બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 75 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરીને પોતાને સક્રિય રાખે છે, પણ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ નામની આગામી હિન્દી ફિલ્મના શૂટિંગ દરમિયાન એ માંદા પડી જતાં એમના કરોડો ચાહકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
બચ્ચનના અભિનેત્રી અને રાજકારણી પત્ની જયા બચ્ચને દિલ્હીમાં સંસદભવન ખાતે પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો હતો કે અમિતાભની તબિયત સારી છે.
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મનું શૂટિંગ જોધપુરમાં ચાલી રહ્યું છે. બચ્ચન આજે સવારે સેટ પર બીમાર પડી ગયા હતા. એને પગલે એમની સારવાર માટે મુંબઈથી ડોક્ટરોની એક ટૂકડીને રવાના કરવામાં આવી હતી.
અમિતાભે એ પહેલાં એમના બ્લોગમાં લખ્યું હતું કે, હું મારા ડોક્ટરો વચ્ચે ઘેરાઈ જવાનો છું. એ લોકો મને ફરી સ્વસ્થ કરી દેશે. હું મારા શરીરને ડોક્ટરોની ટીમના હવાલે કરી દઈશ, જેઓ મને સ્વસ્થ કરી દેશે. હું આરામ કરીશ. અત્યારે સવારના પાંચ વાગ્યા છે. કામ કરતાં કરતાં ગઈ કાલ રાત પછી આ સવાર પડી છે. અમુક લોકોને જીવતા રહેવા માટે કામ કરવાની, કઠિન પરિશ્રમ કરવાની જરૂર રહેતી હોય છે.
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત આમિર ખાન, ફાતિમા સના શેખ અને કેટરીના કૈફની પણ મહત્વની ભૂમિકાઓ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના તહેવારમાં રિલીઝ થવાનું નિર્ધારિત છે.
અમિતાભને ખરેખર શું થયું છે?
અમિતાભ જોધપુરના મેહરાંગઢ કિલ્લામાં ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું શૂટિંગ કરી રહ્યા છે.
કહેવાય છે કે ફિલ્મના શૂટિંગ માટે વજનદાર કોસ્ચ્યૂમ્સ પહેરવાથી બચ્ચન બીમાર પડી ગયા છે. એમને શરીરમાં, ખાસ કરીને પીઠમાં દુખાવો ઉપડ્યો હતો.
જયા બચ્ચને દિલ્હીમાં સંસદભવનમાં પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને પીઠ અને ગરદનમાં દુખાવો છે… કોસ્ચ્યૂમ્સ બહુ જ વજનદાર છે એટલે એમને થોડોક દુખાવો ઉપડ્યો છે. એ સિવાય એમની તબિયત સારી છે.
અમિતાભ ઝડપથી સાજા થઈ જાય એવી રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ શુભેચ્છા પણ વ્યક્ત કરી છે.
રાજેએ જોધપુરના વહીવટીતંત્રના અધિકારીઓને આદેશ આપ્યો છે કે અમિતાભને તબીબી સહાય સમયસર મળી જાય એની તેઓ તકેદારી રાખે.