પાંચ મિનિટમાં બની જતો પારંપરિક નાસ્તો એટલે છીબા ઢોકળી! અચાનક ભૂખ લાગે ત્યારે કે પછી બાળકોને માટે પણ તાત્કાલિક તૈયાર કરી આપવો હોય તો ઈન્સ્ટન્ટ બની જાય છે, આ સ્વાદિષ્ટ નાસ્તો!
સામગ્રીઃ
- ચણાનો લોટ 1 કપ
- લીલા મરચાં-આદુની પેસ્ટ 2 ટી.સ્પૂન
- મેથીયો મસાલો (અથાણાં માટે વાપરીએ તે)
- કસૂરી મેથી 2 ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- હીંગ ½ ટી.સ્પૂન
- લીંબુનો રસ 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- પાણી અડધો કપ
- સાકર ½ ટી.સ્પૂન (optional)
વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- તલ 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર
રીતઃ ઢોકળા બાફીએ તેવી રીતે એક કઢાઈ અથવા ઉંડું પેન જેવું વાસણ લઈ તેમાં પાણી ઉકળવા મૂકો. થાળી અંદર ન જાય પણ વાસણ ઉપર ઉંધી રહી શકે તેવું વાસણ લેવું કારણ કે, થાળીને તેની ઉપર ઉંધી મૂકવાની છે.
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, હીંગ, સ્વાદ મુજબ મીઠું, મરચાં-આદુની પેસ્ટ, લીંબુનો રસ, કસૂરી મેથીને હાથેથી ચોળીને નાખીને અડધો કપ જેટલું પાણી નાખીને નહીં પાતળું કે ના જાડું એવું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. તેમાં 1 ટી.સ્પૂન તેલ પણ ઉમેરી દો. આ ખીરું ચમચામાં લઈને રેડો તો તરત પડવું ના જોઈએ તેવું ઘટ્ટ હોવું જોઈએ.
એક થાળી લો. ઢોકળીના ખીરામાંથી એક ચમચો ખીરું લઈ થાળીમાં પાથરો અને એક તવેથા અથવા સ્પેટુલા વડે તેનું એકદમ પાતળું થર પાથરી લો. આ ખીરુ તમે છીબાંની અંદરની બાજુએ કાંઠા છોડીને લગાડી શકો છો અને તપેલી પર ઢાંકીને ઢોકળી બાફી શકો છો.
ઢોકળી બાફવા માટેનું પાણી ઉકળે એટલે તેની ઉપર આ થાળી ઉંધી મૂકી દો. 3-4 મિનિટ બાદ આ થાળી તૈયાર થઈ ગઈ હશે. તેને ઉતારી લો અને એ જ રીતે બીજી થાળી મૂકી દો.
થાળી ઉતારીને તેની ઉપર અથાણાંનો મેથિયો મસાલો ચારેકોર ભભરાવી દો. એકાદ મિનિટ બાદ ચપ્પૂ વડે લાંબી સ્ટ્રીપ જેવા કાપા પાડો અને તવેથા વડે તેને કાઢી લો. આ સ્ટ્રીપ એક મોટી થાળીમાં ઠાલવી દો.
એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી, તલ ઉમેરીને ગેસ બંધ કરી દો અને આ વઘાર ઢોકળી ઉપર રેડી દો. ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.