મગ પુલાવ

પુલાવમાં વેરાયટી મળી જાય તો કોને ન ભાવે?  તો જાણી લઈએ, આણંદ અને નડિયાદનું ફેમસ સ્ટ્રીટ ફુડ મગ પુલાવની રેસિપી જે હેલ્ધી પણ છે!

સામગ્રીઃ

  • મગ  1 કપ
  • બાસમતી ચોખા 1 કપ
  • હીંગ ¼ ટી.સ્પૂન, વઘાર માટે તેલ
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • કાશ્મીરી મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • કાંદા 2
  • લીલા મરચાં 3-4
  • ટામેટાં 2-3
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • ઝીણી સમારેલી કોબી ½ કપ
  • 1 સિમલા મરચું
  • કિચન કિંગ મસાલો 1 ટે.સ્પૂન
  • ગાજર 1 (optional)

ચટણીઃ

  • લસણની કળી 7-8
  • આદુ ખમણેલું 1 ટે.સ્પૂન
  • આખા લાલ કાશ્મીરી મરચાં 3-4

ચટણી રીતઃ આખા લાલ મરચાંને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી લીધાં બાદ મિક્સીમાં નાખીને તેમાં લસણ તેમજ આદુના ટુકડા ઉમેરીને તેમાં થોડું પાણી નાખીને પીસી લો.

પુલાવની  રીતઃ

મગને 2-3 પાણીએથી ધોઈને 7-8 કલાક માટે પાણીમાં પલાળી રાખવા. રાંધવાના અડધાથી એક કલાક પહેલાં બાસમતી ચોખાને 2-3 પાણીએથી ધોઈને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

એક તપેલામાં 2 ગ્લાસ પાણી ઉકળવા મૂકો. તેમાં ½ ટી.સ્પૂન  મીઠું તેમજ 2-3 ટીપાં તેલના ઉમેરી દો. પાણી ઉકળે એટલે પલાળેલા બાસમતી ચોખા તેમાં હળવેથી નાખીને ભાત થવા દો.

બીજા ગેસ પર નાનું કૂકર ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી ¼ ટી.સ્પૂન હીંગ નાખીને પલાળેલા મગ ઉમેરો. હવે તેમાં મીઠું તેમજ ¼ ટી.સ્પૂન હળદર મેળવી દો અને ¼ કપ પાણી મિક્સ કરીને કૂકરનું ઢાંકણ ઢાંકીને 1 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો. (આ મગ છૂટાં થવા જરૂરી છે એટલે 1 સીટીમાં બફાઈ પણ જશે અને છૂટાં પણ રહેશે.)

ભાત 90% જેટલો ચઢવા આવે એટલે ભાતને ઓસાવી લો (સ્ટીલની ચાળણીમાં નિતારી લો) અને ખુલ્લો મૂકી દો જેથી ભાત છૂટો દાણેદાર રહેશે.

મગનું કૂકર ઠંડું થાય એટલે ઢાંકણ ખોલીને મગને એક વાસણમાં કાઢી લો.

કાંદા, સિમલા મરચું, ગાજર, ટામેટાંને અલગ અલગ ઝીણાં સમારી લો.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરીને જીરાનો વઘાર કરો. જીરૂ તતડે એટલે તેમાં ચપટી હીંગ ઉમેરીને ઝીણાં સમારેલાં લીલા મરચાં 1 મિનિટ સાંતળીને તેમાં ઝીણાં સમારેલાં કાંદા ઉમેરો. કાંદા થોડીવાર સાંતળ્યા બાદ નરમ થાય એટલે તેમાં સમારેલાં ગાજર, સિમલા મરચાં તેમજ ટામેટાં ઉમેરીને સાંતળો. આ શાક અધકચરા ચઢી જાય એટલે તેમાં મરચાં પાવડર, હળદર પાવડર, મીઠું સ્વાદ મુજબ તેમજ આદુ-લસણ-મરચાંની બનાવેલી ચટણી તેમજ કિચન કિંગ મસાલો મેળવી દો. હવે તેમાં ભાત તેમજ મગ નાખીને તવેથા વડે હળવેથી મસાલો મિક્સ કરી લો. પાંચેક મિનિટ ધીમા ગેસ પર રાખીને ઉપરથી કોથમીરી ભભરાવીને ગેસ બંધ કરી દો.

પુલાવ તૈયાર છે. આ પુલાવ દહીં તેમજ પાપડ સાથે પીરસી શકાય છે.