રવા વેજ રોલ્સ

રવા વેજ રોલ્સ એ રવાની નવી વેરાયટી છે. જે હેલ્ધી પણ છે.

સામગ્રીઃ

  • બારીક રવો 1 કપ
  • દહીં ½ કપ
  • ખાવાનો સોડા ¼ ટી.સ્પૂન
  • મીઠું ½ ટી.સ્પૂન,

સ્ટફિંગઃ

  • 1 ધોઈને ઝીણું સમારેલું સિમલા મરચું
  • ફ્લાવર ધોઈને ઝીણું સમારેલું ½ કપ
  • ગાજર ઝીણું સમારેલું ¼ કપ
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  • આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • કાળા મરીનો પાવડર ¼ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • પિઝા સોસ 2 ટે.સ્પૂન

વઘાર માટેઃ

  • તેલ 2 ટે.સ્પૂન,
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તલ 1 ટી.સ્પૂન
  • 4-5 કળીપત્તાના પાન

રીતઃ રવામાં દહીં, મીઠું તેમજ ખાવાનો સોડા મિક્સ કરીને નરમ લોટની જેમ બાંધી દો. તેને થોડું તેલ ચોપડીને 10 મિનિટ માટે એકબાજુએ રહેવા દો.

એક બાઉલમાં શાકભાજી તેમજ મીઠું, કાળા મરી પાવડર વગેરે મિક્સ કરી દો.

10 મિનિટ બાદ લોટ લઈ તેને ફરીથી થોડું તેલ ચોપડીને બે ભાગમાં વહેંચી દો. લૂવા પર તેમજ વેલણ પર થોડું તેલ ચોપડીને લૂવો ચોરસ આકારમાં વણો. આ વણેલા રોટલા પર પિઝા સોસની પાતળી લેયર ચોપડી દો. તેની ઉપર શાકભાજીનું મિશ્રણ પાતળી લેયરમાં પાથરી દો. હવે રોટલાની એક કિનારીને બાજુએથી વાળીને રોલ વાળી દો (ખાંડવીની જેમ).

આ રોલને ચાળણીમાં તેલ ચોપડીને મુઠીયા બાફીએ તે રીતે બાફવા મૂકવાના છે. એક મોટા વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડો. તેમાં એક કાંઠો મૂકીને આ વાસણ ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાંનું પાણી ઉકળે એટલે રોલવાળી ચાળણીને વાસણમાં મૂકીને વાસણ ઢાંકીને 15 મિનિટ માટે મિડિયમ ફ્લેમ પર થવા દો.

15 મિનિટ બાદ ગેસ બંધ કરીને સાણસી વડે ચાળણી કાઢીને રોલને થોડા ઠંડા થવા દો. ત્યારબાદ રોલને નાના પીસમાં કટ કરીને એક પ્લેટમાં મૂકો.  એક વઘારીયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીને તતડાવો. ત્યારબાદ તલ હળવેથી નાખીને કળીપત્તાના પાન પણ નાખી દો. આ વઘારને ચમચી વડે એક એ દરેક રોલ પર રેડતા જાવ.

રવાના આ રોલને લીલી ચટણી તેમજ ટમેટો કેચ-અપ સાથે પીરસો.