આ ગરમીની ઋતુમાં સખત તાપમાં શરીરમાં ઠંડક રહે તેમજ લૂ ના લાગે તે માટે કેરી તથા ફુદીનાનું શરબત ઘણું લાભકારી છે.
સામગ્રીઃ
- 3 તોતાપુરી કાચી કેરી
- સાકર 3 કપ
- ફુદીનાના પાન 1 કપ
- દૂધ ¼ કપ
- શેકેલા જીરાનો પાવડર 1 ટે.સ્પૂન
- કાળું મીઠું 1 ટે.સ્પૂન
- સાદું મીઠું 1 ટી.સ્પૂન
- કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
- ફુડ કલર (લીલો) 2 ચપટી
- લીંબુનો રસ 2 ટે.સ્પૂન
રીતઃ કેરીને ધોઈને છોલી લેવી. ત્યારબાદ તેના પર ચપ્પૂ વડે ઉભા કાપા પાડી લેવા. (એક કેરી પર 4-5 કાપા આવશે.) એક કૂકરમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડી તેમાં ત્રણેય કેરી મૂકીને કૂકર ઢાંકીને 5-6 સીટી પાડી લેવી. કૂકૂરને થોડીવાર બાદ ખોલવું. કેરીને એક વાસણમાં ઠંડી કરવા મૂકી દેવી.
એક વાસણમાં 3 કપ સાકર લેવી. તેમાં 1½ કપ પાણી ઉમેરીને ગેસની તેજ આંચ પર ગરમ કરવા મૂકો. ઝારા વડે આ પાણી હલાવતાં રહેવું. પાણી થોડું ઉકળે એટલે ¼ કપ દૂધ ઉમેરી દો. જેથી સાકરને લીધે તેમાં રહેલો મેલ પાણીની ઉપર તરી આવશે. જેને ચાની ગળણી વડે કાઢી લેવો. ગેસની આંચ મધ્યમ રાખીને સાકર ઓગળવા દો.
કેરીનો પલ્પ ઠંડો થઈ જાય એટલે તેને મિક્સર જારમાં કાઢી લેવો. ગોટલી પરથી પણ પલ્પ કાઢી લેવો. તેને મિક્સીમાં પીસી લેવો. હવે તેમાં ફુદીનાના પાન નાખીને ફરી મિક્સી ફેરવી લો.
સાકર ઓગળીને ચાસણી તૈયાર થાય એટલે કેરી-ફુદીનાનો પલ્પ તેમાં મેળવી દો. મિશ્રણ એકરસ થાય એટલે તેમાં જીરુ, કાળું મીઠું, સાદું મીઠું, કાળા મરી પાવડર મિક્સ કરી લો. હવે તેમાં 2 ચપટી જેટલો ફુડ કલર (લીલો) ઉમેરી દો. મિશ્રણ એકરસ થાય એટલે ગેસ બંધ કરીને લીંબુનો રસ મેળવી દો.
શરબત ઠંડું થાય એટલે કાચની બાટલી અથવા ફુડ ગ્રેડ બોટલમાં ભરી લો. આ શરબત ફ્રીજની બહાર પણ 2-3 મહિના સુધી સારું રહે છે.
