મેથી દાણાનું શાક

પલાળેલા મેથી દાણાનું શાક સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. મેથીને પલાળી હોવાથી તેમાં કડવાશ નથી લાગતી, પણ તેમાં પૌષ્ટિકતા વધી જાય છે.

સામગ્રીઃ

  • મેથી દાણા ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • ટામેટાં 2-3
  • કાંદા 2
  • આદુ-લસણ-મરચાં અધકચરા વાટેલાં 2 ટે.સ્પૂન
  • સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • તેલ ટે.સ્પૂન

રીતઃ મેથી દાણાને 2 પાણીએથી ધોઈ લીધા બાદ પાણીમાં આખી રાત માટે પલાળી રાખવા. અથવા 6-7 કલાક માટે પણ પલાળી શકાય છે.

મેથી દાણા પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લેવું.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં અધકચરા વાટેલાં આદુ-મરચાં-લસણ નાખીને જરા સાંતળી લીધા બાદ કાંદા સમારીને નાખો. 2 મિનિટ બાદ ટામેટાંને સમારીને તેમાં નાખો. 4-5 મિનિટ બાદ તેમાં મરચાં, હળદર તેમજ ધાણાજીરૂ પાઉડર ઉમેરીને 5 મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે પલાળેલા મેથી દાણા તેમાં મિક્સ કરીને 2 મિનિટ જેવું સાંતળીને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની મધ્યમ આંચે શાક ચઢવા દો. મેથી દાણા પલાળેલા હોવાથી 4-5 મિનિટમાં ચઢી જશે. તે છતાં તપાસી જુઓ. શાક ન તૈયાર થયું હોય તો ફરીથી 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.

આ શાક ગરમાગરમ ફુલકા રોટલી સાથે ઘણું જ સારું લાગે છે.