સાબુદાણા બટેટા પરોઠા

નવરાત્રીની અષ્ટમી કે રામનવમીના વ્રત માટે ફરાળ માટે સાબુદાણા બટેટાના પરોઠા ઓછા તેલમાં બની જાય છે!

સામગ્રીઃ

  • સાબુદાણા 1 કપ
  • બાફેલા બટેટા 3
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • શેકેલી શીંગનો ભૂકો 2 ટે.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • તેલ અથવા ઘી પરોઠા શેકવા માટે

રીતઃ સાબુદાણાને 1 પાણીએથી ધોઈને 4 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો.

ત્યારબાદ એક મોટા બાઉલમાં સાબુદાણામાંથી પાણી નિતારીને લો. તેમાં બાફેલા બટેટા ખમણીને ઉમેરો. લીલા મરચાં તેમજ આદુ ઝીણાં સમારી લો. સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરો. કાળા મરી પાઉડર, દહીં તેમજ શેકેલી શીંગનો ભૂકો અને સમારેલી કોથમીર મેળવીને હાથેથી લોટની જેમ મિશ્રણને બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

ગેસ ઉપર નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. પેનમાં થોડું તેલ તવેથા વડે લગાડી રાખો.

એક પ્લાસ્ટીક શીટ પાટલા ઉપર મૂકી તેની ઉપર તેલ લગાડી લો. હાથને તેલવાળા કરી, સાબુદાણાના લોટમાંથી લૂવો લઈ પાટલા ઉપર પ્લાસ્ટીક ઉપર લૂવો મૂકીને હાથેથી તેનો રોટલો થાપો. ત્યારબાદ પરોઠાવાળું પ્લાસ્ટીક હાથમાં લઈ બીજા હાથમાં ઉંધું વાળીને પરોઠાને હાથમાં લઈ લો અને બંને હાથમાં પરોઠો લઈને હળવેથી તવામાં મૂકી દો. જેમ જુવારના રોટલા આપણે તવીમાં શેકવા માટે મૂકીએ તે રીતે.

2-3 મિનિટ પરોઠું શેકાયા બાદ તવેથા વડે ઉથલાવીને ફરતે તેલ અથવા ઘી રેડીને ફરીથી 2-3 મિનિટ શેકાવા દો. પરોઠું બંને બાજુએથી બ્રાઉન રંગનું થાય એટલે ઉતારી લો.

તૈયાર પરોઠા કોથમીર-મરચાં-દહીંની તીખી લીલી ચટણી અથવા ફક્ત દહીં સાથે પણ સારા લાગશે.