પૌઆ-બટેટાની આ વેજીટેબલ કટલેટ પૌષ્ટિક છે. તેમાં હજુ તમે ઈચ્છો તે શાક ઉમેરી શકો છો.
સામગ્રીઃ
- પૌઆ 1 કપ
- દહીં અથવા લીંબુનો રસ 2 ટે.સ્પૂન
- કાંદો 1
- સિમલા મરચું 1 નાનું
- મરચાં 2-3, બાફેલા બટેટા 2
- ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- ચોખાનો લોટ અથવા કોર્નફ્લોર 2 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- વર્મિસેલી સેવ 2 કપ
સ્લરી બનાવવા માટેઃ
- મેંદો 1 ટે.સ્પૂન
- કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન
- ચપટી હીંગ
- મીઠું સ્વાદ મુજબ
રીતઃ પૌઆને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારી લેવું. તેમાં દહીં અથવા લીંબુનો રસ મેળવીને પૌઆને 5-6 મિનિટ માટે રાખી મૂકો. પૌઆ થોડા ફુલીને નરમ થશે. જો પૌઆ સૂકા અને કડક લાગે તો થોડું પાણી છાંટી દેવું.
કાંદો તેમજ સિમલા મરચાંને ઝીણાં સમારી લેવા. મરચાંને પણ ગોળ સમારી લેવા. બટેટાનો છૂંદો કરી લેવો અને પૌઆમાં આ બધી સામગ્રી તથા તલ, કાળા મરી પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, સમારેલી કોથમીર, ચોખાનો લોટ તેમજ મીઠું સ્વાદ મુજબ મેળવી દો અને તેને લોટની જેમ બાંધી દો.
એક થાળીમાં તેલ ચોપડી દો. પૌંઆવાળા લોટને થાપીને થાળીમાં ફેલાવી દો. ઉપરથી ચપટા તળિયાવાળી વાટકી ફેરવીને એકસરખું મિશ્રણ ફેલાવી દો. આ મિશ્રણના ગોળ, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ જેવો આકાર જોઈએ, તે આકારમાં ચપ્પૂ વડે થાપેલા મિશ્રણના કટકા કરી લો.
એક બાઉલમાં મેંદો લઈ તેમાં થોડું થોડું પાણી મેળવીને પાતળી સ્લરી બનાવી લો.
વર્મિસેલી સેવના નાના ટુકડા કરી લો.
પૌઆના તૈયાર કરેલા કટલેટના પીસને મેંદાવાળા પાણીમાં મેળવીને વર્મિસેલી સેવના બારીક કરેલા ટુકડામાં ફેરવી લો સેવને થોડી દાબીને ચોંટાડી દો. તૈયાર કરેલા કટલેટને રેફ્રીજરેટરમાં 15 મિનિટ માટે સેટ કરવા મૂકો.
15 મિનિટ બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ રાખીને કટલેટને સોનેરી રંગના તળી લો.
કટલેટને તળવા ના હોય તો ફ્રાઈ પેનમાં 2 ટે.સ્પૂન તેલ રેડીને ગેસની ધીમી આંચે સોનેરી રંગના ક્રિસ્પી થવા દેવા.