વ્રત માટેનો આ ફરાળી નાસ્તો ઓછા તેલવાળો તેમજ સ્વાદિષ્ટ બને છે!

સામગ્રીઃ ઘી 1 ટે.સ્પૂન, સામો, જીરૂ ½ ટી.સ્પૂન, સફેદ તલ ½ ટી.સ્પૂન¸ કળીપત્તાના પાન 7-8, લીલા મરચાં 3-4, આદુનો ટુકડો 1 ઈંચ, પાણી 2 કપ, સ્વાદ મુજબ સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું), ધોઈને સમારેલી કોથમીર 1 કપ, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, સામો અથવા સામાનો લોટ 1 કપ, બાફેલા બટેટા 3, તેલ ટિક્કી શેલો ફ્રાય કરવા
રીતઃ એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરી, સફેદ તલ ઉમેર્યા બાદ લીલાં મરચાં તેમજ કળી પત્તાના પાન સમારીને ઉમેરી દો અને 2 કપ પાણી મેળવ્યા બાદ તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, ચિલી ફ્લેક્સ, સમારેલી કોથમીર પણ મેળવી દો. હવે તેમાં સામાનો લોટ મેળવી દો. જો સામો આખો હોય તો તેને મિક્સીમાં કરકરો દળીને મેળવો.
ગેસની મધ્યમ આંચે આ મિશ્રણ ચમચા વડે હલાવતાં રહો, જ્ચાં સુધી તે લોટ જેવું બંધાય ન જાય. મિશ્રણ ઘટ્ટ લોટ જેવું બંધાય એટલે ગેસ બંધ કરી દો. આ મિશ્રણ એક વાસણમાં ઠાલવીને ચમચા વડે થોડું ફેલાવી દો. તેની ઉપર બાફેલા બટેટાને ખમણીને ચમચા વડે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એક થાળીમાં તેલ લગાડીને ઠાલવી દો અને ચમચા વડે એકસરખું ફેલાવીને એક વાટકીના તળિયા પર તેલ લગાડીને વાટકી વડે ઉપરથી લીસું કરી લો.
મિશ્રણ ઠંડું થાય એટલે તેના ચપ્પૂ વડે ચોસલા પાડીને એક ડિશમાં મૂકી દો.
પેનમાં તેલ ગરમ કરી, તેમાં સામાની ટિક્કી ગોઠવી દો. ગેસની મધ્યમ આંચે સોનેરી રંગની ટિક્કી શેકી લો. (ટિક્કી ડિપ ફ્રાય કરવી હોય તો કરી શકાય)
ગરમાગરમ ટિક્કી વ્રત માટેની કોથમીરની લીલી ચટણી સાથે પીરસો.



