ઉનાળો હોય એટલે મોટાભાગે બીચ પર કે હિલસ્ટેશન પર ફરવાની મજા જ કંઇક વધી જાય. પણ ગરબડ ત્યારે થઇ જ્યારે આપણે મજા માણવામાં આપણી ત્વચા અને વાળ પ્રત્યે બેદરકાર થઇ જઇએ. જો કે ત્વચાને લઇને તો બધા ખૂબ ધ્યાન રાખતાં જ હોય છે પણ વાળનું શું. ઘણીવાર ભૂલી જઇએ છીએ કે એ આપણાં જ શરીરનો એક ભાગ છે. તો વાળની દેખરેખ પણ એટલી જ જરૂરી છે. ઉનાળામાં હવા ખાવા બીચ પર કે મીની વેકેશન માટે હિલસ્ટેશન જઇએ ત્યારે ત્યાંના સૂકા અને ઠંડા વાતાવરણને કારણે વાળને માઠી અસર થાય છે. આ ઉપરાંત જ્યારે ઉનાળામાં રોજિંદા કાર્ય પણ કરીએ ત્યારે વાળમાં પરસેવો વધુ થાય છે. અને ક્યારેક તો એવું પણ થઇ જાય કે વાળ ગંધાવા લાગે અને ક્ષોભજનક સ્થિતિ ઉભી થઇ જાય.
તો આજે એ જાણીએ કે આપણે વાળની ઉનાળામાં કેર કેવી રીતે કરી શકીએ. એવા કયા ઉપાય છે જે સૂકા અને વેવી હેરને આકર્ષક અને મુલાયમ બનાવી શકે. અફકોર્સ આ ઉપાય નહીં પણ રુટીન ટ્રિક જ છે. એક કે બે વાર કે થોડા સમય માટે નહીં તમે આ ટ્રીક્સ સામાન્ય રીતે આજીવન પણ વાપરી જ શકશો. સૌથી પહેલા તો ઉનાળો હોય એટલે તમે તમારા હેર વોશ કરવાની ફ્રિકવન્સી વધારી દો. એ માન્યતાને ભૂલી જાઓ કે વારે વારે વાળ ધોવાથી તમારા વાળને નુકસાન થશે. ઉપરથી વારે વારે વાળ ધોવાથી સ્વચ્છતા જળવાશે. જેથી તમારા વાળનું સ્વાસ્થ્ય સારુ રહેશે. હા પણ શરત એટલી કે પ્રોડક્ટ તમને સૂટ થતાં હોય તેવા વાપરવા.
ઉનાળામાં તમે બીજી એક ટ્રિક એ અપનાવી શકો કે હેર વોશ કરતાં પહેલાં તેમાં કંડિશનર કરવું ત્યારબાદ રેગ્યુલર જે રીતે શેમ્પુ કરતા હોવ એ કરીને ફરી કંડિશનર કરવું. આ સિવાય ઉનાળામાં તમે હેર વોશ જે સવારે કરતાં હોવ એના સ્થાને સાંજે કરવાની ટેવ પાડવી. આખા દિવસ ધૂળ માટીમાં કે સનલાઇટમાં રખડ્યાં પછી ઘરે આવીને તમે તેને વોશ કરો એટલે તે એકદમ સ્વચ્છ થઇ જાય.
આ ઉપરાંત તમે જો સવારે વોશ કરો તો ઓફિસ જતાં પહેલાં કે રુટિન શરુ કરતાં પહેલા તમે એને બ્લોડ્રાય કરતાં હોવ તો તેનાથી તમારા વાળ વધુ ડ્રાય થઇ જાય. પણ સાંજે હેર વોશ કરો તો તમારે તેને બ્લો ડ્રાય કરવાની જરૂર રહેતી નથી. એટલે વાળમાં નેચરલ મોઇસ્ચર જળવાઇ રહે. જો તમને ડેન્ડ્રફ છે. તો ડોન્ટ વરી. થોડી તકેદારીથી એનાથી પણ છૂટકારો મળી જશે. ડેન્ડ્રફમાં તમને એ જાણકારી હોવી જરૂરી છે કેટલાક ઓઇલ અને શેમ્પુથી પણ તે થઇ શકે. એટલે પ્રોડક્ટને લઇને ધ્યાન રાખવું. ડેન્ડ્રફ હોય તો બે વાર શેમ્પૂ કરવું અને સૌથી મહત્વનું વાળમાં હેરઓઇલ એક કલાક જ રાખવું. વધારે નહીં. બે વાર શેમ્પૂ કરવાથી તમને થોડી ડ્રાયનેસ ફીલ થશે. એને માટે તમે માસ્ક પણ યુઝ કરી શકો. અને લીવઇન કંડિશનર કે સીરમ પણ વાપરી શકો. અથવા માઇલ્ડ શેમ્પૂ યુઝ કરવો જેથી બે વાર વોશ કરો તો પણ ડ્રાયનેસ નહીં આવે.
સામાન્ય રીતે સૂર્યપ્રકાશમાં એટલે કે ડે લાઇટમાં ફરતાં હોઇએ છીએ એટલે તે સમયે ડ્રાય શેમ્પુ ન કરવું. કારણ એ છે કે, ડ્રાય શેમ્પૂથી તમારા સ્કાલ્પ પરના છીદ્ર ખુલે છે. અને એ દરમિયાન જો સનલાઇટમાં જઇએ તો વાતાવરણના પ્રદૂષણથી પ્રભાવિત થઇએ. જે ખુલ્લા છીદ્રો છે તેમાં કેમિકલ અને પ્રદૂષિત તત્વો જતાં રહે અને વાળના મૂળ ઢીલા થઇ જાય. એટલે હેર ફોલની સમસ્યા પણ થઇ શકે. જો તમારા હેર એકદમ શુષ્ક અને ઘાસ જેવા કે ઝાડુ જેવા લાગે છે અને તેને સિલ્કી એન્ડ શાઇની બનાવવા માટે કશું કરવું છે તો શું કરવું. કદાચ સવાલ અઘરો લાગે પણ જવાબ અઘરો નથી. 2 ચમચી લીંબૂનો રસ લઇ તેમાં આઠ ચમચી એપલ સીડર વિનેગર અને આઠ ચમચી RO અથવા ડિસ્ટીલ્ડ વોટર એડ કરવું. જો તમારુ સ્કાલ્પ સેન્સિટીવ છે તો વધુ આઠ ચમચી સાદુ પાણી એડ કરી લેવું. તેને એક સ્પ્રે બોટલમાં ભરીને રાખી લો. હવે જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના પહેલાં તમારા વાળ અને સ્કાલ્પમાં સ્પ્રે કરીને 10 મિનિટ આ મિશ્રણ રહેવા દેવું. અને 10 મિનટ બાદ હેર વોશ કરવા. આ મિશ્રણ તમે એક મહિના સુધી ફ્રિજમાં રાખી શકો છો. એટલે થોડું વધારે બનાવીને સ્ટોર કરો તો વારેવારે તમારે આ મિશ્રણ બનાવવું નહીં પડે.
નાની નાની આવી તકેદારી અને થોડા પ્રયાસ બસ આટલું જ જોઇએ તમારા હેરને એટ્રેક્ટીવ બનાવવા. એવા વાળ કે જે ઉનાળામાં પણ રેશમી ઝુલ્ફોનો અહેસાસ કરાવી દે.