સવારની ઉતાવળમાં ઝટપટ બની જાય છે આ સેન્ડવિચ! બાળકોને ટિફિનમાં પણ પ્રિય થાય તેવી છે આ ઈન્સ્ટન્ટ તવા ટોસ્ટ સેન્ડવિચ!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 2
- પ્રોસેસ્ડ ચીઝ 1
- નાનો કાંદો 1
- પનીર 50 ગ્રામ
- સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
- આદુ-મરચાં-લસણ પેસ્ટ 2 ટે.સ્પૂન
- રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- માખણ અથવા ઘી
- સેન્ડવિચ માટેની મોટી બ્રેડ સ્લાઈસ 8-10 (સાદી અથવા ઘઉંની)
રીતઃ દરેક બ્રેડ ઉપર વાટકી મૂકી તેની ગોળ સ્લાઈસ કરી લો.
એક બાઉલમાં બાફેલું બટેટું મોટી છીણીથી છીણી લઈ ચીઝ તેમજ પનીર પણ તેમાં છીણી લો. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલાં કાંદા તેમજ કોથમીર ઉમેરી દો. આદુ-મરચાં-લસણ પેસ્ટ, ચાટ મસાલો, રેડ ચિલી ફ્લેક્સ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને એક ફોર્ક (કાંટા ચમચી) વડે હળવે હળવે મેળવી લો. જેથી તેમાંથી પાણી ના છૂટે.
નોનસ્ટીક તવો ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી લો.
બ્રેડની એક ગોળ સ્લાઈસ લઈ તેની ઉપર માખણ ચોપડી લો. તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ 1½ ટી.સ્પૂન જેટલું અથવા વધુ આવે તેટલું પાથરી દો. ફરીથી ઉપર બ્રેડની બીજી ગોળ સ્લાઈસ ગોઠવી દો. તેની ઉપર માખણ અથવા ઘી ચોપડીને તવા ઉપર માખણવાળી બાજુ ઉંધી મૂકી દો. ઉપરવાળી કોરી બ્રેડની બાજુ ઉપર માખણ અથવા ઘી લગાડી દો. 1-2 મિનિટ બાદ સેન્ડવિચની નીચેની બાજુ સોનેરી રંગની થઈ જાય એટલે તવેથા વડે હળવેથી તેને ફેરવી દો. બીજી બાજુ પણ સોનેરી રંગની થવા દો. બધી સ્લાઈસની સેન્ડવિચ આ રીતે તૈયાર કરી લીધા બાદ તેને ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
બાળકોને જો ટિફિનમાં આપવી હોય તો આ સેન્ડવિચને પ્લેટમાં મૂકી ચપ્પૂ અથવા પિઝા કટર વડે વચ્ચેથી બે ભાગ કરી લો. દરેક ભાગના ગોળાકાર ઉપર ટોમેટો કેચ-અપ લગાડી ઉપરથી ઝીણી સેવ લગાડીને ટિફિનમાં ભરી આપો.
