ફિલ્મી ગીતો ના ગાતા સુરેશ વાડકરની ગાયક કલાકાર તરીકેની કારકિર્દી એક ગાયન સ્પર્ધામાં વિજેતા બન્યા પછી ફિલ્મોમાં શરૂ થઈ ગઈ હતી અને ફિલ્મ ‘પહેલી’ (૧૯૭૭) માં પહેલી તક મળી હતી. ૧૯૭૬ માં આખા ભારતના ગાયકો માટે સુર – સિંગર સ્પર્ધાનું આયોજન થયું હતું. એમાં જજ તરીક ઘણા જાણીતા સંગીતકારો હતા. સ્પર્ધા શરૂ થાય એ પહેલાં રવિન્દ્ર જૈન તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે ગાયક વિજેતા બનશે એને એ પોતાના સંગીતવાળી ફિલ્મમાં પહેલી તક આપશે. સ્પર્ધામાં સુરેશ વાડકરે વિજેતા બની ‘મદન મોહન’ એવોર્ડ મેળવ્યો હતો. એ સ્પર્ધામાં હરિહરનને ‘એસ.ડી. બર્મન’ અને રાની વર્માને ‘વસંત દેસાઇ’ એવોર્ડ મળ્યો હતો.
થોડા દિવસ પછી રવિન્દ્ર જૈને સુરેશને પોતાને ત્યાં બોલાવી અડધા કલાક સુધી ગવડાવ્યું હતું અને એક ગઝલ રેકોર્ડ કરી રાજશ્રીના રાજકુમાર બડજાત્યાને સંભળાવી. ત્યારે એમની ફિલ્મ ‘પહેલી’ માટે રવિન્દ્ર સંગીત આપવાના હતા. એમાં માસ્ટર સત્યજીત પહેલી વખત મુખ્ય હીરો તરીકે ચમકવાનો હતો. એના માટે નવા અવાજની જરૂર હતી. રાજકુમારને સુરેશનો અવાજ પસંદ આવ્યો હતો અને ‘પહેલી’ માટે પસંદ કરી લીધા હતા. રવિન્દ્રએ ‘પહેલી’ માટે પહેલું ગીત ‘સોના કરે ઝિલમિલ ઝિલમિલ’ રેકોર્ડ કર્યું હતું. એ ઉપરાંત સહેલી હો પહેલી પૂછો, મનમોહક યે પ્યાર અને ‘જાને કૈસી બહે યે હવા’ પણ ગાયા હતા. એ પછી ઉષા ખન્નાએ સુરેશનો અવાજ સાંભળી ફિલ્મ ‘સાજન બિન સુહાગન’ (૧૯૭૮) માં ‘જીજાજી જીજાજી હોનેવાલે જીજાજી’ માં ગવડાવ્યું હતું.
સુર – સિંગર સ્પર્ધામાં બીજા જજ સંગીતકાર જયદેવ હતા. એમણે પણ ફિલ્મ ‘ગમન’ ના એક ગીત ‘સીને મેં જલન’ માટે સુરેશને બોલાવ્યા. સુરેશે એ ગઝલનુમા ગીત ગાયું અને પહેલા જ ટેકમાં તૈયાર થઈ ગયું. ફરીથી ગાવાની જરૂર ન હોવાનું જયદેવે કહ્યું. પણ જ્યારે સુરેશે સાંભળ્યું ત્યારે એ થોડા દુ:ખી થયા. કેમકે એમાં બહુ દૂરથી અવાજ આવી રહ્યો હોય એવું લાગતું હતું. ફિલ્મમાં પણ બેકગ્રાઉન્ડમાં જ આ ગીત વાગવાનુ હતું. અસલમાં માઇક જ દૂર લગાવવામાં આવ્યું હતું. કેમકે ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી. સુરેશે કહ્યું કે બીજો એક ટેક લઈને ફરી રેકોર્ડ કરીએ. જયદેવે કહ્યું કે મારે જેવું જોઈએ છે એવું આવી ગયું છે. પછી શું જરૂર છે? સુરેશ ઘરે આવીને રડવા લાગ્યા હતા. એમની બહેને કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે ‘સીને મેં જલન’ માટે વધુ એક ટેક લીધો હોત તો સારું થાત. બહેને સમજાવ્યું કે જયદેવને પસંદ આવ્યું છે તો તારે ખુશ જ થવું જોઈએ.
ઈરફાન સાથેની મુલાકાતમાં સુરેશ વાડકરે કહ્યું છે કે ત્યારે કલ્પના ન હતી કે સંગીતની દુનિયામાં એ ગીત ‘સીને મેં જલન’ કેટલો મોટો મુકામ હાંસલ કરવાનું છે જેના માટે તે દુ:ખી થઈ રહ્યા હતા. આ ગીતથી જ લોકોને વધારે ખબર પડી હતી કે સુરેશ વાડકર નામનો નવો ગાયક આવ્યો છે.
(સુરેશ વાડકરને રાજ કપૂરની ફિલ્મ ‘પ્રેમરોગ’ ના ગીતોથી ખરી લોકપ્રિયતા મળી હતી. એ ફિલ્મ ગાયક અનવરે કેમ ગુમાવી હતી અને સુરેશને કેટલા રૂપિયા મળ્યા હતા એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચશો.)
