દિવાળી સ્પેશ્યલ રેસિપી
સામગ્રીઃ તાજું નાળિયેર 1 નંગ, સાકર ¾ કપ, દૂધ 1 લિટર, ઘી 5 ટે.સ્પૂન, ગુંદર 2 ટે.સ્પૂન, એલચી પાવડર 1 ટી.સ્પૂન, ચાંદીનું વરખ
રીતઃ નાળિયેરને ખમણી લો. એક કઢાઈમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો. આ ગુંદર એક વાસણમાં કાઢી રાખો. હવે એ જ કઢાઈમાં બીજું 1 ટે.સ્પૂન ઘી ઉમેરીને ખમણેલું નાળિયેર શેકી લો. લગભગ 10 મિનિટ જેટલા સમયમાં નાળિયેરનું છીણ શેકાઈ જશે. ત્યારબાદ તેમાં દૂધ મેળવીને તવેથા કે ઝારા વડે હલાવતાં રહો. જ્યાં સુધી દૂધ ઉકળીને ઘટ્ટ થાય.
હવે તેમાં સાકર, તળેલું ગુંદર, એલચી પાવડર મેળવીને હલાવતાં રહો. તેમાંની સાકર જ્યારે ઓગળી જાય ત્યારે તેમાં બીજું 2 ટે.સ્પૂન ઘી ઉમેરીને એકસરખું ઝારા વડે હલાવતાં રહો, જ્યાં સુધી નાળિયેરનું ખમણ ઘી ના છોડે. હવે ગેસ બંધ કરી દો. એક થાળીમાં ઘી ચોપડીને નાળિયેરનું મિશ્રણ પાથરી દો. ઉપર વરખ લગાડીને બરફીના પીસ કરી લો.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)