વરસાદના આ દિવસોમાં જ્યારે ટમેટાં કે શાકભાજી મળી નથી રહ્યાં તો શાક માટે હજુ એક વેરાયટી છે સેવ-કાંદાનું શાક! જે ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે! સેવ કાં તો ઘરે બનાવી શકાય છે અથવા ફરસાણની દુકાનેથી પણ મળી રહે છે.
સામગ્રીઃ
- કાંદા 4
- ચણાના લોટની સેવ 100 ગ્રામ
- વઘાર માટે તેલ 2 ટે.સ્પૂન
- રાઈ ¼ ટી.સ્પૂન
- હીંગ ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- આદુ-મરચાંની પેસ્ટ 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
- ધાણાંજીરુ ½ ટી.સ્પૂન
- હળદર પાવડર ¼ ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- ધોઈને ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
રીતઃ કાંદાને ઝીણાં સમારી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈ તતડાવો. હીંગ ભભરાવીને કાંદા નાખીને સાંતળો. કાંદા નરમ થઈ જાય એટલે તેમાં સૂકો મસાલો તેમજ આદુ-મરચાંની પેસ્ટ નાખીને 2 મિનિટ સાંતળો. મીઠું પ્રમાણમાં ઓછું નાખવું. કારણ કે, સેવમાં મીઠું હોય જ છે. હવે તેમાં 2 ટે.સ્પૂન જેટલું પાણી મેળવી દો, જેથી સેવ નાખ્યા બાદ સાવ સૂકું ના લાગે. ઢાંકીને 2 મિનિટ થયા બાદ તેમાં સેવ ભભરાવીને મિક્સ કરો અને 1 મિનિટ બાદ ગેસ બંધ કરીને શાક ઉતારી લો. ઉપર કોથમીર ભભરાવી દો.
આ શાક પણ તૈયાર થયા બાદ ગરમ ખાવામાં સારું લાગે છે. એટલું થઈ શકે કે, કાંદા અને મસાલો સાંતળીને રાખી મૂકો અને જમવાના સમયે ફરીથી ગેસ પર ગરમ કરી લીધા બાદ તેમાં સેવ ઉમેરીને ગરમાગરમ શાક જમવામાં પીરસો.