ટોસ્ટ હાંડવો

ટોસ્ટરમાં બનાવેલો હાંડવો કંઈક અલગ સ્વાદવાળો યમ્મી લાગે છે!

સામગ્રીઃ

  • ચોખા 1 કપ
  • ચણાની દાળ ½ કપ
  • તુવેરદાળ ¼ કપ
  • અળદની દાળ ¼ કપ
  • મેથીદાણા 1 ટી.સ્પૂન
  • વટાણા 2 ટે.સ્પૂન
  • ગાજર ખમણેલું 1 ટે.સ્પૂન
  • સિમલા મરચું ઝીણું સમારેલું 2 ટે.સ્પૂન
  • ધોઈને સમારેલી કોથમીર ½ કપ
  • ખમણેલી દૂધી ½ કપ
  • દહીં ½ કપ
  • ઘઉંનો લોટ 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન
  • સફેદ તલ 1 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન,
  • બેકીંગ સોડા 1 ટી.સ્પૂન

રીતઃ ત્રણેય દાળ અને ચોખાને એક વાસણમાં લઈ 2-3 પાણીએથી ધોઈ લીધા બાદ ચોખ્ખા પાણીમાં આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી કાઢી લઈ મિક્સીમાં નાખો. તથા તેમાં જ દહીં નાખીને કરકરું ઘટ્ટ ખીરું પીસી લો. આ ખીરું ઢાંકીને 4-5 કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ તેમાં બધા સુધારેલીં વિજીટેબલ્સ મેળવી દો. હવે તેમાં 2 ટે.સ્પૂન ઘઉંનો લોટ મેળવી દો. ઉપરથી બેકીંગ સોડા નાખી તેની ઉપર લીંબુનો રસ નિચોવી એકાદ મિનિટ ચમચા વડે એકસરખું હલાવીને ખીરું સરખું મિક્સ કરી લો.

એક ગેસ ટોસ્ટર લઈ તેને તેલ વડે ગ્રીસ કરીને થોડા તલ ભભરાવી લો. આ ટોસ્ટરમાં ચમચા વડે હાંડવાનું ખીરું રેડી ફેલાવની રેડી દો. ઉપરથી એક ચમચી જેટલું તેલ રેડી, તલ ભભરાવીને ટોસ્ટર બંધ કરીને ગેસની મધ્યમ આંચે હાંડવો ટોસ્ટ થવા દો. 4-5 મિનિટ બાદ ટોસ્ટર ફેરવીને બીજી બાજુથી હાંડવો ફરીથી 4-5 મિનિટ થવા દો.

ત્યારબાદ હાંડવો એક પ્લેટમાં કાઢી લઈ ઉપરની પ્રોસેસ ફરીથી કરીને બીજીવારનો હાંડવો ટોસ્ટ કરી લો.

હાંડવો તૈયાર થાય એટલે કોથમીરની તીખી ચટણી સાથે પીરસો.