વાત લતા મંગેશકરના ‘ચોલી’ ગીતની   

સમય સાથે લતા મંગેશકરે પણ વિચાર બદલવા પડ્યા હતા. સીત્તેરના દાયકામાં જે પ્રકારના ગીત માટે તે તૈયાર થયા ન હતા એવું ગીત એંશીના દાયકાના અંતમાં ગાયું હતું. શરૂઆતથી જ તે આપત્તિજનક શબ્દો લાગે એવા ગીત ગાતા ન હતા. રાજ કપૂરની ફિલ્મ ‘બૂટ પોલિશ’ (૧૯૫૩) માં પહેલાં લતાજીને હસરત જયપુરીએ લખેલું ગીત ‘મૈં બહારોં કી નટખટ રાની, સારી દુનિયા હૈ મુઝ પે દીવાની’ ગાવા માટે આપવામાં આવ્યું હતું. આ શબ્દો સસ્તા લાગતા હોવાથી એમણે ગાવાની ના પાડી દીધી હતી.

પાછળથી સંગીતકાર શંકર-જયકિશને એ ગીત આશા ભોંસલે પાસે ગવડાવ્યું હતું. એટલું જ નહીં બાકીના બધાં ગીતો પણ આશાજીના સ્વરમાં જ રેકોર્ડ કરાવ્યા હતા. એ પછી પણ જ્યારે શબ્દો યોગ્ય ના લાગે ત્યારે સૂચન કરીને ફેરફાર કરાવતા રહ્યા હતા. રાકેશ રોશન- રાખીની ફિલ્મ ‘આંખોં આંખો મેં’ (૧૯૭૨) ના ગીતો વર્મા મલિકે લખ્યા હતા. એમાં એક ગીતના શબ્દો ‘ગયા બચપન જો આયી જવાની, તો ચુનરી પતંગ હો ગઇ, મૈંને કલ જો સિલાઇથી ચોલી, વો ચોલી આજ તંગ હો ગઇ’ હતા. લતાજીને આ શબ્દો ગમ્યા નહીં. નિર્માતા જે. ઓમ. પ્રકાશે ‘ચોલી’ ની જગ્યાએ ‘કુર્તી’ શબ્દ રાખવાનું સૂચન કર્યું. લતાજીને એ પણ યોગ્ય ના લાગ્યું. સંગીતકાર જયકિશને આ પ્રકારની વાતો કાલિદાસે લખી હોવાનું ઉદાહરણ આપ્યું. પરંતુ લતાજી માન્યા નહીં. આખરે શબ્દો બદલીને ‘ગયા બચપન જો આયી જવાની, તો ચુનરી પતંગ હો ગઇ, એસી પલકોં મેં છાઇ જો મસ્તી, તબીયત મલંગ હો ગઇ’ કરવામાં આવ્યા ત્યારે ગાયું હતું.

આ ફિલ્મના બીજા ગીતો આશાજીએ જ ગાયા હતા. વર્ષો પછી જ્યારે યશ ચોપડાએ ‘ચાંદની’ (૧૯૮૯) માટે લતાજીને એવું જ એક ગીત ‘મેરે દર્જી સે આજ મેરી જંગ હો ગયી, કલ ચોલી સિલાઇ આજ તંગ હો ગયી’ ગાવા માટે આપ્યું ત્યારે એમણે દિલથી ગાયું હતું. કદાચ સમય સાથે એમની દ્રષ્ટી બદલાઇ હતી અને વાસ્તવિક્તાને સ્વીકારી લીધી હતી. તેમણે ‘ચાંદની’ ના બીજા ગીતો પણ ગાયા હતા. તેમ છતાં આ વાતનો પાછળથી એમને કદાચ રંજ રહ્યો હશે એટલે જાહેરમાં ગીતના એ એક પંક્તિ ગાવાનું ટાળ્યું હશે. લતાજી સ્ટેજ શોમાં આવા ગીતોમાં કાપકૂપ કરતા હતા.

હરીશ ભિમાણીએ એમના લતાજી વિશેના પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે લતાજી સ્ટેજ કાર્યક્રમોમાં ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયા’ ગીત જરૂર ગાતા હતા. પરંતુ ‘ચોલી’ નો અંતરો ગાતા ન હતા. યશ ચોપરાની ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩) નું લતાજીએ ગાયેલું ગીત ‘ની મેં યાર મનાના ની’ ને જ્યારે રિમિક્સ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા જ ૨૦૧૭ માં વાણી કપૂરના સેકસી મ્યુઝિક વિડીયો સાથે રજૂ કરવામાં આવ્યું ત્યારે તેને જોવાનો જ નહીં સાંભળવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. એમના ગાયનની લોકપ્રિયતાનો એ પુરાવો જ કહી શકાય કે ૨૦૨૨ સુધીમાં યુટ્યુબ પર લતાજીના ‘દાગ’ ના મૂળ ગીતને તેના રિમિક્સ ગીત કરતાં વધુ જોવામાં આવ્યું છે.