ઠંડીના દિવસોમાં નવા બટેટા આવે છે. ખાસ નાના બટેટાથી બનતું જાલંધર, પંજાબનું સ્ટ્રીટ ફુડ ‘શર્લે’ અથવા ‘શર્લા’ ઠંડીના દિવસો દરમ્યાન જ ત્યાં વેચાતું હોય છે, જે ઘણું જ સ્વાસ્થ્યવર્ધક છે. આ ‘શર્લે’ ઘરે બનાવો, તો તેમાં મેથી તેમજ પાલકની ભાજી ઉમેરીને લીલી ભાજી બાળકોને આ નાસ્તા દ્વારા આપી શકાય છે!
સામગ્રીઃ
- દમ આલૂ (નાની સાઈઝના) 1 કિલો
- મૂળા 2
- લીલાં મરચાં 4
- આદુનો ટુકડો 1 ઈંચ
- જીરુ ½ ટી.સ્પૂન
- લીંબુનો રસ 2 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- કોથમીર ધોઈને સમારેલી 2 કપ
- પાલક ધોઈને સમારેલી 1 કપ
- લીલી મેથીના પાન ધોઈને સમારેલાં 1 કપ
- ચણાનો લોટ 2½ કપ
- મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટે.સ્પૂન
- હળદર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટે.સ્પૂન
- જીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
રીતઃ દમ આલૂને 3-4 પાણીએથી સરખી રીતે ધોઈને કપડાંથી લૂછી લો. છાલ કાઢવાની જરૂર નથી. કૂકરમાં આલૂ મૂકી તેમાં ½ થી 1 કપ પાણી ઉમેરીને કૂકરનું ઢાંકણ ઢાંકી દો. ફક્ત 1 સીટી થવા દો.
મૂળાને ધોઈને છોલીને ખમણી લો. મધ્યમ અથવા મોટી છીણીથી ખમણી લો.
ચટણી બનાવવા માટેઃ કોથમીર, લીલાં મરચાં, આદુનો ટુકડો, લીંબુનો રસ, જીરુ, મીઠું સ્વાદ મુજબ તેમજ ચપટી ખાંડ મેળવીને લીલી ચટણી બનાવી લો.
કૂકરમાંથી વરાળ નીકળી ગયા બાદ બટેટાને એક મોટા તાસ અથવા બીજા કોઈ પહોળાં વાટકામાં કાઢી લો. બટેટા ગરમ હોય ત્યારે જ આ વાનગી બનાવવાની હોય છે. એટલે એમાં ઉમેરવાની અન્ય સામગ્રી અગાઉથી જ તૈયાર કરી રાખવી.
બાફેલાં બટેટામાં મોટા બટેટા હોય તો તેના 2-3 કટકા કરી લો. હવે એક તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી ઉપરથી હળવે હળવે દાબીને થોડાં ચપટાં કરીને, મોટા તાસમાં એકસરખા ફેલાવી દો. તેમાં થોડો ચણાનો લોટ, બધા સૂકા મસાલા, લીલાં મરચાં સમારેલાં, ખમણેલું આદુ, સમારેલી મેથી-પાલકની ભાજી, કોથમીર, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ, જીરુ વગેરે મેળવી લો તેમાં 1 કપ જેવું પાણી ઉમેરી દો. ચણાનો લોટ થોડો થોડો નાખતાં જાઓ અને થોડુંક પાણી નાખીને મિશ્રણ મેળવતાં જાઓ. આ બધા બટેટા પર ચણાના લોટનું કોટીંગ થયું હોય તે રીતે લાગી જવું જોઈએ.
એક નોન-સ્ટીક પેનનું તળિયું ઢંકાય એટલું તેલ તેમાં ઉમેરીને ગરમ કરવા મૂકો. એક ચમચા વડે થોડું મિશ્રણ લઈ તેને પેનમાં ગરમ થયેલા તેલમાં પુરીને જેમ ગોળાકાર આકારમાં ફેલાવીને મૂકો. તવેથા વડે ઉપરથી થોડું દાબીને ચપટી પેટીસ જેવું બનાવી લો અને શેલો ફ્રાઈ કરી લો. આ વાનગીને કાચી-પાકી શેલો ફ્રાઈ કર્યા બાદ, પીરસતી વખતે ડીપ ફ્રાઈ કરીને પણ પીરસી શકાય છે.
શર્લે ટીક્કી પીરસતી વખતે એક પ્લેટમાં મૂકી, તેની ઉપર ખમણેલો મૂળો નાખી ઉપર તીખી તેમજ ગળી ચટણી પીરસવી. આ ટીક્કી બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે.