ચાલો ચેપ્લીનના મેળામાં…

ચાર્લી ચેપ્લીનની નકલ કરવાની અનેક ભારતીય કલાકારોએ કોશિશ કરી, પણ કોને મળી કેટલી સફળતા?

કોણ અસલી, કોણ નકલીઃ પગથિયે બેઠેલો જયેશ ચૌહાણ નકલી અને બાજુમાં ઊભેલો ચાર્લી ચેપ્લીન છે અસલી


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)


વિશ્વ વિખ્યાત વિદૂષક ચાર્લી ચેપ્લીનનો બૉલીવૂડ પર પ્રભાવ એટલો બધો છે કે નૂર મોહમ્મદ ચાર્લીથી માંડીને આજના રાજેશ પૂરી, જયેશ ચૌહાણ, જૉની લીવર સુધી કોઈ પણ એવો ભારતીય હાસ્ય કલાકાર નહીં હોય જે ચેપ્લીનથી પ્રભાવિત ન હોય.

જયેશ ચૌહાણ

૧૯૪૦થી માંડીને પચાસના દસક સુધી હાસ્ય કલાકાર તરીકે હંગામા બની જનાર નૂર મોહમ્મદ તો ચાર્લીના સ્વાભાવિક અભિનયથી એટલા દીવાના હતા કે એમણે પોતાનું નામ જ નૂર મોહમ્મદ ચાર્લી કરી નાખ્યું. ફિલ્મોમાં હાસ્યનો એક યુગ આ કૉમેડિયનને નામે ગાજ્યો. આબેહૂબ ચેપ્લીન કટ મૂછો રાખનાર નૂર મોહમ્મદે ‘નદી કિનારે’, ‘સુખ-દુ:ખ’, ‘ઠોકર’, ‘ધીરજ’, ‘મેરી આંખે’, ‘અછૂત’, ‘ચાર ચક્રમ’, ‘ઢિંઢોરા’, ‘આજ કા હિંદુસ્તાન’, ‘સંજોગ’  અને ‘પાગલ’ જેવી ડઝનબંધ ફિલ્મોમાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા.

‘પાગલ’માં તો નૂર મોહમ્મદે કમાલ કરી દીધી. એમાં એમને સંગીતજ્ઞની ભૂમિકા નિભાવી હતી. ગાતા ગાતા એ પાગલ બની જાય છે અને પરિવારના લોકો એને પાગલખાનામાં ભરતી કરાવી દે છે. ત્યારે ચાર્લી ગીતો દ્વારા પાગલખાનાના સ્ટાફ અને પાગલોનેય પોતાના ચેલા બનાવી દે છે. એક વાર રાગ માલકૌંસ ગાતા ગાતા ચાર્લી એવો તો ખોવાઈ ગયો કે કૂદીને ઝાડ પર ચડી ગયો અને બાકીનો રાગ ઝાડ પર ઊંધા લટકીને પૂરો કર્યો. એમનું આ દ્રશ્ય ચાહકોને આજે પણ યાદ છે.

