શિવજીની આરાધના માટે શિવરાત્રિનો મહિમા અનોખો છે! વ્રત માટેનો ફરાળ જો ઓછા સમયમાં સહેલાઈથી બની જતો હોય તો શિવજીની ભક્તિમાં વધુ સમય પસાર થઈ શકે! (ફરાળી પેટીસ કે બફવડાની રીતના અહીં બે પ્રકાર આપ્યા છે.)
સામગ્રીઃ
- બાફેલા બટેટા 6
- ½ ટી.સ્પૂન દેશી ઘી
- સિંધવ મીઠું સ્વાદ મુજબ
- ફરાળી લોટ અથવા શિંગોળાનો લોટ
પૂરણ માટેઃ
- બાફેલું બટેટુ 1
- શીંગદાણા 1 કપ
- તાજું અથવા સૂકા કોપરાનું ખમણ 4 ટે.સ્પૂન
- સિંધવ મીઠું સ્વાદ મુજબ (ઉપવાસમાં ખાઈ શકાય તે મીઠું)
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- અડધા લીંબુનો રસ
- કિસમિસ 1 ટે.સ્પૂન
- કાજુના ટુકડા 2 ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
- આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- વરિયાળીનો ભૂકો 1½ ટી.સ્પૂન
- દાડમના દાણા 2 ટે.સ્પૂન (optional)
- ખાંડ 1 ટી.સ્પૂન (Optional)
રીતઃ બટેટા બફાય અને કૂકરમાંથી વરાળ નીકળી જાય એટલે તેમાંથી 2 બટેટા બાજુએ રાખી બાકીના બટેટા છોલીને મેશર વડે તેનો છૂંદો કરી દેવો. બટેટા ગરમ હોવાથી જલ્દી મેશ થઈ જશે.
પૂરણ માટેઃ શીંગદાણા શેકીને છોલીને તેનો મિક્સીમાં ભૂકો કરી દેવો. એક બાઉલમાં શીંગદાણાનો ભૂકો, કોપરાનું ખમણ, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, કાજુના ટુકડા, કિસમિસ, વરિયાળીનો ભૂકો, કાળા મરી પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, દાડમના દાણા, ખાંડ 1 ટી.સ્પૂન (Optional), મેશ કરેલું 1 બાફેલું બટેટુ નાખવું. આ મિશ્રણનો ગોળો વળે એવું થાય એટલે તેની નાની નાની ગોળીઓ બનાવી દેવી. (ગળપણ અને તીખાશ તમને જોઈએ તે રીતે ઓછી-વત્તી રાખવી). જો ગોળી ના વળે તો તેમાં બાફેલું બટેટું તેમજ શીંગદાણાનો ભૂકો ઉમેરવો.
પેટીસના ઉપરનું પડ તૈયાર કરવા માટે બટેટાને મેશ કરીને રાખ્યા હતા. તે એક મોટા બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, દેશી ઘી મેળવીને લીસો માવો તૈયાર કરી લો. તેમાંથી એક ગોળો લઈ તેને ફરાળી લોટ અથવા શીંગોડાના લોટનું અટામણ લગાડી હાથેથી થાપીને પૂરીમાં પૂરણની ગોળી મૂકીને બંધ કરી દો અને ગોળો વાળીને લોટમાં ફેરવીને એક થાળીમાં ગોઠવી દો. (એક થાળીમાં ફરાળી લોટ લઈ રાખો.)
આ રીતે દરેક પેટીસ તૈયાર કરી રાખો. આ પેટીસ રાત્રે ફરાળમાં ખાવી હોય તો તેને સવારે અથવા બપોર સુધીમાં તૈયાર કરીને ફ્રીજમાં રાખી શકાય છે. અને ગરમાગરમ તળીને પીરસી શકાય છે.
પેટીસ તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે પેટીસ કે બફ વડા હળવેથી તેમાં નાખીને ગેસની આંચ મધ્યમ કરીને વડા સોનેરી રંગના તળી લો.
એક બીજી રીત મુજબ પૂરણની સામગ્રી તેમજ પળ માટે છૂંદો કરેલા બટેટા બધું એક સાથે મેળવીને તેમાં થોડો ફરાળી લોટ પણ ઉમેરીને ગોળા વાળી લેવા અને ફરાળી લોટમાં ફેરવીને ત્યારબાદ તળી લેવા.
આ વડા તમે અપ્પે પેનમાં ઓછા તેલમાં ફ્રાય કરી શકો છો. પેનના ખાનામાં 2 ટીપાં તેલ ઉમેરીને વડા મૂકવા. 30 સેકન્ડ બાદ તેને ફેરવીને ફરી તેની ઉપર 2 ટીપાં તેલ ઉમેરીને સોનેરી રંગના વડા ઉતારી લેવા.
આ વડા કોથમીર મરચાંની તીખી ચટણી સાથે પીરસો અથવા દહીં કે કાકડીના રાયતા સાથે પણ પીરસી શકાય છે.