ઈન્સ્ટન્ટ કલાકંદ બરફી

દિવાળી પર્વ હજુ ચાલુ છે. સગાં સંબંધીઓનું આગમન પણ ચાલુ છે. તો તેમનું ઈન્સ્ટન્ટ કલાકંદ બરફીથી સ્વાગત કરી લો. આ બરફી ગેસ સ્ટવના ઉપયોગ વિના બહુ જ ત્વરાથી બની જાય છે!

સામગ્રીઃ

  • દળેલી સાકર ½ કપ
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • પનીર 2 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • પીળો ખાવાનો રંગ અથવા તમારી પસંદગીનો રંગ ¼ ટી.સ્પૂન
  • ડ્રાય ફ્રુટના ટુકડા

રીતઃ પનીરને ખમણી લો અથવા હાથેથી બારીક ભૂકો કરી લો. પનીરના ભૂકામાં દળેલી સાકર, એલચી પાઉડર તેમજ મિલ્ક પાઉડર મેળવી લો. મિલ્ક પાઉડર ગળ્યો હોવાથી આ બરફીમાં સાકરનું પ્રમાણ થોડું ઓછું લઈ શકાય છે. આ મિશ્રણ મિક્સ કરતી વખતે જ તે ઢીલું થતું જાય છે, જેથી દૂધ ઉમેરવાની જરૂર નથી.

આ મિશ્રણને બે ભાગમાં વહેંચી લો. સફેદ ભાગને એક બાજુએ રાખી લો. હવે વધેલા મિશ્રણમાં પીળો અથવા તમને જોઈતો રંગ મેળવી લો. એક ટ્રેમાં ઘી ચોપડેલું બટર પેપર ગોઠવીને તેની ઉપર સફેદ મિશ્રણ પાથરી દો. ત્યારબાદ તેની ઉપર પીળા રંગનું મિશ્રણ પણ પાથરી દો. ઉપરથી ડ્રાયફ્રુટના ટુકડા ભભરાવીને તેને તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી દાબીને પ્લેન કરી લો.

આ ટ્રેને ફ્રીજમાં 2 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેને બહાર કાઢી લો. એક પ્લેટમાં ટ્રેને ઉથલાવી દો. આ કલાકંદ બરફીના ચોરસ અથવા લંબચોરસ ચોસલા કરી લો. આ બરફી એરટાઈટ કન્ટેનરમાં રેફ્રીજરેટરમાં અઠવાડિયા સુધી સારી રહે છે!