ચોખાની તે કંઈ મીઠાઈ બનતી હશે? હા, હા, કાચા ચોખાની પણ સ્વાદિષ્ટ મીઠાઈ બને છે! તો જાણવા માટે, વાંચી લો રેસિપી!
સામગ્રીઃ
- 1 કપ ચોખા
- દૂધ 1½ કપ તથા 2 ટે.સ્પૂન
- મિલ્ક પાવડર 2 ટે.સ્પૂન
- સાકર ½ કપ, દેશી ઘી 1 ટે.સ્પૂન
- સૂકા કોપરાનો પાવડર 3 ટે.સ્પૂન
- કોકો પાવડર 1 ટી.સ્પૂન
- બદામ-પિસ્તાની કાતરી 1 ટે.સ્પૂન
રીતઃ ચોખાને ધોઈને સૂકવીને પાવડર કરી લેવો અથવા એક ભીના કપડા વડે લૂછીને, પંખામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ચોખા શેકો. ચોખાનો રંગ હલકો ગોલ્ડન થાય અને તે થોડા ક્રિસ્પી થાય એટલે પેનને ગેસ પરથી ઉતારી લો.
ચોખા થોડા ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક પીસી લો. બહુ બારીક ન થયા હોય તો તેને ચાળણીમાં ચાળી લો.
એક જાડા તળિયાવાળા પેનમાં દૂધને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાવડર ગઠ્ઠા ના પડે તે રીતે મિક્સ કરો તેમજ સાકર પણ મિક્સ કરીને દૂધનો ઉભરો આવે એટલું ગરમ કરી દો. ત્યારબાદ તેમાં 1 ટે.સ્પૂન દેશી ઘી ઉમેરી દો. હવે એમાં સૂકા કોપરાનો પાવડર તેમજ ચોખાનો પાવડર ધીરે ધીરે મેળવી દો જેથી ગઠ્ઠા ના પડે, ગેસની આંચ ધીમી કરી દો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દો.
ચોખાના મિશ્રણમાંથી પોણા ભાગનું મિશ્રણ અલગ કાઢી લો. એક વાટકીમાં 2 ટે.સ્પૂન દૂધ લઈ તેમાં કોકો પાવડર મિક્સ કરી દો અને બચેલા મિશ્રણમાં ઉમેરીને પેનને ધીમા ગેસ પર ગરમ કરીને આ મિશ્રણ ઘટ્ટ કરી લો, તેમાં 1 ટી.સ્પૂન ઘી ઉમેરવાથી તે પેનમાં ચોંટશે નહીં. (ચોકલેટ પાવડર ઉમેર્યા વગરની સાદી મીઠાઈ પણ બનાવી શકો છો.)
એક થાળીમાં ચોખાના મિશ્રણનો સફેદ કલરવાળો ભાગ ½ ઈંચ જેટલો પાથરી દો. તેની ઉપર ચોકલેટી મિશ્રણને પણ પાથરી દો. ઉપર બદામ-પિસ્તાની કાતરી ભભરાવીને 1 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેના ચોરસ પીસ કરીને ખાવા માટે લઈ શકાય છે. આ મીઠાઈ ફ્રીજમાં 1 અઠવાડીયા સુધી સારી રહે છે.