ફરાળી સામાના વડા

જન્માષ્ટમીના ઉપવાસમાં ફરાળ માટે સામાના વડા બનાવશો તો દરેકને બહુ જ ભાવશે! કેમ કે, તે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રન્ચી બને છે! આ વડા કોથમીરની ચટણી અથવા દહીંની ચટણી સાથે સારાં લાગશે!

સામગ્રીઃ

  • સામો 1 કપ
  • બાફેલા બટેટા 3-4
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 4
  • કાળાં મરી પાઉડર 1 ટે.સ્પૂન
  • જીરુ 1 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • તેલ તળવા માટે
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • શેકેલા શીંગદાણાનો પાઉડર ½ કપ
  • ખાંડ 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ

દહીંની ચટણીઃ

  • દહીં 1 કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • શેકેલા શીંગદાણાનો પાઉડર 1 ટે.સ્પૂન
  • લીલાં મરચાં 2
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ

રીતઃ સામાને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારી લો.

એક કૂકરમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન ઘી તેમજ જીરૂ ઉમેરી સામો ઉમેરીને કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે 2 સીટી કરી લો.

કૂકર ઠંડું થાય એટલે સામો બહાર એક થાળીમાં કાઢીને મેશ કરી લો. બાફેલા બટેટાને પણ મેશ કરીને તેમાં ઉમેરો. હવે તેમાં ખમણેલું આદુ, ઝીણાં સમારેલાં મરચાં, કાળાં મરી પાઉડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, શીંગદાણાનો ભૂકો, શેકેલા જીરાનો પાઉડર, લીંબુનો રસ, ખાંડ, 1 ટે.સ્પૂન સફેદ તલ મેળવીને હાથેથી મિશ્રણ એકસરખું મેળવી દો.

હવે હાથ તેલ વાળા કરીને આ મિશ્રણમાંથી લૂવો લઈ તેનો ગોળો વાળીને ચપટો આકાર આપીને ગોળા તૈયાર કરી લો. વડાની બંને બાજુએ થોડા તલ લગાડી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેમાં વડાં સોનેરી રંગના તળી લો.

દહીંની ચટણી બનાવવા માટે એક બાઉલમાં દહીંને જેરણીથી વલોવી લો. ત્યારબાદ તેમાં શીંગદાણાનો ભૂકો, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કાળાં મરી પાઉડર તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને ચટણી તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દો. વડા પીરસતી વખતે ચટણી પ્લેટમાં પીરસો.