બાળકો માટે વેકેશન એટલે રમત-ગમતની પ્રવૃત્તિ, સમર કેમ્પ, મિત્રો સાથે ફરવા જવું વગેરે વગેરે… પરંતુ સહુ બાળકોનો સરખો, એક જ રસનો વિષય એટલે ભાવતું, ચટપટું ખાવાનું… બાળકોને ભાવે તેવા વેજ ટાકોસ ઘરે જ રોટલી કે રોટલીના લોટમાંથી બનાવી શકાય છે!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 1 કપ
- ટામેટું 1
- કાંદો 1
- સિમલા મરચું 1
- મકાઈના બાફેલા દાણા ½ કપ
- કોબી ઝીણી સમારેલી ½ કપ
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- શેઝવાન ચટણી 1-1 ટી.સ્પૂન
- ટોમેટો કેચ-અપ 2-2 ટે.સ્પૂન
- ચીઝ ક્યુબ 2-2
- બાફેલા બટેટા 2
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
રીતઃ ઘઉંનો લોટ રોટલી માટે બાંધીએ તેવો બાંધવો અથવા રોટલી કર્યા પછી વધેલો લોટ પણ લઈ શકાય છે.
એક બાઉલમાં ટામેટું, સિમલા મરચું, કાંદો ઝીણાં સમારી લેવા. તેમાં ઝીણી સમારેલી કોબી મેળવી સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, પિઝા સિઝનિંગ મસાલો, ચિલી ફ્લેક્સ, શેઝવાન ચટણી, ટોમેટો કેચ-અપ મેળવીને 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરવા. ત્યારબાદ બાફેલા બટેટા પણ બારીક છૂંદો કરીને મેળવી દેવા.
બાંધેલા લોટમાંથી નાના નાના એવા લૂવા કરી લેવા. તેમાંથી પુરી સાઈઝની પાતળી રોટલીઓ વણી લેવી. નોનસ્ટીક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે વણેલી રોટલીમાંથી ચાર જેટલી રોટલી તવામાં ગોઠવી દેવી. રોટલીની ઉપર બબલ્સ આવે એટલે તેને ફેરવી દેવી. આ રોટલીઓની એક સાઈડ ચોકલેટી ટપકાં આવે તે રીતે શેકી લેવી.
એક વાટકીમાં ટોમેટો કેચ-અપ 2 ટી.સ્પૂન અને શેઝવાન ચટણી 1 ટી.સ્પૂન મેળવીને ચમચી વડે દરેક રોટલી ઉપર ચોપડી દો. તૈયાર કરેલું પૂરણ રોટલીની અડધી બાજુ પર મૂકી દો. ઉપર ફરીથી ચીઝ ખમણી દો, સમારેલી કોથમીર ભભરાવીને રોટલીને અડધી વાળી લો.
