બચ્ચાં પાર્ટીને ખુશ કરવા એમને ભાવતી વાનગી બનાવવા કંઈ કેટલીય માથાઝીંક કરવી પડે છે! ગોલ્ડ કોઈન એક એવું સ્ટાર્ટર છે જે સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. શું કરીએ બાળકોની વાત આવે એટલે હેલ્થનો વિચાર જરા વધુ કરવો પડે!
સામગ્રીઃ
- બે બાફેલાં બટેટા મેશ કરેલા
- 1 નાનો કાંદો ઝીણો સમારેલો
- ½ કપ બાફીને ક્રશ કરેલાં કોર્ન
- 1 નાનું ગાજર ખમણેલું
- અડધું સિમલા મરચું ઝીણાં ચોરસ ટુકડામાં સુધારેલું
- ½ કપ તાજા લીલા વટાણા બાફેલાં
- 1 ટે.સ્પૂન આદુ-મરચાં પેસ્ટ
- 2 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
- ½ કપ કોથમીર ઝીણી સમારેલી
- 4 સ્લાઈસ બ્રેડની (બ્રાઉન બ્રેડ લઈ શકો છો)
- મીઠું સ્વાદ મુજબ
- 1 ટે.સ્પૂન સોયા સોસ
- 3 ટે.સ્પૂન તલ
- તળવા માટે તેલ
રીતઃ એક બાઉલમાં મેશ કરેલા બટેટા તેમજ કોર્ન, ગાજર, વટાણા, કાંદો, સિમલા મરચું, આદુ-મરચાં પેસ્ટ, કોથમીર લઈ લો. એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. તેમજ સોયા સોસ ઉમેરીને મિક્સ કરી લો.
રાઉન્ડ કૂકી કટર લઈ દરેક બ્રેડમાંથી ગોળાકાર કટ કરી લો. (ગોળાકારને બદલે સ્ક્વેર કટ પણ કરી શકો છો.) 1 ટે.સ્પૂન જેટલું પુરણ લઈ બ્રેડના રાઉન્ડ પીસ ઉપર એક સાઈડ ઉપર સરખું લગાડી દો. તલને એક થાળીમાં કાઢી લો. બ્રેડના પુરણ લગાડેલા ભાગને તલમાં રગદોળી લો. આ રીતે બધાં પીસ તૈયાર કરતાં જાઓ. અને એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ થાય એટલે એમાં આવે એટલા બ્રેડના પીસ શેલો-ફ્રાય કરવા મૂકી દો. ગેસની આંચ મધ્યમ ધીમી રાખવી. કોઈનને બંને બાજુએથી ગોલ્ડન ક્રિસ્પી તળી લો.
આ ગોલ્ડ કોઈન ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે પિરસો.
બ્રેડને ગોળાકારને બદલે સ્ક્વેર કટ પણ કરી શકો છો.