મેદસ્વીતા માટેનું આશ્ચર્યજનક કારણ..

પણે પોતાના ફીગર અથવા ફીઝીક એટલે કે બોડી માટે ખૂબ જ સતર્ક હોઇએ છીએ. અને તેને માટે કેટકેટલું કરીએ છીએ. જીમ જવું, એરોબિક્સ કરવું, એક્સર્સાઇઝ કરવી, ડાયટ ફોલો કરવું વગેરે વગેરે. પણ તેમ છતાં મેદસ્વીતા એવી વસ્તુ છે જે જલ્દી પીછો છોડતી નથી. આમ તો ઘણા બધાં કારણ હોય છે જાડા થવા પાછળ. વારસાગત, તમારુ બોડી સ્ટ્રક્ચર. પણ આ સિવાય પણ એક કારણ છે. અને એ છે તમારા ઘરમાં જામેલી ધૂળ-માટી-કચરો. એટલે જો લાખ પ્રયાસ કરવા છતાં તમારા શરીર પર ચરબી જામેલી રહે છે તો બીજા બધાને દોષ દેવાને સ્થાને ઘરમાં રહેલી ધૂળ પણ તેમાં દોષી હોઇ શકે. ઘરમાં જામતી ધૂળ મેદસ્વીતાનું કારણ, વાત નવાઇ લાગે તેવી જ છે. પણ ઘરમાં જામેલી ધૂળ-માટી કચરામાં વાતાવરણને પ્રદૂષિત કરતા તત્વોની હાજરી હોય છે. જે ચરબીના કોષોને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.અમેરિકન કેમિકલ સોસાયટીના વૈજ્ઞાનિકોએ રીસર્ચ કર્યા બાદ આ વાત જાહેર કરી છે. તેમણે શોધ કરી ત્યારે જાણ્યું કે ઘરમાં જામતી ધૂળમાં જે તત્વો હોય છે એ એવા કેમિકલ્સ છે જે ફેટ સેલ્સને પ્રોત્સાહન આપે છે. આ કેમિકલને ઇંડોક્રાઇન-ડિસરપ્ટિંગ કેમિકલ એટલે કે ECD તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેમિકલથી શરીરમાં વધુને વધુ ફેટ સેલ્સ એટલે કે ચરબીના કોષો જામવા લાગે છે. અભ્યાસ દરમિયાન એ પણ સામે આવ્યુ કે ઘરમાં ધૂળને કારણે એક અન્ય પ્રકારની ફેટ શરીરમાં જમા થવા લાગે છે. સાયન્ટિફિકલી એ ફેટને ટ્રાઇગ્લિસરાઇડ્સ કહે છે.

ઇંડોક્રાઇન-ડિસરપ્ટિંગ કેમિકલ એટલે કે ECD સિન્થેટિક અથવા નેચરલ કંપાઉંડ્સ હોય છે. એટલે કે એવું કેમિકલ સંયોજન કે જેનાથી તમારા શરીરમાં રહેલા હોર્મોન્સ બેવડાવા લાગે છે. પ્રાણીઓ પર કરાયેલા પ્રયોગ પરથી અવલોકન કરવામાં આવ્યુ કે, જ્યારે નાના હોઇએ અને તે સમયે ECDના વધુ પ્રમાણમાં સંપર્કમાં રહીએ તો તેના પ્રભાવે પછીના વર્ષોમાં વજન વધવાની સમસ્યા ઉભી થાય છે. ECD સામાન્ય રીતે મોટા ભાગે કોઇપણ સામાનમાં હોય છે. અને એટલે જ ઘરની અંદર આવતા તેને વાર નથી લાગતી. ઘરની અંદર આવીને એ ઘરમાં ડસ્ટ બનીને રહી જાય છે. અને પછી આપણે ઘરમાં જ્યારે શ્વાસ લઇએ ત્યારે ECDને પણ શ્વાસ સાથે લઇએ છીએ. એટલે ઓક્સિજનની સાથે ECD આપણા લોહીમાં ભળે છે. ઉપરાંત આપણી ત્વચા પણ તેને ગ્રહણ કરી લે છે. અને ECD આપણા શરીરમાં પહોંચી જાય છે.

યુએસ ઇન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજંસી અનુસાર અમેરિકામાં દરરોજ 50 મીલી ગ્રામ ઘરની ધૂળ બાળકોના શરીરની અંદર જાય . વૈજ્ઞાનિકોએ નોર્થ કૈરલાઇનના 11 ઘરોમાંથી ડસ્ટના સેમ્પલ લઇને તેની ચકાસણી કરી તો 11માંથી 7 ઘરોમાંથી લીધેલી ડસ્ટમાં ચરબીના કોષને વિકસિત કરીને ટ્રાઇગ્લિસરાઇડ બનાવવાની ક્ષમતા હોવાનુ તારણ મળી આવ્યું. માત્ર એક જ ઘરની ડસ્ટમાં કોઇ કેમિકલ ઇફેક્ટ ન હતી. રિસર્ચ કરનારાઓએ પ્રયોગ બાદ એ તારણ પર આવ્યા કે જો ઘરમાં જામેલી ધૂળમાં રહેલા કેમિકલથી તમે પ્રભાવિત થાઓ તો તે તમારા શરીરના મેટાબોલિઝમને પ્રભાવિત કરે છે. અને ખાસ બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.જો કે આનાથી એવું ન સમજવું કે ધૂળમાં રમવાથી બાળકને નુકસાન થાય. કારણ કે, બાગબગીચાની ધૂળ હાનિકારક નથી પણ ઘરમા આવતી બહારની વસ્તુ ખાસ તો માલસામાનમાંથી નીકળતી અને તેના કેમિકલને કારણે પ્રદૂષણયુક્ત બનતી ધૂળ હાનિકારક છે. એટલે જો બાળક બહાર માટીમાં રમે તો તે આગળ જતાં મેદસ્વી બનશે કે તેને શારીરિક તકલીફ થશે એવું માનવુ નહીં. પણ હા, ઘરમાં રહે છે બાળક તો ઘરમાં સાફસફાઇ જરુર રાખવી. ઘરમાં ECDયુક્ત ધૂળ હોઇ શકે. એટલે આ ઘરની ધૂળમાટી સાફ કરશો તો એક્સર્સાઇઝની એક્સર્સાઇઝ થશે અને સફાઇ સાથે સ્વાસ્થ્ય પણ મળશે. એમ જ થોડું કહેવાય છે કે સ્વચ્છતામાં વસે પ્રભુતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]