પાઉંભાજીની ભાજી બનાવવાની કડાકૂટ ના કરવી હોય તો એ જ સ્વાદમાં થોડી ઓછી જહેમત સાથે પાઉંભાજી પરોઠા બનાવી લો!
સામગ્રીઃ
- સિમલા મરચું 1
- ફ્લાવર 200 ગ્રામ
- વટાણા 200 ગ્રામ
- બાફેલા બટેટા 4-5
- ½ ટી.સ્પૂન હળદર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- લીલા મરચાં 2-3
- કાંદો 1
- માખણ 1 ટે.સ્પૂન
- પાઉંભાજી મસાલો 2 ટે.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન અથવા લીંબુનો રસ
- ઘઉંનો લોટ 2 કપ
- ધોઈને બારીક સમારેલી કોથમીર 1 કપ
સોસ બનાવવા માટેઃ માખણ 3 ટે.સ્પૂન, લીલું લસણ પાંદડી સહિત અથવા સૂકું લસણ 2 ટે.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
રીતઃ એક બાઉલમાં એક ગ્લાસ પાણીમાં ½ ટી.સ્પૂન હળદર પાઉડર તેમજ ½ ટી.સ્પૂન મીઠું મેળવી લો.
ફ્લાવરને છૂટું કરીને વટાણા સાથે આ પાણીમાં મેળવીને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાણી નિતારીને તેને બાફી લો. પ્રેશર કૂકરમાં 2 સીટીમાં બફાઈ જશે. હવે તેને મેશ કરી લો.
એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન માખણ ગરમ કરીને તેમાં કાંદો તેમજ સિમલા મરચું ઝીણાં સુધારીને તેમાં મરચાં ગોળ સમારીને સાંતળી લો. હવે મેશ કરેલાં શાકભાજી તેમાં ઉમેરીને સાંતડી લો. જેથી તેમાંનું પાણી સૂકાઈ જાય. ત્યારબાદ બાફેલા બટેટાને ખમણીને અથવા બારીક છૂંદો કરીને કોથમીર સાથે તેમાં ઉમેરી દો. પાઉંભાજી મસાલો 1 ટે.સ્પૂન તેમજ ચાટ મસાલો અથવા લીંબુનો રસ તેમજ મીઠું સ્વાદ મુજબ ચાખીને ઉમેરો. કારણ કે, શાકભાજીમાં મીઠું મેળવ્યું હતું. આ મિશ્રણ સરખું સાંતડીને ગેસ બંધ કરી દો.
બટર સોસ માટે એક પેનમાં બટર ગરમ કરી તેમાં એકદમ બારીક સુધારેલું લસણ ઉમેરીને સાંતડો. પાંચેક મિનિટ બાદ તેમાં ચિલી ફ્લેક્સ મેળવીને 1 મિનિટ સાંતડીને ગેસ બંધ કરી તેને ઉતારી લો અને એક નાના બાઉલમાં કાઢી લો.
પરોઠા માટે લોટ બાંધવા માટે તેમાં 1 ટે.સ્પૂન પાઉંભાજી મસાલો અને મીઠું સ્વાદ મુજબ મેળવીને લોટ બાંધી લો અને 1 ટી.સ્પૂન તેલનું મોણ આપી દો.
લોટનો લૂવો લઈ તેને પુરી સાઈઝનો વણી લો. એમાં પાઉંભાજીવાળું મિશ્રણ 1 ટે.સ્પૂન જેટલું લઈ ઉમેરીને ગોળો વાળીને બંધી કરીને તેનું પરોઠું વણી લો અને તૈયાર કરેલું બટર સોસ વાપરીને તવામાં આ પરોઠું શેકી લો.
આ પરોઠા બુંદીના રાયતા, દહીં અથવા લીલી ચટણી સાથે પીરસો.