#MeToo: ‘સંસ્કારી બાપુ’ પણ ફસાયા…

આલોક નાથે બળાત્કાર કર્યાંનો ટીવી સિરિયલ નિર્માત્રી વિંતા નંદાનો આરોપઃ CINTAA સંસ્થા આલોકને નોટિસ મોકલશે

બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂકતાં અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ભારતમાં શરૂ થયેલી #MeToo ઝૂંબેશ અંતર્ગત અનેક સ્ત્રીઓ એમને ભૂતકાળમાં થયેલા ગેરવર્તન અંગેના ખરાબ અનુભવો દર્શાવી રહી છે. એમાંનાં એક છે, ટીવી સિરિયલ નિર્માત્રી વિંતા નંદા. 1990ના દાયકામાં ટીવી પર આવેલી ‘તારા’ સિરિયલનાં લેખિકા અને નિર્માત્રી વિંતા નંદાએ એવો ધમાકેદાર આરોપ મૂક્યો છે કે અભિનેતા આલોક નાથે એમની પર 20 વર્ષ પહેલાં બળાત્કાર કર્યો હતો.

વિંતા નંદાએ આજે મુંબઈમાં બોલાવેલી પત્રકાર પરિષદમાં પણ એ જ આરોપને દોહરાવ્યો હતો. એમણે કહ્યું કે, બે દાયકા પહેલા પણ પોતે આ વાત જણાવી હતી, પણ કોઈએ એમને ટેકો આપ્યો નહોતો. ‘વર્ષો પહેલાં જ્યારે મેં આ વાત કહી હતી ત્યારે એક પણ વ્યક્તિએ મને ટેકો આપ્યો નહોતો. અને હવે જ્યારે એક જ ફેસબુક પોસ્ટ વાયરલ થઈ અને મને ચારેબાજુએથી ટેકો મળ્યો છે. એ વખતે એક પણ વ્યક્તિએ એમને સવાલ કર્યો નહોતો. જે બન્યું હતું એની દરેક જણને ખબર હતી. મૌન જોખમી છે. હું ચૂપ રહી હતી, એને કારણે મને ઘણું ભોગવવું પડ્યું હતું. મારે ઈન્ડસ્ટ્રી પણ છોડી દેવી પડી હતી.

નંદાએ વધુમાં કહ્યું કે, #MeToo ઝુંબેશને કારણે મને મારી પર થયેલા અત્યાચાર અંગે અવાજ ઉઠાવવાનું બળ પ્રાપ્ત થયું છે.

આલોક નાથ મનોરંજન પડદા પર ‘સંસ્કારી બાપુ’ની ઈમેજ તરીકે જાણીતા છે.

દરમિયાન, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (સિંટા)એ આલોક નાથને કારણદર્શક નોટિસ મોકલવાનો નિર્ણય લીધો છે.

વિંતા નંદાએ ગઈ કાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, આલોક નાથનાં કરતૂત ઉઘાડા પાડવા માટેની જે ક્ષણની હું રાહ જોતી હતી એ આજે 19 વર્ષ પછી આવી છે.

વિંતા નંદાએ આખી પોસ્ટમાં એમ લખ્યું હતું કે એમનો આરોપ એની સામે છે જે ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સંસ્કારી તરીકે જાણીતો છે.

બાદમાં, એમણે આઈએએનએસ સંસ્થાને એસએમએસ દ્વારા સમર્થન આપતા કહ્યું કે, ‘એ માણસ આલોક નાથ છે. મને એમ કે સંસ્કારી શબ્દ લખીશ એટલે બધા સમજી જશે અને એ પૂરતું બની રહેશે.’

CINTAA સંસ્થા આલોક નાથને નોટિસ મોકલશે

દરમિયાન, CINTAA સંસ્થાના જનરલ સેક્રેટરી સુશાંત સિંહે કહ્યું છે કે આલોક નાથને કારણદર્શક નોટિસ મોકલવામાં આવશે.

સુશાંત સિંહે વિંતા નંદાને પણ કહ્યું છે કે તે એમનાં આરોપ અંગે એક ફરિયાદ નોંધાવે. અમે એમને પૂરો ટેકો આપીશું.

વિંતા પર બળાત્કાર થયો હશે, પણ મેં નથી કર્યોઃ આલોક નાથ

દરમિયાન, આલોક નાથે વિંતા નંદાએ કરેલા આરોપના પ્રત્યાઘાતમાં કહ્યું છે કે એમનો આરોપ ખોટો છે. એ આજે જે સ્તરે પહોંચવામાં સફળ થયાં છે એ માટેનો શ્રેય મને જાય છે.

આલોક નાથે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, કુછ તો લોગ કહેંગે. હું આરોપને નકારતો નથી અને એની સાથે સહમત પણ થતો નથી. બળાત્કાર થયો હશે, પણ કોઈ અન્યએ કર્યો હશે, મેં નથી કર્યો. મારે એ વિશે વધુ કંઈ કહેવું નથી. આ બાબત જેટલી બહાર આવશે એટલી વધારે ખેંચાશે.

‘તમારી છાપ તો સંસ્કારી તરીકેની છે.’ એમ પૂછતાં આલોક નાથે કહ્યું કે, એમાં હું શું કરું? મારી છાપ બગાડવા માટે લોકો કંઈ પણ બોલશે. એક સમય એવો હતો જ્યારે વિંતા નંદા મારાં સારાં મિત્ર હતાં… આજે એમણે આવી મોટી વાતો કહી દીધી છે…

(આ છે, વિંતા નંદાએ એમનાં ફેસબુક પેજ પરની પોસ્ટમાં આલોક નાથ વિરુદ્ધ કરેલા આરોપની વિગત)

httpss://www.facebook.com/vintananda/posts/10156499299095560

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]