મેથી આલૂ પરોઠા

જોતાં જ ખાવાનું મન થાય તેવા મેથી આલૂ પરોઠા બાળકોના ફેવરિટ બની શકે છે!

સામગ્રીઃ

  • પાલકના પાન ધોઈને સમારેલા 1 કપ
  • મેથીના પાન ધોઈને સમારેલા 1 કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લસણની કળી 7-8
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 3-4
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • ઘઉંનો લોટ 2 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • સાકર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • દહીં 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું,
  • તેલ 1 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન

પૂરણ માટેઃ

  • બાફેલા બટેટા 4-5
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકેલા જીરાનો પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • આદુ-લસણ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • સૂકા ધાણા ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન

રીતઃ ધોયેલા પાલકના પાનને ઉકળતા પાણીમાં 1 મિનિટ માટે નાખીને બહાર કાઢી લઈ ઠંડા પાણીમાં નાખી દો અને તરત બહાર કાઢી લો. આ પાન તેમજ કોથમીર, લસણ-આદુ, મરચાં, સાકર, જીરૂ, લીંબુનો રસ મિક્સીમાં લઈને તેની પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટ એક વાસણમાં લઈ તેમાં ધોયેલા મેથીના પાન સમારીને ઉમેરી, ઘઉંનો તથા ચણાનો લોટ મેળવો. અજમાને હાથેથી થોડો ક્રશ કરીને મેળવો. દહીં, હીંગ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું તેમજ તેલ મેળવીને બધી સામગ્રીને હાથેથી મેળવી લીધા બાદ લોટ બાંધીને તેલનું મોણ આપીને લોટ ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકો.

બાફેલા બટેટાનો હાથેથી છૂંદો કરીને તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચાં પાઉડર, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર, ગરમ મસાલો મેળવો. સૂકા ધાણાને અધકચરા વાટીને મેળવો. બટેટાનું પૂરણ તૈયાર થયા બાદ જો ઢીલું લાગે તો તેમાં થોડા પૌઆનો ભૂકો કરીને મેળવી દો.

હવે પરોઠા માટેના લોટમાંથી લૂવો લઈ તેની પાતળી-ગોળ રોટલી વણી લો. બટેટાના પૂરણમાંથી 2 ચમચી જેટલું અથવા રોટલી પ્રમાણે પૂરણ લઈને વણેલી રોટલીની વચ્ચે મૂકી તેને ચોરસ અથવા ત્રિકોણાકારમાં પાથરી દો. અને તેની ફરતેથી રોટલી વાળીને પેક કરી લો. વાળેલી કિનારીવાળો ભાગ ઉપર રાખીને થોડો લોટ ભભરાવીને વેલણ વડે પરોઠું થોડું વણી લો. જેથી વાળેલી કિનારી પેક થઈ જાય અને પૂરણ બહાર ના નીકળે.

ગેસ ઉપર તવો અથવા નોન-સ્ટીક પેન ગરમ કરીને વણેલું પરોઠું ઘી-માખણ કે તેલ વડે શેકી લો.

આ પરોઠા દહીં સાથે પીરસો.