ફેશનના બદલાતા રંગરૂપ મોહીનીઓને ખૂબ આકર્ષે છે જોકે કેટલીક ફેશન એવી હોય છે જે લાંબા સમય સુધી ચાલે છે. ફેશન ડિઝાઇનરના મત પ્રમાણે પરંપરાગત તથા વેસ્ટ્રન આઉટફિટ્સમાં ચાલે તેવા ક્રોપ ટોપ વિથ સ્કર્ટની ફેશન હજી આ વર્ષે ધમાલ મચાવશે. આમ તો સતત બે ત્રણ વર્ષોથી અનારકલીએ ફેસ્ટિવલ સિઝનમાં રંગત જમાવી હતી. જોકે હવે અનારકલી વિસરાયા છે અને ક્રોપ ટોપ તો સાડી સાથે પણ શોભી રહ્યા છે. હાલમાં ક્રોપ ટોપ તથા લોંગ ગાઉન ઇન ટ્રેન્ડ છે.આપણે આજે ક્રોપ ટોપની વાત કરીએ. આ વર્ષે પણ ક્રોપ ટ્રોપ લગ્નથી માંડીને તહેવારમાં મોસ્ટ ફેવરિટ બની રહેશે. ક્રોપ ટોપની લોકપ્રિયતા એટલા માટે છે કે દરેક પ્રકારની દેહયષ્ટિ ધરાવતી સ્ત્રીઓને આ આઉટફિટ્સ શોભી ઉઠે છે. તેની લંબાઈ આમ તો છાતી સુધીની હોય છે અથવા તો સહેજ જો સ્થૂળ શરીર હોય તો તેને તમે કમર સુધી પણ પંસદ કરી શકો છો અને નીચે કળીદાર સ્કર્ટ કે ચણિયાની પસંદગી કરી શકો છો. ચેસ્ટ કે કમર સુધીની લંબાઈ ધરાવતાં ક્રોપ ટોપની ફેશન અત્યારે ક્લોથ માર્કેટમાં ધૂમ મચાવે છે. કારણ કે કોઈ પણ સિઝનમાં ક્રોપ ટોપ કમ્ફર્ટેબલ અને કુલ લાગે છે.
હાલમાં કોટન, સિન્થેટિક, સિલ્ક, બ્રોકેટ, ક્ર્શ, ક્રશ સિલ્ક જેવા ભારે તથા હળવા મટીરિયલમાં મળી રહે છે અને આ પ્રકારનો પોશાક તમે બનાવડાવી પણ શકો છો તેમજ ક્રોપટોપ તૈયાર પણ ખરીદી શકાય છે. ક્રોપ ટોપ ફુલ સ્લિવ, સ્લિવ લેસ, સ્પગેટી ટાઇપ, સ્ટ્રીપ્સવાળી થ્રી ફોર્થ સ્લિવમાં અને હાફ સ્લિવમાં એમ બધા પ્રકારની સ્લિવના વિક્લપ ઉપલબ્ધ છે. ટ્રેડિશનલ ક્રોપ ટોપ તમે દિવાળીના તહેવારની સાથએ આગામી લગ્ન સિઝનમાં પણ પહેરી શકો છો.
સેલિબ્રિટી પણ ક્રોપ ટોપ પલાઝી સ્કર્ટ, સાડી, ટાઈટસ, શોર્ટસ, પેન્ટસ કે પ્રિન્ટેડ પેન્ટસ સાથે પહેરવાનું વધુ પસંદ કરે છે. સાડી સાથે આ ટોપ પહેરવાની ફેશન બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે શરૂ કરી છે. બ્લાઉઝની જગ્યાએ વર્ક કરેલા ક્રોપ ટોપ સાડી સાથે પહેરાતાં સુંદર પણ લાગે છે. સાડી સાથે પણ બ્લાઉઝની અલગ પેર્ટન ગમતી હોય તો ટિપિકલ બ્લાઉઝની જગ્યાએ તમે ક્રોપ ટોપ જેવો બ્લાઉઝ સિવડાવી શકો છો.
સ્પોર્ટસ વેરમાંથી ઇનસ્પાયર છે ક્રોપ ટોપની ફેશન
જો ક્રોપ ટોપની ફેશનની શરૂઆત વિશે વાત કરીએ તો આ ટ્રેન્ડ આમ તો સ્પોર્ટસ પર્સનમાંથી આવેલો છે પરંતુ ગયા વર્ષથી ધીરે ધીરે ફેશન જગતમાં આ ટ્રેન્ડ વ્યાપક બન્યો છે. ક્રોપ ટોપ સ્પોર્ટસ લેડી માટે બનતુ ત્યારે તે તેને નડતર રૂપ ન બને તે રીતે ખભાથી લઈને ચેસ્ટ સુધીની લંબાઈ રાખવામાં આવતી અને તે ટોપ સ્લિવલેસ જ મળતાં. અને છાતીના નીચેના ભાગેથી આ ટોપમાં નીચે ઇલાસ્ટિક રાખવામાં આવતું જે નીચે પણ શરીરને ફિટિંગ આપતુ હતું. હવે તો જ્યારે ક્રોપ ટોપ ટ્રેડિશનલ પણ બને છે ત્યારે તેની લંબાઈ બે રીતે રાખવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગે પહેરવામાં આવતા ક્રોપ ટોપ ચણિયા, વર્કવાળા કે સિલ્કના સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ કમર સુધીની કે ચેસ્ટ સુધીની રખાય છે.