જુવાર-બટેટા હેલ્ધી સમોસા બાટી

સ્વાસ્થ્ય માટે જાગૃત વ્યક્તિ કે સ્વાસ્થ્યને કારણે ડાયેટ પાળનાર વ્યક્તિને જુવારના લોટના પડવાળા અને સમોસાના પૂરણવાળા, તળ્યા વગરના, પરંતુ સ્વાદિષ્ટ સમોસા ખાવા મળે તો મનભરીને તે વ્યક્તિ સમોસાની લહેજત માણી શકે! ખરું ને?

સામગ્રીઃ જુવારનો લોટ 1½ કપ, રવો ½ કપ, મીઠું સ્વાદ મુજબ, કસૂરી મેથી 1 ટે.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન, ઘી 1 ટે.સ્પૂન તથા બાટી શેકવા માટે, અજમો ½ ટી.સ્પૂન, હૂંફાળું ગરમ પાણી 1-1½ કપ, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, ચાટ મસાલો 1 ટી.સ્પૂન, શેકેલા જીરાનો પાઉડર 2 ટી.સ્પૂન,

પૂરણ માટેઃ ફુદીનાના પાન ½ કપ, લીલા તીખા મરચાં 4-5, આદુનો ટુકડો 2 ઈંચ, સ્વાદ મુજબ મીઠું, જીરૂ 1 ટી.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન, હીંગ ¼ ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, બાફેલા બટેટા 3, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, સમારેલી કોથમીર ½ કપ, બાફેલા લીલા વટાણા ¼ કપ, ખાંડ ½ ટી.સ્પૂન

રીતઃ જુવારના લોટમાં રવો, કસૂરી મેથી, સફેદ તલ, ઘી તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવીને હાથેથી મિશ્રણ મિક્સ કરી લીધા બાદ તેમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતાં જઈ (હાથમાં લઈ શકાય તેવું ગરમ પાણી) લઈ લોટ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

મિક્સીમાં ફુદીનાના પાન, મરચાં, આદુનો ટુકડો નાખીને પેસ્ટ બનાવી લો.

એક પેનમાં તેલ ગરમ કરી જીરૂ વઘારી, હીંગ નાખો. ત્યારબાદ ફુદીના-આદુમરચાંની પેસ્ટ નાખી, હળદર તેમજ બાફેલા બટેટાનો છૂંદો કરીને નાખો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર, બાફેલા લીલા વટાણા, ખાંડ તથા સમારેલી કોથમીર ઉમેરી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને પૂરણ ઠંડું થવા દો. પૂરણ ઠંડું થાય એટલે તેમાંથી ગોળા વાળી લેવા.

જુવારનો લોટ ફરીથી થોડો કુણી લો. તેમાંથી લીંબુ સાઈઝના ગોળા લઈ હાથને પાણીવાળો કરીને હાથમાં જ તેની પુરી થેપી લો. અને આ પુરીમાં પૂરણનો ગોળો મૂકીને તે ફાટે નહીં તે રીતે પેક કરીને લીસો ગોળો વાળીને બધા ગોળા તૈયાર કરી લો.

અપ્પે પેનના દરેક મોલ્ડમાં તેલ અથવા ઘી લગાડીને તેને ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે દરેક મોલ્ડમાં જુવારના સમોસા એટલે કે જુવાર બાટીને ગોઠવી દો. ગેસની ધીમી આંચે થવા દો. વચ્ચેના 2-3 મોલ્ડમાં બાટી જલ્દી ચઢી જશે. તેથી તેને ફેરવીને ગોલ્ડન થાય એટલે કાઢી લો અને આસપાસની બાટીને વચ્ચેના ખાનામાં ગોઠવીને તૈયાર કરી લો. દરેક ખાનાની બાટીમાં થોડું થોડું ઘી નાખીને ફેરવતા રહેવું. (ઘી નાખવાથી તે વધુ ક્રિસ્પી બનશે) દરેક બાટી તૈયાર થતા 10 મિનિટ જેવો સમય થશે.

આ જુવાર સમોસા (બાટી)ને લીલી કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસો તો વધુ સ્વાદીષ્ટ લાગશે અથવા ગળી ચટણી સાથે પણ પીરસી શકાય.