પચવામાં એકદમ હલકા…અને ખાવામાં તો વાહ શું ચટાકેદાર અને ક્રિસ્પી બને છે! એ તો તમે બનાવો તો ખબર પડે. સાંજના નાસ્તામાં તો બધાને ખાવામાં મઝા આવી જાય!
સામગ્રીઃ 1-1/2 કપ પૌંઆ, 2 બાફેલાં બટેટા, ½ કપ ઝીણી સમારેલી કોથમીર, 2-3 લીલાં મરચાં, 1 ટી.સ્પૂન આખું જીરૂ, ¼ ટી.સ્પૂન મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટી.સ્પૂન મરચાં પાવડર, 1 ટી.સ્પૂન ધાણાજીરૂ પાવડર, ½ ટી.સ્પૂન ગરમ મસાલો, ¼ ટી.સ્પૂન ખાંડ, 1 ટી.સ્પૂન લીંબુનો રસ
રીતઃ પૌંઆને પાણીથી ધોઈને ફરીથી થોડા હુંફાળા પાણીમાં 2 મિનિટ માટે પલાળી રાખો. પૌંઆમાંથી પાણી નિતારી લો. એક પ્લેટમાં નિતારેલાં પૌંઆ સૂકાવા માટે પાથરી દો. 5 મિનિટ બાદ પૌંઆને હાથેથી મેશ કરી લો. જેથી એ લોટની જેમ મુલાયમ થાય.
હવે એમાં બાફેલા બટેટાને મેશ કરીને નાખો. ત્યારબાદ બાકીની બધી સામગ્રી પણ ઉમેરીને મિક્સ કરી દો. એમાંથી નાના નાના ગોળા વાળીને મધ્યમ આંચે તળી લો. આ પૌંઆના ભજીયા ટમેટો સોસ સાથે પીરસો.