૧૯૫૦નો દાયકો જૉની વૉકરને નામે રહ્યો. ‘બાઝી’થી માંડીને ‘અજી બસ શુક્રિયા’, ‘મધુમતી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ચૌદવીં કા ચાંદ’, ‘પૈગામ’, ‘ચંગેઝ ખાન’ અને ‘જૉની વૉકર’ જેવી સેંકડો ફિલ્મોમાં જૉની વૉકરે કોણ જાણે કેટલીયે ફિલ્મોના પાત્રોને ચેપ્લીનના વાઘા પહેરાવ્યા, પરંતુ જૉની વૉકરની ખૂબી એ રહી કે એણે ચાર્લીની અભિનય શૈલી અને બીજી ચીજોનો એટલી ખૂબસૂરતીથી પ્રયોગ કર્યો કે નકલ પકડાઈ ન જાય. જૉની વૉકરે કહેલું- ‘ચેપ્લીનની સ્ટાઈલ અને નૅચરલ ઍક્ટિંગની નકલ કરવી આસાન કામ નથી. અમે સેંકડો ફિલ્મોમાં કામ કર્યું પણ ચેપ્લીનથી અડધુંય ન કરી શક્યા.’ જૉની વૉકરે ચાર્લીની હેટ અને સાંકડી મોહરીવાળી પેન્ટ સિવાય ચેપ્લીનની લાકડીનો પણ કેટલીયે ફિલ્મોમાં પ્રયોગ કર્યો. ‘નયા દૌર’માં ‘મૈ બંબઈ કા બાબૂ’ ડાન્સ કરવામાં જૉનીએ ચેપ્લીનના જ સ્ટેપ્સ અને સ્ટાઈલનો અચ્છો પ્રયોગ કર્યો. ચેપ્લીનના સ્વાભાવિક અભિનયની સ્ટાઈલ જૉની વૉકરે ખૂબીપૂર્વક અપનાવી હતી. તેથી જ જૉનીએ ચેપ્લીનની વેશભૂષા અથવા પોષાકની નકલથી જાતને ઉગારી લીધી. જૉની વૉકરે ચેપ્લીનની આ ચીજોનો ખૂબીપૂર્વક અલગ અલગ શૈલીમાં પ્રયોગ કર્યો.

છેલ્લા બે દશકાથી રાજેશ પુરીએ ચેપ્લીનના વ્યક્તિત્વને આત્મસાત કરી રાખ્યું છે. પૉલિશની ડબ્બીના વિજ્ઞાપનથી માંડીને સ્ટેજ અને ફિલ્મો સુધી રાજેશ પુરીએ પોતાની જાતને ચાર્લીના આકારમાં ઢાળી લીધી છે. એટલી હદ સુધી સામ્ય જમાવ્યું છે કે રાજેશ પુરી અને ચેપ્લીનના પાત્ર મેકઅપ પછી સાથે રાખવામાં આવે તો અસલી નકલી ઓળખવા મુશ્કેલ બની જાય. એ કહે છે: ‘હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મેં પહેલી વાર ચાર્લીની ફિલ્મ ‘ગૉલ્ડ રશ’  જોયેલી અને ફિલ્મમાંની ચાર્લીની અદાઓ મારા બાળ માનસ પર બરાબર જડાઈ ગઈ. પછી તો ચાર્લીની ફિલ્મોનો નશો જ ચડતો ગયો. ‘ધ કિડ’, ‘મોડર્ન ટાઈમ્સ’, ‘ધ ગ્રેટ ડિક્ટેટર’, ‘સીટી લાઈટ્સ’ કોણ જાણે કેટલીયે વાર જોઈ હશે. થોડો મોટો થયો નાટકોમાં અભિનય કરવા લાગ્યો ત્યારે ‘યહૂદી કી લડકી’માં ચેપ્લીન રુપે કામ કર્યું. આ પાત્ર જોયા પછી ‘ચેરી બ્લૉસમ’વાળાએ વિજ્ઞાપન ફિલ્મમાં લીધો. દર્શકો જોઈને ચકરાઈ ગયા કે અસલી ચેપ્લીન ઍડ્ ફિલ્મોમાં કેવી રીતે આવી ગયો. પછી આ જ વિજ્ઞાપનથી પ્રભાવિત થઈને સર રિચર્ડ એટબનરો (‘ગાંધી’ ફેમ) એ મને પત્ર લખ્યો, અને ચેપ્લીનની આત્મકથા પર આધારિત ફિલ્મમાં ચાર્લીની ભૂમિકા માટે કરારબદ્ધ કર્યો.

