પનીર મંચુરિયન

ભૂખ લાગી હોય અને કંઈક સ્વાદિષ્ટ, ચટપટું ખાવાની ઈચ્છા હોય તો પનીર મંચુરિયન બનાવવું કંઈ અઘરું નથી!

સામગ્રીઃ

  • મેંદો ½ કપ
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • પનીર 200 ગ્રામ
  • તળવા માટે તેલ તથા સોસ માટે તેલ 2 ટે.સ્પૂન

સોસ માટેઃ

  • આદુ 1 ઈંચ
  • લસણ 5-6 કળી
  • લીલા મરચાં 2-3
  • કાંદા 2-3
  • ટોમેટો કેચઅપ 2 ટે.સ્પૂન
  • ગ્રીન ચીલી સોસ 1 ટે.સ્પૂન (optional)
  • સોયા સોસ 1 ટે.સ્પૂન,
  • સફેદ વિનેગર ½ ટે.સ્પૂન
  • કાશમીરી લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા કાંદાના પાન ધોઈને સુધારેલા ½ કપ

રીતઃ એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મરચાં પાવડર તથા મીઠું મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવું ખીરું બનાવી લો. પનીરના ચોરસ ટુકડા કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગેસની આંચ મધ્યમ કરી લો. હવે પનીરના ટુકડાને ઉપર બનાવેલા ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો.

આદુ-લસણને ઝીણા સમારી લેવા. લીલા મરચાંને ગોળ સુધારી લેવા. કાંદાને લાંબી ચીરીમાં સુધારી લેવા. એક ફાઈ પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરીને તેમાં આદુ-લસણ તેમજ મરચાં નાખી બે મિનિટ સાંતળીને કાંદા ઉમેરી દો અને સોનેરી રંગ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટોમેટો કેચઅપ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, સફેદ વિનેગર, કાશમીરી લાલ મરચાં પાવડર તેમજ મીઠું સ્વાદ મુજબ ઉમેરીને હલાવી લો. તેમાં 1 થી 1½ કપ જેટલું પાણી ઉમેરી દો અને થોડું ઘટ્ટ થવા દો. ત્યારબાદ તેમાં પનીરના તળેલા ટુકડા ઉમેરીને પાંચેક મિનિટ બાદ ઘટ્ટ થયા બાદ કાંદાની સમારેલાં પાન મિક્સ કરીને ઢાંકી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લો અને ગરમાગરમ પીરસો.