શીંગદાણાની બરફી

શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલુ છે, રક્ષાબંધન પણ ત્યારે જ આવે છે. તો કેમ નહીં ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી ઘરે જ સરળતાથી બની જતી સહેલી અને સસ્તી કાજુ કતરી જેવી લાગતી શીંગદાણાની બરફી બનાવી લઈએ!

સામગ્રીઃ 

  • શીંગદાણા 2 કપ
  • 4-5 એલચીનો અધકચરો ભૂકો
  • મિલ્ક પાવડર 2 ટે.સ્પૂન
  • સાકર 1 કપ
  • કેસર એસેન્સ 4-5 ટીપાં
  • ઘી 2 ટે.સ્પૂન

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. કઢાઈ ગરમ થયા બાદ ગેસની આંચ એકદમ ધીમી કરીને તેમાં શીંગદાણા શેકાવા માટે નાખો. 4-5 મિનિટ શેકાયા બાદ એક શીંગદાણાને હાથેથી છોલી જુઓ. જો તેનું ફોતરું સરળતાથી નીકળી જાય, તો ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.

શીંગદાણા થોડા ઠંડા થયા બાદ તેને બંને હાથોમાં થોડા લઈ છોલીને બીજા વાસણમાં છોલેલા શીંગદાણા રાખતા જાઓ. અથવા એક કપડાની ચોખ્ખી થેલીમાં શીંગદાણા ભરીને થેલીનું મોઢું બંધ કરીને શીંગદાણાને રગડો. જેથી ફોતરા નીકળી જાય. પછી શીંગદાણાને થાળીમાં ઉછાળીને ફોતરા અલગ કરી દો.

છોલેલા શીંગદાણાને મિક્સરમાં 1-1 સેકન્ડ ફેરવીને જોઈ લો. થોડો બારીક ભૂકો થાય એટલે તેને લોટની ચાળણીમાં ચાળીને બારીક ભૂકો બીજા એક બાઉલમાં ભેગો કરતા જાઓ. ફરીથી જાડો ભૂકો મિક્સરમાં 1 સેકન્ડ માટે ફેરવીને ચાળી લો. હવે તમારી પાસે શીંગદાણાનો સ્મૂધ પાવડર તૈયાર છે. તેમાં એલચીનો ભૂકો તેમજ મિલ્ક પાવડર પણ મેળવી લો.

ફરીથી એ જ જાડી કઢાઈ લો. તેમાં 1 કપ સાકર તેમજ ½ કપ પાણી ઉમેરી ગેસની મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. એક તારની ચાસણી બનાવીને તેમાં કેસર એસેન્સના ટીપાં ઉમેરી દો. ચાસણીનું એક ટીપું એક ડીશમાં લઈ થોડું ઠંડું થાયે એટલે અંગૂઠા તેમજ આંગળી વડે તપાસી જુઓ. જો ચાસણી આંગળીમાં ચોંટે તો ગેસને થોડીવાર માટે બંધ કરી દો. હવે તેમાં પીસેલા શીંગદાણાનો પાવડર થોડો થોડો ઉમેરીને મિક્સ કરતા જાઓ. સરખું મિકસ્ થાય એટલે ગેસને ફરીથી ધીમી આંચે ચાલુ કરી દો.  તેમાં ઘી ઉમેરીને મિશ્રણને એકસરખું હલાવતાં રહો. તેમજ એલચી પાવડર પણ ઉમેરી દો. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે એક ચમચીમાં થોડું લઈ તેને ઠંડું થવા દો. હવે એનો ગોળો વાળો. જો તેનો ગોળો વળે તો ગેસની આંચ બંધ કરીને મિશ્રણ નીચે ઉતારી, ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેમાં 1 ટી.સ્પૂન ઘી ઉમેરીને થોડીવાર કૂણીને એનો ગોળો વાળીને પાટલા પર મૂકી વેલણ વડે કાજુ કતરી જેટલી પાતળી લેયર વણી લો. તેને ચારેબાજુએથી ચપ્પૂ વડે કિનારી દાબીને ચોરસ આકાર આપી દો. 1 કલાક બાજુએ મૂકી રાખીને બાદમાં તેના ચોરસ કટકા કરીને ઉપર બદામ, પિસ્તા તેમજ કેસરના તાંતણા મૂકીને સજાવટ કરી દો.