આ મોતી પાક મીઠાઈ માટે બુંદી બનાવવા, ઝારાનો ઉપયોગ કરવાની જરૂર નથી! ફક્ત કળછીના ઉપયોગ વડે બુંદી પાડી શકાય છે! બેસતા વર્ષે ઓછા સમયમાં આ મીઠાઈ સહેલાઈથી બની શકે છે!
સામગ્રીઃ
- ચણાનો લોટ 2 કપ
- બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
- તેલ 1 ટી.સ્પૂન
- ઘી અથવા તેલ બુંદી તળવા માટે
- સાકર 1½ કપ
- એલચી પાઉડર 1 ટી.સ્પૂન
- કેસરી ખાવાનો રંગ 4-5 ટીપાં
- ચાંદીનું વરખ
રીતઃ એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં બેકીંગ પાઉડર ભેળવીને તેમાં થોડું થોડું પાણી મેળવીને ખીરું બનાવી લો. આ ખીરું ના પાતળું કે ના ઘટ્ટ પણ મધ્યમ પ્રકારનું હોવું જોઈએ.
હવે કઢાઈમાં ઘી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. એક કળછીમાં ખીરું લઈ તેના વડે ગરમ ઘીમાં કઢાઈમાં આવે તેટલું ખીરું સેવની જેમ ગોળ ગોળ પાડીને સોનેરી રંગે તળી લીધા બાદ એક પ્લેટમાં કાઢી લો. (અથવા જલેબીના સાંચા કે દૂધની પ્લાસ્ટિકની કોથળીમાં મહેંદીનો કોન ભરીએ તે રીતે ખીરું ભરીને સેવની જેમ તળી લો)
આ જ રીતે બધી સેવ તળી લીધા બાદ તે ઠંડી થાય એટલે મિક્સીમાં તેનો અધકચરો ભૂકો કરી લો.
એક તપેલીમાં ½ કપ પાણી લઈ તેમાં 1½ કપ સાકર મેળવીને તપેલી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં એલચી પાઉડર પણ મેળવી દો. સાકરની ચાસણી બને ત્યાં સુધી ચમચા વડે હલાવતાં રહેવી. તેમાંની સાકર ઓગળી જાય અને ચાસણીમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો. હવે તેમાં કેસરી રંગ ઉમેરવો હોય તો 4-5 ટીપાં ઉમેરી દો અને તળેલી બુંદી હવે આ ચાસણીમાં મેળવી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં પાથરીને ફેલાવી દો. ઉપરથી ચાંદીનું વરખ લગાડી દો.
2 કલાક બાદ મિશ્રણ ઠરે એટલે મીઠાઈના ચોસલા પાડીને ખાવાના ઉપયોગમાં લો.
