નિર્દેશક નિતેશ તિવારીએ આમિર ખાન સાથે જ ‘દંગલ’ (૨૦૧૬) બનાવવા પાંચ વર્ષ સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. ‘દંગલ’ માં આમિર ખાન આવ્યા એ પહેલાં અને પછી નિતેશ બહુ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા હતા. નિર્દેશક નિતેશે એક દિવસ મિત્ર મનીષને મેસેજ કર્યો કે મારે તને એક સ્ક્રિપ્ટનો વિચાર આપવો છે. સામે મનીષે જવાબ આપ્યો કે મારે પણ એક સ્ક્રિપ્ટનો વિચાર આપવો છે. બંનેએ એકબીજાના વિચારનું આદાનપ્રદાન કરવા બેઠક યોજી. મુલાકાતમાં મનીષે એક અખબારનો લેખ બતાવી કહ્યું કે આ વિચાર છે.
નિતેશે એ સમાચાર વાંચ્યા અને કહ્યું કે તારો વિચાર મને ગમી ગયો છે એટલે મારો જણાવીશ નહીં. અને એ નાનકડા લેખ પરથી ફિલ્મ ‘દંગલ’ ની સ્ક્રિપ્ટ લખવાનું નક્કી થયું. નિતેશ પોતાની ટીમ સાથે પહેલવાન મહાવીરસિંહ ફોગાટ અને એમની પુત્રીઓ બબીતા અને ગીતાના જીવન વિશે માહિતી એકત્ર કરવા લાગ્યા. જ્યારે નિતેશે અખબારનો લેખ વાંચ્યો ત્યારે એમ લાગતું હતું કે આ બે બહેનોની વાર્તા છે. અને એ વાત મગજમાં રાખીને જ અન્ય ત્રણ લેખકો પિયુષ, શ્રેયસ અને નિખિલ સાથે સંશોધન કર્યું હતું. તેઓ બે બહેનો વિશેની જ વાર્તા લખવાના હતા.
બધી જ માહિતી એકત્ર થયા પછી એમને થયું કે આ તો એક પિતાની વાર્તા છે. અને માહિતી એટલી બધી હતી કે એને ફિલ્મની સ્ક્રિપ્ટના રૂપમાં ઢાળવાનું કામ બહુ કઠિન હતું. એમાંથી કેટલું રાખવું, કેટલું છોડવું અને કેટલું મઠારવું એ કામ સમય માગી લે એવું હતું. લગભગ એક વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખવાનું કામ ચાલ્યું. સ્ક્રિપ્ટ લખતી વખતે ખ્યાલ આવ્યો કે આ એક ગંભીર વિષય પરની વાર્તા છે. એના પરથી ડાર્ક ફિલ્મ બને એમ હતી પણ લખતી વખતે જ્યાં શક્ય હોય ત્યાં હળવી વાતો ઉમેરવાનો નિર્ણય કર્યો. જેથી જે કહેવામાં આવી રહ્યું છે એ ફિલ્મમાં મનોરંજક પણ લાગે. સ્ક્રિપ્ટ લખતી વખતે આમિરનું નામ વિચાર્યું ન હતું. પરંતુ લખાઈ ગયા પછી થયું કે કોઈ મોટો હીરો એ માટે યોગ્ય રહેશે. ‘દંગલ’ માટે આમિરનું નામ નક્કી થયું અને નિતેશ સ્ક્રિપ્ટ સંભળાવવા ગયા.
આમિર સ્ક્રિપ્ટ ધ્યાનથી સાંભળતા હતા પણ થોડીવારે આંખ સાફ કરવા જતાં હતા. નિતેશને લાગ્યું કે આંખમાં ઇન્ફેકશન થયું હશે. પણ પછી ખબર પડી કે સ્ક્રિપ્ટ સાંભળીને રડવું આવતું હતું અને એ મોં ધોવા જતા હતા. વાર્તા ઇન્ટરવલ સુધી આવી ત્યારે આમિરે કહ્યું કે હું બહુ ઈમોશનલ થઈ રહ્યો છું અને આંખમાં પાણી આવી રહ્યા છે એટલે સાફ કરવા જવું પડે છે. અને પહેલી વખત એવું બન્યું કે આમિરે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી તરત જ કહી દીધું કે એ ‘દંગલ’ માં કામ કરશે. પણ ક્યારે કરશે એ કહી શકાય નહીં. કેમકે ત્યારે ‘ધૂમ ૩’ (૨૦૧૩) માં યુવા હીરો તરીકે કામ કરતા હતા. એ પછી ‘પીકે’ (૨૦૧૪) માં પણ કામ ચાલુ કર્યું હતું.
આમિરે નિર્દેશક નિતેશ તિવારીને ‘દંગલ’ માટે ચાર-પાંચ વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. નિતેશ એમ કરવા તૈયાર હતા. કેમકે આમિરને સ્ક્રિપ્ટ પસંદ આવી એ જ મોટી વાત હતી. પરંતુ એક વર્ષ પછી આમિરે ફરી સ્ક્રિપ્ટ સાંભળી અને કહ્યું કે એ હવે ફિલ્મ કરવા તૈયાર છે. આમિરને સ્ક્રિપ્ટ એટલી પસંદ આવી કે એમણે એમ કહ્યું કે એ મારા મગજમાંથી બહાર નીકળી શકતી નથી એટલે ફિલ્મ જલદી બનાવવાની તૈયારી શરૂ કરી દો. નિતેશ તિવારીએ બાકીની સ્ટારકાસ્ટ અને અન્ય તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આમિરે પણ પોતાની ભૂમિકા માટે બહુ મહેનત કરી હતી. ફિલ્મ ‘દંગલ’ રજૂ થયા પછી વ્યાવસાયિક રીતે મોટી સફળતા મેળવી ગઈ હતી.