રાજેશ પુરી

માત્ર ભારતના જ નહીં બલકે દુનિયાના કેટલાયે અભિનેતાઓએ ચેપ્લીન બનવાની કોશિશ કરી પરંતુ સફળ કોઈ ન થયું. એકમાત્ર અપવાદ છે રાજેશ પુરી. એનું રહસ્ય માત્ર એના અભિનયમાં નહીં બલકે અભિનય સાતે ઊંચાઈ અને ચહેરામાં પણ અકબંધ છે. એમનો બાંધો ચેપ્લીન સાથે જબરું સામ્ય ધરાવે છે. તેથી જ એટબનરોએ કહેલું કે અન્ય અભિનેતા તો ચેપ્લીનની નકલ કરે છે, પરંતુ રાજેશ પુરી ચેપ્લીનનો આત્મા છે.

ભારતીય કૉમેડિયનોમાં રાધાકિશન, ગોળમટોળ  ગોપ, મહેમૂદ, ભગવાન દાદા, કૅશ્ટો મુખર્જીએ પણ ચેપ્લીનની મૂંછોની નકલ કરી હતી. ચેપ્લીને એ મૂંછો અડોલ્ફ હિટલર પાસેથી અપનાવી હતી. પરંતુ ચેપ્લીનના પોષાક અને અભિનયથી માંડીને હર અંદાઝમાં પોતાના અભિનયને ઢાળનાર રાજ કપૂરનું નામ અગ્રગણ્ય છે. ‘આવારા’માં પહેલી વાર રાજ કપૂરે ચેપ્લીનની વેશભૂષા અપનાવીને પડદા પર અભિનય કર્યો ત્યારે રાજ કપૂર લોકોનો માનીતો બની ગયો. પછી તો હેટ, ટૂંકું પેન્ટ અને સામાન્ય જૂતાં રાજ કપૂરના અભિનયનું અંગ બની ગયાં. ‘આવારા’થી માંડીને ‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂરે ચેપ્લીનને આદર્શ માનીને બરાબર અપનાવ્યો.

ચાર્લીનો વેશ રાજકપૂરના અભિનયનો અંશ બની રહ્યો

મહેમૂદે ચેપ્લીનની મૂંછો તો કેટલીયે ફિલ્મોમાં વાપરી, પરંતુ સંપૂર્ણ ઈમેજ ‘હમજોલી’ના એક ગીત-‘જોડી હમારી જમેગા કૈસે જાની’માં અરૂણા ઈરાની સાથે ઉપસાવી. પરંતુ અભિનય અને અદાઓમાં મહેમૂદ ચેપ્લીનથી ઘણો પાછળ રહી ગયો.

અસરાનીએ ‘શોલે’માં પાગલ જેલરની ભૂમિકા ભજવી ત્યારે ચેપ્લીનની સ્ટાઈલની નકલ કરી અને દર્શકોએ અસરાનીની ઑવર ઍક્ટિંગને નવાજી. એવી જ રીતે અનિલ કપૂરે ‘મિ. ઈન્ડિયા’માં ચેપ્લીનની ઈમેજ પકડવાની કોશિશ કરેલી પણ પોષાક સિવાય કાંઈ જ પકડી ન શક્યો. રિશી કપૂરે પણ ‘નસીબ’માં આબેહૂબ ચેપ્લીનની નકલ કરી અને લાકડી પકડીને ચાર્લીની સ્ટાઈલમાં નાચવા-ગાવાની કોશિશ કરી પરંતુ એ પણ વેશભૂષા સુધી જ સીમિત રહી ગયો.

‘શોલે’માં અસરાનીનો હિટલર વેશ અને ચેપ્લીન શૈલી

ચેપ્લીનની ફિલ્મોની વાર્તાઓ અને દ્રશ્યોની નકલ ભારતીય ફિલ્મોમાં થઈ પરંતુ આ બધાથી ચડિયાતો મહેમૂદ નીકળ્યો. ‘ધ કિડ’ પરથી હિંદીમાં ‘કુંઆરા બાપ’ બનાવી અને હસાવતા હસાવતા દર્શકોના મર્મ પર પ્રભાવ પાડ્યો.

