આપણે ઘણીવાર વસ્તુઓ મુકીને ભૂલી જઇએ છીએ. પછી એ ઘરની કે વ્હીકલની ચાવી હોય, કે ચશ્મા જેવી રોજિંદી વપરાશની વસ્તુઓ. આપણા દરેકની સાથે આ ભૂલવાની આદત જાણે જોડાઇ ગઇ છે. પણ આ આદત છે કે જે છૂટતી જ નથી. તો શું કરવું.. તમે તેને માટે વસ્તુઓને શોધવાની કળા શીખી શકો છો. વિદેશમાં આને માટે પણ નિષ્ણાતો હોય છે. માનવામાં ન આવતું હોય તો તમે ફાઇન્ડોલોજી લખીને સર્ચ કરશો ઇન્ટરનેટ પર તો તમને ઘણુ મળશે. એટલે સુધીકે ફાઇન્ડોલોજીસ્ટ એટલે કે શોધવાની કળા સર કરનારની લખેલી બુક્સ પણે તમારી નજરમાં આવશે. આવા નિષ્ણાતોનુ માનવુ છે કે જો વસ્તુ તેની જગ્યા પર હોય તો તે ખોવાય નહીં. એટલે આનો સીધો અને સ્પષ્ટ અર્થ કે કોઇ પણ વસ્તુ હોય, ચશ્મા પેન, મોબાઇલ, ચાર્જર કે ચાવી. આ બધા માટે એક ખાસ જગ્યા રાખવી જોઇએ. અને પછી સતત એ વસ્તુઓને તેના સ્થાને મુકવાની આદત પાડવી જોઇએ. ઘરને ડિઝાઇન કરતા સમયે આ વાતનું ધ્યાન રાખવુ જોઇએ કે કોઇ નાની નાની વસ્તુઓને લઇને ઘરમાં ઢગલો ન થાય. એટલે કે દરેક વસ્તુ માટે ખાસ જગ્યા હોય, જેથી અવ્યવસ્થા ન સર્જાય. ઘરમાં વસ્તુઓ વેરવિખેર નહીં હોવી જોઇએ. કારણ કે જ્યારે આવા વેર વિખેર ઢગલા પડ્યાં હોય તો વસ્તુઓ શોધવી અઘરી બની જાય છે. આવા ઢગલામાં પડેલી વસ્તુઓ સામે હોવા છતાં દેખાતી નથી. ચાવી સૌથી સામાન્ય વસ્તુ છે જે વારે વારે ખોવાઇ જાય. હવે જો ચાવી જેવી વસ્તુ ખોવાઇ જાય તો શું કરવું. આમ તો કોઇ પણ વસ્તુ ખોવાઇ, સૌથી પહેલા આપણે શાંત રહેવુ જોઇએ. જેવા આપણે શાંત થઇએ તે તરત જ આપણને એ ખોવાયેલી વસ્તુ દેખાય જાય. એક એકદમ સામાન્ય કહેવાતું કારણ છલાવરણની અસર પણ કહી શકાય. આ ભ્રામક અસરમાં સામાન્ય રીતે આપણને ખોવાયેલી વસ્તુ છેલ્લે ક્યાં મુકી હોય તે યાદ હોય પણ એ ભ્રમ હોય. ઉદાહરણ તરીકે, ચશ્મા ભૂલાઇ ગયા તો આપણને લાગે કે છેલ્લે તે સ્ટડી ટેબલ પર હતા. પણ વાસ્તવિકતામાં તે ડાઇનિંગ ટેબલ પર હોય અને આપણે સ્ટડી ટેબલ પર ફાંફા મારતા હોઇએ એટલે એ મળે પણ કેવી રીતે.
શોધવાની કળા અપનાવવી એટલી પણ અઘરી નથી, કારણ કે તમારે તો માત્ર વસ્તુને વેરવિખેર સ્થાનને બદલે તેના પોતાના નક્કી કરેલા સ્થાન પર જ મુકવાની છે. હા, પણ જો તમે આમ કરો છો તો તમારો સમય કેટલો બચી જાય છે, એ વિચારજો. આ ફાઇન્ડોલોજી એટલે કે ખોવાયેલી વસ્તુને શોધવાની કળા એમનેમ તો હસ્તગત નથી થતી. એને માટે પણ કેટલીક ટીપ્સ છે જેને અનુસરવુ પડે. આ ટીપ્સમાં સૌથી પહેલી વાત કોઇ પણ વસ્તુ ખોવાઇ એટલે તેને શોધો નહીં. એ વસ્તુ નથી ખોવાઇ, તમે ખોવાયા છો. આવી સ્થિતિમાં હંમેશા 3 C યાદ રાખવાના. કમ્ફર્ટેબલ, કાલ્મ, અને કોન્ફિડન્ટ. વિશ્વાસ રાખો કે વસ્તુ જ્યાં હોવી જોઇએ ત્યાં જ છે. જો નહીં તો જ્યાં છેલ્લે વપરાશ કર્યો તે સ્થાન પર હશે. અને તમે જોશો કે તે ત્યાં જ છે. ઘણી વાર આપણી આંખોની સામે વસ્તુ હોવા છતાં નથી દેખાતી. એ વસ્તુ યાદ રાખીને ધ્યાનથી જુઓ. અને તમને એ વસ્તુ મળી જશે. ભલે તે વસ્તુ ગમે તેવા ઢગલામાં સંતાઇ ગઇ હોય, પણ ધ્યાનથી જોશો તો તે તમને તરત દેખાઇ જશે. વિદેશમાં ફાઇન્ડોલોજીસ્ટની આવી ટીપ્સની કેટલીય બુક્સ બેસ્ટસેલર બની છે. કારણ કે આજના સમયમાં બધા જ આ સમસ્યામાં ઘેરાયેલા છે. જો કે વસ્તુ ખોવાવી એ સમસ્યા છે જ નહીં. અલ્ટીમેટલી તો એ આપણુ અનફોકસ માઇન્ડ છે. જેને ફોકસ કરીએ કે તરત જ વસ્તુ મળી જાય છે.. એટલે સમય બચાવવો છે, અને ખોવાયેલી વસ્તુઓને ખોવાતા અટકાવવી છે તો ફાઇન્ડોલોજીની આ કળા યાદ રાખજો.