રાજ બબ્બરની કારકિર્દીની અજીબ ‘કહાની’

રાજ બબ્બરને કારકિર્દીની શરૂઆતમાં ઘણી ફિલ્મો ગુમાવવી પડી હતી. રાજ બબ્બરે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘યુનાઈટેડ પ્રોડ્યુસર્સ ટેલેન્ટ સ્પર્ધા’ માં રાજેશ ખન્ના વિજેતા બન્યા હતા એમાં ભાગ લીધો હતો. એ સ્પર્ધામાં પ્રવેશ માટે પસંદ થઈ ગયા હતા. એના ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટ બંનેમાં નિર્દેશક બી. આર. ચોપડા હોવાથી એમણે રૂ.1000 આપીને એક ફિલ્મ ‘કહાની’ માટે સાઇન કરી લીધા હતા. ફિલ્મમાં હીરોઈન તરીકે કિમ હતી. કોઈ કારણથી ‘કહાની’ બની શકી નહીં. પાછળથી રાજની ખરી કારકિર્દી બી. આર. ચોપડાની ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦) થી જ શરૂ થઈ હતી. ત્યારે ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ માંથી તાલીમ પામેલા રાજ ફિલ્મોમાં કામ શોધવા સાથે નાટકમાં કામ કરી રહ્યા હતા.

લેખક જોડી સલીમ- જાવેદે એક નાટકમાં રાજને કામ કરતાં જોયા અને પ્રભાવિત થઈ એક ફિલ્મના સ્ક્રીન ટેસ્ટ માટે મુંબઈ લઈ આવ્યા. રાજે સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને પસંદ થયા પણ પાછળથી દિલીપકુમાર સાથેની એ ફિલ્મમાં રહ્યા નહીં. રાજ બબ્બર નિરાશ થયા ત્યારે સલીમ-જાવેદે એમને હકારાત્મક રીતે વિચારવાનું કહ્યું. એમણે સમજાવ્યું કે તારા કામને જોઈને અહીં બોલાવવામાં આવ્યો છે. બાકાયદા તારો સ્ક્રીન ટેસ્ટ થયો છે. એને જોઈ નિર્માતા મુશીર રિયાઝ, નિર્દેશક રમેશ સિપ્પી વગેરે બધા રાજી થયા હતા અને તારા અભિનયને પસંદ કર્યો હતો. દિલીપકુમારને તારું કામ બતાવવામાં આવ્યું હતું અને એમણે પણ લેવા માટે હા જ પાડી હતી. ભલે ફિલ્મ ના મળી પણ તને બધા જાણવા લાગ્યા છે. તારી પ્રતિભાને એમણે જોઈ છે. એમ સમજવાનું કે કેટલીક વાત સારા માટે થાય છે. હવે તું તારી આ ઓળખને કેવી રીતે વધારે આગળ લઈ જઇ શકે છે એ તારા પર છે.

Raj Babbar.

 

સલીમ ખાને પોતાનું જ ઉદાહરણ આપીને કહ્યું હતું કે હું અહીં હીરો બનવા જ આવ્યો હતો. સલીમની વાતથી રાજને હિંમત મળી ગઈ હતી. એ ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લઈ રહ્યા હતા પણ સલીમ ખાનની સમજાવટથી નક્કી કર્યું કે ફિલ્મોમાં કામ કરશે. એ ફરી દિલ્હી નાટકોમાં કામ કરવા જતાં રહ્યા. થોડા મહિના પછી નિર્દેશક પ્રકાશ મહેરાએ નાટકમાં કામ જોઈ મુંબઈ બોલાવ્યા અને બે ફિલ્મ માટે સાઇન કરી લીધા. દિલ્હીમાં રહેતા રાજ આ બે ફિલ્મોમાં કામ કરવા પોતાનું સ્કૂટર રૂ.6000 માં વેચીને પત્નીને એમાંથી ઘર ચલાવવાનું કહી એક વર્ષ માટે મુંબઈ આવી ગયા હતા. ત્યારે પોતાની સાથે માત્ર રૂ.100 લઈને આવ્યા હતા. પણ એક રિક્ષાવાળાએ હોટલ સુધી જવા મોટું ચક્કર મારીને રૂ.30 છેતરીને લઈ લીધા હતા.

પ્રકાશ મહેરાએ હોટલમાં રૂમ ફાળવી આપી હોવાથી રહેવાની સુવિધા હતી. મુંબઈ આવ્યા ત્યારે વિનોદ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને જઈ રહ્યા હોવાથી પ્રકાશ મહેરાએ એમના સ્થાને એક ફિલ્મમાં રાજને લીધા હતા. બીજી ફિલ્મ ‘નમક હલાલ’ હતી. પછી એમને ‘નમક હલાલ’ (૧૯૮૨) માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કેમકે કેટલાક લોકો એવું ઇચ્છતા ન હતા કે રાજ એમાં કામ કરે. રાજને થોડા સંઘર્ષ પછી બી. આર. ચોપડાની ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦), ‘નિકાહ’ (૧૯૮૨) અને આજ કી આવાઝ (૧૯૮૪) થી સારી સફળતા મળી હતી.