બ્રેડના ઈન્સ્ટન્ટ દહીં વડા

ઘરે મહેમાન ઓચિંતા આવી જાય ત્યારે નાસ્તામાં બ્રેડના ઈન્સ્ટન્ટ દહીં વડા બનાવી શકાય છે. જે માન્યામાં ન આવે તેટલી ઝડપથી બની જાય છે!

સામગ્રીઃ

  • વ્હાઈટ બ્રેડ 8-10
  • દહીં 3 કપ
  • તીખી લીલી ચટણી
  • ગળી ચટણી
  • સ્વાદ મુજબ મીઠું
  • કાળું મીઠું
  • શેકેલા જીરાનો પાઉડર
  • કાજુ અથવા બદામના ટુકડા 1 કપ
  • કિસમિસ ½ કપ
  • દળેલી સાકર 2 ટે.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • દાડમના દાણા 1 કપ

રીતઃ બ્રેડની કિનારી કટ કરીને એકબાજુએ રાખી દો. એમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવીને સ્ટોર કરી શકો છો.

દહીંમાંથી 1 કપ દહીં લઈ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીને છાશ તૈયાર કરી લો. મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો.

એક એક બ્રેડ લઈ તેને છાશમાં બોળીને હળવેથી એક હાથમાં લઈ બીજા હાથેથી તેને દાબીને હળવેથી પાણી નિચોવી દો. આ બ્રેડમાં થોડા કાજુના ટુકડા તેમજ કિસમિસ ઉમેરી બ્રેડને વાળીને બંધ કરીને ગોળો વાળી લો.

આ ગોળા વાળીને એક થાળીમાં મૂકી દો.

બાકી રહેલા દહીંમાં દળેલી સાકર મેળવી દો.

આ દહીંને બ્રેડના દરેક ગોળા ઉપર રેડીને ઉપરથી લીલી તેમજ ગળી ચટણી રેડી દો. જીરૂ તેમજ લાલ મરચાં પાઉડર ભભરાવી દો. થોડું કાળું મીઠું ભભરાવીને ઉપરથી સમારેલી કોથમીર તેમજ દાડમના દાણા ભભરાવી દો.

તૈયાર છે ઈન્સ્ટન્ટ બ્રેડ દહીં વડા!