બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન હજી કેન્સરની ગાંઠમાંથી સાજા થવા માટે લંડનમાં સારવાર લઈ રહ્યા છે ત્યાં 43 વર્ષીય અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ પોતાને કેન્સર થયાની જાહેરાત કરી છે. આ સમાચારથી ફિલ્મરસિયાઓમાં આઘાતની લાગણી ફરી વળી છે.
આ બંને કલાકાર સાજા થઈ જાય એ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેમજ એમના પ્રશંસકો દ્વારા શુભેચ્છા અને પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોલીવૂડમાં કેટલાક કલાકારો કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બન્યાં છે તો કેટલાક એની સામે જંગ ખેલીને જીતવામાં સફળ થયા છે. વિનોદ ખન્ના કમનસીબ રહ્યા તો મનીષા કોઈરાલા સફળ રહી હતી.
મનીષાને 2012માં ઓવેરિયન કેન્સર થયું હતું. એ વખતે એ 42 વર્ષની હતી. એ સારવાર માટે ન્યુ યોર્ક ગઈ હતી. એને સારવારથી ફાયદો થયો હતો અને મહારોગને નાથવામાં એ આખરે સફળ થઈ હતી.
ઋતિક રોશનને 2013માં ‘બેન્ગ બેન્ગ’ ફિલ્મના એક એક્શન દ્રશ્યનું શૂટિંગ કરતી વખતે માથામાં ઈજા થઈ હતી. અને એમાંથી એના મગજમાં ગાંઠ બંધાઈ ગઈ હતી, પણ તે એ બીમારીમાંથી સાજો થઈ શક્યો હતો.
1982માં જ્યારે અમિતાભ બચ્ચન ‘કૂલી’ ફિલ્મના શૂટિંગ વખતે અકસ્માતે ઘાયલ થઈ ગયા હતા ત્યારે આખું હિન્દી ફિલ્મ જગત અને દેશભરના ફિલ્મરસિયાઓમાં ઉદાસી ફરી વળી હતી. જોકે બચ્ચન સ્પ્લેનિક રપ્ચર અને બે વર્ષ બાદ થયેલા માયસ્થેનિયા ગ્રેવિસની બીમારીમાંથી સાજા થઈ શક્યા હતા.
અભિનેત્રી લિઝા રે બોન મેરોમાં સફેદ રક્તકણના કેન્સરમાંથી બચી ગઈ હતી અને સૈફ અલી ખાન માઈનર હાર્ટ એટેકમાંથી બચી ગયો હતો. સુપરસ્ટાર સલમાન ખાન પણ એક ગંભીર બીમારીમાં સપડાયો હતો. એને ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયાની તકલીફ થઈ હતી અને એ માટે એને વિદેશમાં સારવાર લેવા પડ્યું હતું.
‘બરફી’ ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુને 2004માં એક પ્રકારનું બ્લડ કેન્સર થયું હતું. ડોક્ટરોએ એમને કહી દીધું હતું કે તમારી બચવાની આશા 50 ટકા છે. પણ બાસુએ આશા છોડી નહોતી અને વિજયી થયા હતા. સારવારના દિવસો દરમિયાન એમણે ‘ગેંગસ્ટર’ અને ‘લાઈફ ઈન અ મેટ્રો’ ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી.