નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, અને ખેલૈયા પોતાના ડ્રેસિંગને આખરી ઓપ આપવા સજજ છે ત્યારે શહેરના નિષ્ણાત ફેશન ડિઝાઇનરનો મત છે કે આ વખતે નવરાત્રિમાં કેડિયાંની સાથે સાથે ફિલ્મોના આઇટમ સોંગમાં અભિનેત્રીઓએ પહેરેલાં આઇટમ બ્લાઉઝ ધૂમ મચાવશે.
પહેલાની ફિલ્મની વાત કરીએ તો વિદ્યા બાલને ‘ડર્ટી પિક્ચર’ કે ‘ફેરારી કી સવારી’માં પહેરેલા ડિઝાઇનર બ્લાઉઝ અને કરિના કપૂરે ‘હલકટ જવાની’ કે ‘છમક છલ્લો’ ગીતમાં તથા ચિત્રાગંદા સિહ ‘જોકર’ના આઇટમ સોંગમાં પહેરેલા બ્લાઉઝની પેટર્ન હોય કે પછી ‘ચિકની ચમેલી’માં કૈટરિનાએ પહેરેલો કોળી બ્લાઉઝ-આ બધા જ પ્રકારના કોમ્બિનેશન અને ડિઝાઇનર બ્લાઉઝ યુવીતઓને આકર્ષી રહ્યાં છે. અસ્તર અને વેલ્વેટના કાપડના કોમ્બિનેશનમાં તૈયાર થતાં બ્લાઉઝ સોશિયલ ફંક્શનની સાથે નવરાત્રિ માટે પણ યુવતીઓમાં હોટફેવરિટ બની રહ્યાં છે.‘હલકટ જવાની’ તથા ‘છમક છલ્લો’ સોંગમાં કરિનાએ પહેરેલા બ્લાઉઝમાં પારદર્શક નેટ તથા વેલ્વેટનું ફેબ્રિક વપરાયું છે. જેમા બસ્ટ પાસે વેલ્વેટ અને બાકીના ભાગમાં નેટની સ્લિવ કરવામાં આવી છે.
યુવતીઓ નવરાત્રિમાં આ જ પ્રકારના કોમ્બિનેશનના ટ્રેડિશનલ બ્લાઉઝ કરાવી શકશે. ડિઝાઇનર કહે છે કે હવેની હિરોઇન ઓઢણી કે દુપટ્ટો નાંખતી નથી, પરંતુ યુવતીઓ મર્યાદા સહજ દુપટ્ટો નાંખે છે તેથી ફેશન અને કમ્ફર્ટ બંને જળવાઈ રહે તે માટે ભાતીગળ અને ડિઝાઇનર બ્લાઉઝ બનાવી આપવામાં આવે છે.અભિનેત્રીઓ એકદમ ટૂંકા બ્લાઉઝ પહેરતી હોય છે જ્યારે યુવતીઓ માટે બ્લાઉઝ બનાવવાના હોય તે કમરે યોગ્ય લંબાઈ સુધી બનાવવામાં આવે છે.
આ ઉપરાતં જેઓ નવરાત્રિ માટે જ ડિઝાઇનર બ્લાઉઝ બનાવડાવે છે તે યુવતીઓ લટકણ કરાવવાને બદલે ઇનબિલ્ટ વર્ક જેમાં ટીકી, મોતી, કોડી, બિડ્સ કચ્છી ભરત, આરી ભરત કે રબારી ભરતનો સમાવેશ થતો હોય તેવી બોર્ડર કે યોગ જ વધારે પસંદ કરે છે. કારણ કે ગરબા રમતી વખતે લટકણથી અડચણ થાય છે, અને ઘણી વાર બ્લાઉઝ કે ચણિયામાં લગાવેલા લટકણ તૂટી જતા હોય છે.આઇટમ બ્લાઉઝમાં હવે ટૂંકી બાંયની સાથે થ્રી ફોર્થ બાંય બનાવવાનો ટ્રેન્ડ પણ છે. હવે ફરીથી યુવતીઓ લગ્ન પ્રસંગના ચણિયાચોળી તથા પાનેતરના બ્લાઉઝની થ્રી ફોર્થ સ્લિવ કરાવતી થઈ ગઈ છે. પરંતુ આ પ્રકારના બ્લાઉઝ પેડેડ હોય તે જરૂરી છે. જોકે આ પ્રકારના ડિઝાઇનર બ્લાઉઝ પાતળી યુવતીઓને જ વધારે શોભશે. સ્થૂળ શરીરવાળી યુવતીઓએ લાંબા કેડિયા પહેરવા. કેડિયામાં ભાતીગળ ભરતકામ કરાવવાથી એકદમ ટ્રેડિશનલ લૂક મળી રહેશે. અને સ્થૂળ શરીરમાં તમને આવા બ્લાઉઝ સાથે એકદમ બેલેન્સ અને સ્ટાઇલિશ લૂક મળે છે.
સાથે સાથે જો દરેક સ્ટાઇલને ભાતીગળ લુક આપશો તો પછી તે બ્લાઉઝને પ્રોપર નવરાત્રિનો લુક મળશે. જો બ્લાઉજ ભરતકામ ધરાવતો હોય તો ચણિયો તમે પ્લેન કે પ્રિન્ટેડ પહેરી શકો છો. તેમજ દુપટ્ટામાં પણ ભરતકામ હોય તો ચણિયા અને બ્લાઉઝ સાથે સરસ મજાનું કોમ્બિનેશન લાગશે. હા પણ આઇટમ ગર્લ ટાઇપ બ્લાઉઝ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે તમે જ્યારે એ બ્લાઉઝ પહોરો ત્યારે એલિગન્ટ લાગવું જોઈએ, અંગપ્રદર્શન કરતું હોય તેવું નહીં. એટલા માટે જ્યારે તૈયાર થાવ ત્યારે પહેલા ઘરમાં જ એકવાર સમગ્ર ડ્રેસિંગ કરી લેવું જેથી તેમાં સુધારા વધારા કરાવવા હોય તો સમય રહે.