વિદ્યા બાલને એક વખત કોલેજમાં અભ્યાસ કરવા માટે અભિનય છોડ્યો હતો. પરંતુ અભિનેત્રી તરીકે સફળ થવા નિષ્ફળતાનો ઘણો અભ્યાસ કરવો પડ્યો હતો. ટીવી સિરિયલથી પહેલી ફિલ્મ ‘પરિણીતા'(૨૦૦૫) મેળવતાં સુધીમાં વર્ષો વીતી ગયા હતા. અભિનયમાં શરૂઆત જ નિરાશાજનક થઇ હતી. વિદ્યાએ જે પ્રથમ સિરિયલમાં કામ કર્યું તે ટીવી પર રજૂ થાય એ પહેલાં જ તેનું શુટિંગ બંધ થઇ ગયું. સારી વાત એ રહી કે એ સિરિયલના કલાકારોને એક્તા કપૂરની ‘હમ પાંચ’ માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેના પ્રસારણને એક વર્ષ થઇ ગયું હતું. વિદ્યાને એમાં તક મળી ગઇ. એક-દોઢ વર્ષ સુધી કામ કર્યું પણ કોલેજમાં હાજરીની સમસ્યા ઉભી થવા લાગી એટલે સિરિયલ છોડીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
થોડા સમય પછી એક જાહેરાત મળી. ત્યારે તકલીફ એ થઇ કે એમાં આઠ વર્ષની પુત્રીની મા બનવાનું હતી. ૧૯ વર્ષની વિદ્યાને એ અટપટું લાગ્યું પણ માએ સંમતિ આપી એટલે એ ડિટરજન્ટની જાહેરાત કરી અને પછી તો સતત જાહેરાતો મળવા લાગી. કોલેજ સાથે આ કામ તે સારી રીતે કરી શકતી હતી. તેણે એક પછી એક ૯૦ જેટલી જાહેરાતોમાં કામ કર્યું. એક જાહેરાતના શુટિંગ માટે દક્ષિણમાં ગઇ ત્યારે વિદ્યાને સ્ટાર મોહનલાલ સાથેની ફિલ્મ ‘ચક્રમ’ મળી. આ પહેલી ફિલ્મનું થોડું શુટિંગ થયા પછી નિર્દેશક કમલ અને મોહનલાલ વચ્ચે મતભેદ ઊભા થયા. અને ફિલ્મને બંધ કરી દેવામાં આવી. અગાઉ આઠ સફળ ફિલ્મો કરનાર મોહનલાલ-કમલની જોડીની ફિલ્મ બંધ થઇ એમાં વિદ્યાને અપશુકનિયાળ ગણવામાં આવી.
એ ‘ચક્રમ’ ને કારણે એને બાર જેટલી ફિલ્મોની ઓફર મળી હતી એમાંથી કાઢી મૂકવામાં આવી. એ સમય પર દક્ષિણમાં લેખિતમાં ફિલ્મના કરારની પ્રથા ન હતી એટલે વિદ્યાએ ઘણું સહન કરવું પડ્યું. ત્રણ વર્ષ સુધી તે ફિલ્મોમાં કામ મેળવી ના શકી. વળી એક દક્ષિણની ફિલ્મ મળી અને કેરળમાં શુટિંગ શરૂ કરી દીધું. પરંતુ નિર્માતાની પાસે પૈસા ખૂટી પડ્યા અને ફિલ્મ બંધ કરી દેવામાં આવી. ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે એક ફિલ્મ પૂરી થાય એવું કરો. ફરી એક ફિલ્મ મળી અને તેનું શુટિંગ શરૂ થયું ત્યારે વિદ્યાને ખબર પડી કે સેક્સ કોમેડી ફિલ્મ છે. એવી ફિલ્મ માટે તે સહજ ન હોવાથી પોતે જ છોડી દીધી. એ કારણે કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો.
દરમ્યાનમાં નિર્દેશક પ્રદીપ સરકાર એક વિડીયો ગીત બનાવી રહ્યા હતા. તેમની સાથે વિદ્યાએ જાહેરાતો કરી હતી. પહેલી વખતમાં તો તે માન્યા નહીં પણ પછી સ્ક્રિન ટેસ્ટમાં જબરદસ્ત પર્ફોર્મન્સ પછી તેને એમાં કામ મળ્યું. ગીતના શુટિંગ પછી પ્રદીપ સરકારે વિદ્યા સાથે ફિલ્મ કરવાનું વચન આપ્યું. પ્રદીપે જ્યારે ‘પરિણીતા’ ના નિર્માતા વિધુ વિનોદ ચોપડાને વિદ્યાને હીરોઇન તરીકે લેવાની વાત કરી ત્યારે તેમનો સવાલ એ હતો કે હું રૂ.૧૦ કરોડ લગાવી રહ્યો છું તો પછી સ્થાપિત હીરોઇનને કેમ ના લઉં? અને મારો પૈસો એક નવોદિત પર કેમ લગાવું?
પ્રદીપ સરકારે પોતાના તરફથી ખાતરી આપી. પરંતુ વિધુએ જલદી સંમતિ ના આપી. તેમણે વિદ્યાની અનેક પરીક્ષાઓ લીધી. તેનું ફોટોશૂટ કરાવ્યું, સૈફ અલી ખાન સાથે કેટલાક દ્રશ્યો કરાવી જોયા, કેટલાક ગીતો પર અભિનય કરાવ્યો. એક મહિનાની આકરી પરીક્ષાથી કંટાળેલી વિદ્યાએ નક્કી કરી લીધું કે હવે ઘણું થયું. અને ત્યારે જ વિધુનો ફોન આવ્યો કે તેને ‘પરિણીતા’ માટે પસંદ કરે લેવામાં આવી છે. એક પછી એક ફિલ્મો ગુમાવીને અને પહેલી હિન્દી ફિલ્મ માટે પરીક્ષાઓ આપીને વિદ્યાને અભિનયનો એટલો અભ્યાસ થઇ ગયો કે તે અભિનયમાં કોઇને પણ ટક્કર આપવા સક્ષમ બની ગઇ છે.
-રાકેશ ઠક્કર (વાપી)