દૂધીના ઈન્સ્ટન્ટ અપ્પે

બાળકોની શાળા ઉઘડી ગઈ છે. તો બાળકોના લંચબોક્સ માટે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ એવા દૂધીના ઈન્સ્ટન્ટ અપ્પે બનાવી શકાય છે!

સામગ્રીઃ

અપ્પે માટેઃ

  • દૂધી 300 ગ્રામ
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • રવો 1 કપ
  • દહીં ½ કપ
  • તેલ અપ્પમ સાંતળવા માટે
  • મકાઈના બાફેલા દાણા ½ કપ
  • ઈનો પાવડર ½ ટી.સ્પૂન

વધાર માટેઃ

  • ચણા દાળ 1 ટી.સ્પૂન
  • અડદ દાળ 1 ટી.સ્પૂન
  • કાજુના ટુકડા 7-8
  • રાઈ 1 ટી.સ્પૂન
  • વઘાર માટે તેલ 1 ટે.સ્પૂન
  • કળી પત્તાના પાન 10-12
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • 2 ચપટી હીંગ

રીતઃ દૂધીને છોલીને ધોઈને 1 ઈંચ જેટલા ટુકડામાં કટ કરી લો. મિક્સર જારમાં દૂધીના ટુકડા, આદુના ટુકડા, લીલા મરચાંના ટુકડા તેમજ ધોઈને સમારેલી કોથમીર ઉમેરી દો. હવે તેમાં રવો તથા દહીં પણ મેળવી દો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સીમાં પીસી દો. એક બાઉલમાં આ ખીરું કાઢી લો.

એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં ચણા તથા અડદની દાળ ગોલ્ડન સાંતળી લો. ત્યારબાદ કાજુના ટુકડા પણ ગોલ્ડન સાંતળી લો. ગેસની આંચ ધીમી કરીને રાઈ તેમાં ઉમેરી દો. રાઈ ફુટે એટલે ગેસ બંધ કરીને કળી પત્તાના પાન વઘારમાં નાખી દો તથા હળદર પાવડર તથા હીંગ પણ નાખી દો. આ વઘારને ખીરામાં મિક્સ કરી દો. હવે મકાઈના બાફેલા દાણા તેમાં મેળવી દો.

અપ્પે પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ અપ્પેના ખીરામાં ઈનો પાવડર નાખી તેની પર 1 ટી.સ્પૂન જેટલું પાણી છાંટીને મિક્સ કરો. અપ્પે પેન ગરમ થાય એટલે તેના દરેક મોલ્ડમાં 2-2 ટીપાં તેલ નાખીને થોડા થોડા તલ પણ ભભરાવી દો. ગેસની આંચ ધીમી કરી દો. હવે અપ્પેના ખીરામાંથી 1 ટે.સ્પૂન જેટલું ખીરું દરેક મોલ્ડમાં ભરીને દરેક ઉપર ફરીથી તલ ભભરાવી દો. પેનને ઢાંકીને 2 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને ચમચી વડે દરેક અપ્પે પર થોડું તેલ છાંટીને ચમચી વડે અપ્પેન ઉથલાવીને ફરીથી ઢાંકીને થવા દો. 2 મિનિટ બાદ અપ્પે ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા હોય તો તપાસીને અપ્પેને એક ડીશમાં કાઢી લો.

અપ્પે સાથે ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી અલગ ડબ્બીમાં બાંધીને આપી શકાય.