા ધરખમ કલાકારો હતા. એમની વસ્ત્રસજ્જા લીનાબહેને સંભાળેલી.

આ નાટક બાદ આવી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા.’ એ પણ હરકિસન મહેતાની ‘ચિત્રલેખા’માં પ્રકાશિત ધારાવાહિક નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પર આધારિત હતી. રાગિણીબહેન કહે છેઃ “આ ફિલ્મ માટે લીનાબહેને મારા તથા ફિલ્મના અન્ય કલાકારોના પોશાક તૈયાર કરેલા. પોશાક ઉપરાંત મારા બે ગેટઅપ કેવા દેખાશે એની પણ એમણે આબાદ કલ્પના કરેલી. એ બે ગેટઅપ એટલે ડાકુ બન્યા પહેલાંની શહેરની એક સીધીસાદી છોકરી તથા ત્યાર બાદ કોઈનીયે શેહશરમ ન રાખતી, માથાફરેલ ડાકુરાણી…”

રાગિણીબહેન ઉમેરે છે કે “આજે અવારનવાર લૂક્સ શબ્દ આપણે સાંભળીએ છીએ, પણ લીનાબહેને આજથી ચાલીસ વર્ષ પહેલાં મને બે અલગ અલગ લૂક્સ વિશે વિસ્તારપૂર્વક સમજાવેલું. ડાકુરાણી માટે એમણે મને પૅન્ટ-શર્ટ તથા કથ્થઈ કલરના, લગભગ ઘૂંટણ સુધી પહોંચે એવા, ઊંચી એડીવાળા સ્ટડેડ શૂઝ આપેલા. મેકઅપ પણ જરા જુદો. એ લીનાબહેનની ખૂબી હતી કે મારી સાથે અન્ય સાથીદારો (ડાકુ) હોવા છતાં હું એ બધામાં અલગ તરી આવતી. મને આજેય યાદ છે, ગ્રીન કલરનું મારું શર્ટ એમણે એવી ટેક્નિકથી બનાવેલું કે એક વાર પૅન્ટમાં ખોસ્યા પછી હું અશ્વ પલાણું કે પહાડ ચડું, શર્ટ એમ ને એમ રહે- બહાર ન નીકળે.”

પછી તો રાગિણીબહેન-દીપક ઘીવાલાએ પોતાનું એક નાટક નિર્માણ કર્યુઃ ‘હેલ્લો પાર્ટનર.’ આ નાટક માટે પણ લીનાબહેને તમામ કલાકારના પોશાક તૈયાર કરેલા.

(ડાબે) ‘જવાબદાર’ ફિલ્મમાં રાગિણી; (જમણે) ‘હીમ અંગારા’ નાટકમાં રાગિણીને લીનાબહેને આવો કાશ્મીરી લૂક આપ્યો હતો

રાગિણીબહેન કહે છે કે, લીનાબેને ફક્ત મારા માટે જ કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યા હતા, કમનસીબે ફિલ્મ ‘જવાબદાર’ રિલીઝ થઈ શકી નહોતી.

રાગિણીબહેને વધુમાં કહ્યું કે, “લીનાબહેન તથા પરેશભાઈ સાથે અમારે આત્મીય ને અંગત કહેવાય એવા સંબંધ હતા. થોડા જ સમય પહેલાં પરેશભાઈ હૉસ્પિટલમાં હતા ત્યારે અમે મળેલા. જેટલાં સારાં એ કૉસ્ચ્યૂમ ડિઝાઈનર હતાં એટલું જ સારું એમનું વ્યક્તિત્વ હતું. અમારી એમને આદરાંજલિ.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]