મહેમૂદ

રામેશ્ર્વરીની ‘સુનયના’ ચેપ્લીનની ‘સીટી લાઈટ્સ’નું સુંદર રૂપાંતર હતી. પરંતુ આ બાબત અભિનેતા રાજેશ પુરીને જ પુષ્કળ સફળતા મળી. એણે ફ્રેન્ચ કલાકારને ચેપ્લીનની ફિલ્મોની નકલ કરીને ફિલ્મ બનાવતો જોયો અને એને થયું કે ભારતમાં આવું કેમ ન થાય?

‘બેની હિલ નામના ફ્રેન્ચ અભિનેતાને તો સફળતા ન મળી પરંતુ મેં જ્યારે ‘મિ. ફન્ટૂશ’ સિરિયલ બનાવી અને પ્રસારિત કરી ત્યારે આબાલવૃદ્ધ સૌને ગમી ગઈ. મને એકસ્ટેન્શન તો મળ્યું પણ વ્યસ્તતાને લીધે હું ‘મિ. ફન્ટૂશ’ને આગળ ન વધારી શક્યો. હવે ફરીથી ‘મિ. ફન્ટૂશ’ને ટીવીમાં શરૂ કરવાની કોશિશ કરી રહ્યો છું.’ રાજેશ પુરી કહે છે.

મિ. ફન્ટૂશમાં ચાર્લીના વેશમાં રાજેશ પુરી

કિશોરકુમારથી માંડીને કેશ્ટો મુખર્જી સુધીના દરેક ભારતીય કૉમેડિયનના ઘરમાં ચેપ્લીનની તસવીરો લટકતી દેખાશે. એવી જ લાઈફ સાઈઝ તસવીર રાજેશ પુરીના ઘરમાં પણ છે. ખૂબી એ છે કે ચેપ્લીનના સ્વાંગમાં તસવીર રાજેશ પુરીની પોતાની છે. પરંતુ લોકો એને જ અસલી ચાર્લી ચેપ્લીન માની લે છે.

કિશોરકુમાર

ચાર્લી ચેપ્લીન: કૉમેડિયનની ટ્રૅજેડી

કૉમેડિયન તરીકે સ્વાભાવિક અભિનય દ્વારા દુનિયાભરના લોકોને હસાવનાર મહાન અભિનેતા ચેપ્લીનનો જન્મ ૧૬ એપ્રિલ, ૧૮૮૮ના દિને દક્ષિણ લંડનના એક નિર્ધન પરિવારમાં થયેલો. ચેપ્લીનના પિતા મ્યુઝિકલ પ્લેના અચ્છા કલાકાર હતા. પરંતુ શરાબની લતે ચેપ્લીનના પિતાનું જીવન છીનવી લીધું. ત્યારે ચેપ્લીનની માએ જાતે સ્ટેજ પર ગાવાનું અને કમાવાનું શરૂ કર્યું. કિશોર ચાર્લી પણ મા સાથે મંચ પર ગાવા લાગ્યો. એક વાર મા ગાતી હતી ત્યારે બીમારીને લીધે ઉધરસ ચડી અને ચાર્લીએ માનું અધૂરું ગીત જેક જોન્સ પૂરું કર્યું અને નાટ્ય મંડળીના મૅનેજરે ચાર્લીને વિદૂષક તરીકે રાખી લીધો. આ કંપનીના નાટકોમાં ચાર્લીની પ્રતિભાથી પ્રભાવિત થઈને ૧૯૧૩માં નિર્માતા-નિર્દેશક મૅક સીનેટે પોતાની ફિલ્મોમાં પાંચ-દસ મિનિટની બે રીલોવાળી મૂક ફિલ્મોમાં કૉમેડિયન રૂપે ચમકાવ્યો. વાસ્તવમાં ચાર્લીની કોથળા જેવી પેન્ટ અને ઢીલા કોટની સાથે પગમાં મોટી સાઈઝના જૂતાં અને હેટ ગરીબીની નિશાની હતા. આ કોઈ અભિનેતાનો પોષાક નહોતો બલકે એક ગરીબ ઈન્સાનની મજબૂરી અને સમાધાન હતું. અને બધી જ ફિલ્મોમાં આ પહેરવેશ ચાર્લીનો ટ્રેડમાર્ક બની ગયો. વિવેચકોએ કટાક્ષમાં કહ્યું પણ ખરું કે ચાર્લી ગરીબીને ગ્લોરિફાઈ કરે છે. પરંતુ ચાર્લી સાંભળીને હસતો અને ભૂલી જતો.

