અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 8 દેશોને ઈરાનથી તેલ આયાત કરવાની છૂટ પર આપી નથી, એટલે કે પ્રતિબંધ ચાલુ રહ્યો છે, જેથી 8 દેશો મે મહિનાથી ઈરાનથી તેલ આયાત નહીં કરી શકે. આ પ્રતિબંધથી 8 દેશોની ઈકોનોમી પર વિપરીત અસર પડશે, તે સ્પષ્ટ છે. કેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે, જેને પગલે ક્રૂડ આયાતની પડતર વધતાં તમામ દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં ભાવ વધુ વધશે. ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે, તો જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી બનશે. ફૂગાવાનો દર વધશે. એટલે કે ભારત સહિતના 8 દેશોની નાણાકીય સ્થિતિ ડામાડોળ થશે.અમેરિકાની દાદાગીરીને કારણે ભારતને પણ તેની પાછળ ખેંચાવું પડશે. હાલ ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આથી હાલ પેટ્રોલડીઝલનો ભાવ વધારો અટક્યો છે. 19 મેના રોજ સાતમાં તબક્કાનું મતદાન પુરુ થશે, પછી ઓઈલ કંપનીઓ પેટ્રોલડીઝલના ભાવમાં વધારો કરશે. તે વાત નક્કી છે. ક્યાં સુધી ઓઈલ કંપનીઓ ખોટ ખાઈને પેટ્રોલડીઝલ વેચશે. પણ હાલ ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પણ ઓઈલ કંપનીઓને ભાવ વધારો નહીં કરવા ખાનગીમાં સૂચના આપી હોય. પણ જેવી ચૂંટણી પૂર્ણ થશે કે તરત જ ઓઈલ કંપનીઓ ભાવ વધારો કરશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં 29 એપ્રિલ, 2019ના રોજ બ્રેન્ટ ક્રૂડ 71.46 ડૉલર અને ડબલ્યૂટીઆઈ ક્રૂડ 63.10 ડૉલરનો ભાવ છે. તથા ઓપેક બાસ્કેટની કીમત 74.04 ડૉલર છે. મે મહિનાથી ઈરાનથી ક્રૂડ ખરીદવા પર પ્રતિબંધ રહેશે, તે પછી પણ ક્રૂડના ભાવ વધુ વધશે.
અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું ત્યારે શેરબજારમાં ગાબડું પડ્યું હતું. તે પહેલાં વિદેશી રોકાણકાર સંસ્થાઓએ ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કર્યું છે. આ વર્ષે જ એફઆઈઆઈએ ભારતીય મૂડીબજારમાં રૂપિયા 63,000 કરોડનું રોકાણ કર્યું છે, જેને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. પણ હવે ઈરાનથી તેલ આયાત કરવાની છૂટ ન મળતાં ભારતનો તેલ આયાત ખર્ચ વધી જશે. પેટ્રોલડીઝલના ભાવ વધશે, તો પેમેન્ટની બેલેન્સશીટ પર વિપરીત અસર પડશે. ફૂગાવો વધશે. આમ આર્થિક સ્થિતિ વિકટ બનશે તો એફઆઈઆઈ ભારતમાં નવા રોકાણ પર પુનઃવિચાર કરી શકે છે, અથવા નવું રોકાણ ન પણ કરે. જેથી શેરબજારમાં સાવચેતીનો સૂર જોવા મળશે અને નવી તેજી અટકી પણ જાય.
ભારત પોતાની તેલની કુલ જરૂરિયાતના 80 ટકા આયાત કરે છે. કાચા તેલની કીમતોમાં વધારો થશે તો ડૉલરની માગ વધશે. જેને પગલે ડૉલર સામે રૂપિયો વધુ તૂટશે. જો રૂપિયો વધુ તૂટે તો વિદેશી રોકાણકારોને ડૉલરમાં રીટર્ન ઘટી જશે. આ પેરામીટરને જોતાં ભારત વિદેશી રોકાણનું આકર્ષણ ન રહે.આંકડા પર નજર કરીએ તો ક્રૂડના એક બેરલે ભાવ 10 ડૉલર વધે તો ભારતના કરન્ટ એકાઉન્ટની જીડીપી 0.40 ટકા વધે છે. કાચા તેલની કીમતોમાં 10 ટકાનો વધારો થાય તો મોંઘવારી 0.20 ટકા વધે છે. આમ ચાલુ ખાતાની ખાધ વધે અને ફૂગાવો પણ વધે તો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં વધારો કરવો પડશે. જેનાથી ભારત માટે મુસીબતમાં વધારો થઈ શકે છે. કારણ કે જૂન મહિનામાં ધીરાણ નીતિની સમીક્ષામાં સેન્ટ્રલ બેંક ત્રીજી વખત વ્યાજ દરમાં સામાન્ય ઘટાડો કરે તેવો આશાવાદ હતો.કાચા તેલમાં વધારાને કારણે રસાયણ, પેઈન્ટ, કન્ઝ્યુમર સ્ટેપલ્સ, ઓટોમોબાઈલ, લ્યુબ્રિકેન્ટ જેવા ઉદ્યોગો માટે પડતર ખર્ચ વધી જશે. આર્થિક નિષ્ણાતોના મતે ઈરાનથી તેલ આયાત કરવાના પ્રતિબંધથી લાંબેગાળે કાચા તેલની કીમતો વધીને 80-85 ડૉલર થઈ શકે છે. આવી સ્થિતિમાં જો અમેરિકા તેલ પુરવઠામાં વધારો કરશે તો રાહત મળશે. નહીં તો ભારતનું તેલ આયાત ખર્ચ ખાસ્સુ વધી જશે. અને આર્થિક સંકટ પણ આવી શકે. બધો આધાર ક્રૂડની કીમતો પર છે. અને લોકસભાની ચૂંટણીના પરિણામ પછી નવી સરકાર આ મુદ્દાને કઈ રીતે ઉકેલે છે, તેના પર ભારતની આર્થિક સ્થિતિ નિર્ભર રહેશે.