ઈન્સ્ટન્ટ ખીચું – ખાટ્ટો લોટ

ખાટ્ટો લોટ વાનગી ઝટપટ બની જતી પૌષ્ટિક, સ્વાદિષ્ટ, વિસરાતી જતી ગુજરાતી પારંપરિક વાનગી છે. જેનો સ્વાદ ખીચું જેવો જ લાગે છે! પૂરી રસોઈ બનાવવાનો જો કોઈવાર કંટાળો આવ્યો હોય તો આ એક વાનગી પૂરી રસોઈનો સ્વાદ આપી દે તેમજ પૌષ્ટિક પણ છે. વળી, તેના માટે ઘરમાં ઉપલબ્ધ ચોખા, ઘઉં, ચણા, જુવાર, મગ કે મકાઈનો એમ કોઈપણ લોટ તમે વાપરી શકો છો!

સામગ્રીઃ

  • ઘઉં અથવા ચણાનો લોટ 1 કપ
  • જીરુ 1 ટી.સ્પૂન
  • આદુ-મરચાં-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • કળીપત્તાના પાન 8-10
  • શીંગતેલ વઘાર માટે 1 ટે.સ્પૂન તેમજ વાનગી સાથે પીરસવા માટે
  • ખાટી છાશ 2 કપ
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 1 ટે.સ્પૂન
  • ખાંડ 1 ટી.સ્પૂન (optional)
  • મેથિયો સંભારો 1 ટે.સ્પૂન

રીતઃ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવી લીધા બાદ તેમાં હીંગ તેમજ કળી પત્તાના પાન ઉમેરીને આદુ-મરચાંની પેસ્ટ 1 મિનિટ માટે સાંતળીને અડધો કપ પાણી રેડી દો. ત્યારબાદ તેમાં છાશ  ઉમેરીને 1 મિનિટ ગરમ કરીને તેમાં તરત થોડો થોડો લોટ ઉમેરીને તવેથા વડે મિક્સ કરતા રહો. લોટ ઉમેરાય જાય પછી પણ તવેથા વડે એકસરખું મિશ્રણ હલાવતા રહેવું. જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય.

મિશ્રણ ઘટ્ટ થયા બાદ ગેસ બંધ કરીને ઉતારી લો.

પ્લેટમાં 1-2 ચમચા જેટલું મિશ્રણ રેડી તેની ઉપર 1 ટે.સ્પૂન શીંગ તેલ રેડી, મેથિયો મસાલો ભભરાવીને ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો. ગરમાગરમ ખાટો લોટ જમવામાં પીરસો.