ચાર્લી હંમેશાં કહેતો કે ભૂખે જ એને કલાકાર બનાવ્યો છે. ચાર્લીએ આજીવિકા ખાતર લાકડા કાપ્યા. બાળકોને નૃત્યની તાલીમ આપી. ફાટેલા જર્જરિત જૂતાં અને થીગડાંવાળા કપડા પહેરીને બે પેનીની બ્રેડ લઈને પાણીમાં બોળીને ખાધી. આ બધું એના જીવનનો હિસ્સો બની ગયું. જીવનના આ કટુ અનુભવોએ ચાર્લીના અભિનયને ધારદાર બનાવ્યો. ‘મૅબલ્સ સ્ટ્રેન્જ પ્રીડિકામૈટ’માં એણે ઉચ્ચભ્રૂ ધનવાનો પર પોતાની શૈલીમાં એવા જબરદસ્ત કટાક્ષ કર્યા હતા કે પ્રહાર સહીને પણ એ લોકો હસ્ય વિના નહોતા રહેતા. એ ફિલ્મમાં ચાર્લી એ જ ફાટેલા જૂતાં અને જર્જરિત કપડાં પહેરીને એક આલિશાન હૉટેલમાં જઈને લૉબીમાં સોફા પર બેસી જાય છે. ધનવાન સ્ત્રીઓ એના પગ કચડીને જાય છે ત્યારે એ દરેક વખતે ઊઠીને એમને નમ્રતાપૂર્વક કહે છે: વેરી સૉરી.

ચાર્લી ઝાઝું ભણ્યો નહોતો, પરંતુ એની સેન્સ ઑફ હ્મુમર-વિનોદવૃત્તિ કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કરતા અનેકગણી વધુ હતી. જીવનની નાની નાની ક્રિયાઓથી એ લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવતો. દારુણ ગરીબીના દિવસોમાં જ્યારે એક વાર સ્ટેજ પર ગીત ગાતો હતો, નાચતો હતો ત્યારે દર્શકોએ ખુશ થઈને સ્ટેજ પર સિક્કાઓ વરસાવ્યા. પ્રોગ્રામ મૅનેજર ખિસ્સામાંથી રૂમાલ કાઢીને સિક્કા એકઠા કરવા લાગ્યો. એ જોઈને ચાર્લીને સમજતા વાર ન લાગી કે મૅનેજર જ બધા સિક્કા લઈ જશે. ત્યારે ચાર્લીએ પોતાનું ડાન્સ સોંગ અટકાવી દીધું અને દર્શકોને ફરિયાદ ભર્યા સૂરમાં કહ્યું કે પેલો મૅનેજર બધા જ સિક્કા ઊંચકીને લઈ જશે. તેથી પહેલાં હું કેટલાક સિક્કા એકઠા કરી લઉં પછી ગીત સંભળાવીશ. સાંભળીને દર્શકોએ અટ્ટહાસ્ય કર્યું. આ મહાન વિદૂષકની એ જ તો કમાલ હતી કે ગમે તેવી સ્થિતિમાં હાસ્યકટાક્ષનો દોર વહેવડાવી શકતો.

 

 

(નરેન્દ્ર ઉપાધ્યાય)