ગીતકાર ઇન્દીવરના અનેક ગીતો લોકપ્રિય થયા છે પણ એમાં કેટલાક ગીતો પાછળની વાતો રસપ્રદ છે. ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦) માં મનોજકુમારને એક ગીત જોઈતું હતું. એમણે બહુ પહેલાં ઇન્દીવર પાસે ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત સાંભળ્યું હતું એની જરૂર લાગતી હતી. ઇન્દીવરે એ ગીત બીજા કોઈ નિર્માતાને વેચી દીધું હતું. મનોજકુમારે એમની પાસેથી એ ગીત મેળવીને સંગીતકાર કલ્યાણજી-આણંદજીને તૈયાર કરવા આપ્યું હતું. આ દર્દભર્યું ગીત મુકેશના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી થયું હતું. મુકેશ જ્યારે ગીત રેકોર્ડ કરવા આવ્યા ત્યારે એના બહુ રીટેક થયા હતા. કેમકે એ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે’ માં છેલ્લે ‘પ્રિયે’ શબ્દનો ‘પરીયે’ ઉચ્ચાર કરી દેતા હતા.
કંટાળેલા મુકેશે ઇન્દીવરને કહ્યું હતું કે કેવું ગીત લખ્યું છે? આવા ગીત ક્યાં ચાલે છે? તેં ‘બડે અરમાન સે રખ્ખા હૈ કદમ’ જેવા સરસ ગીત લખ્યા છે. તને આવા હિન્દી શબ્દના પ્રયોગનું ક્યાંથી સૂઝયું? ત્યારે ઇન્દીવરે કહ્યું કે મનોજકુમારને આ ગીત બહુ પસંદ છે. મનોજકુમારે વળી આ ગીતમાં માત્ર ચાર વાજિંત્રનો જ ઉપયોગ કરવાની સૂચના કલ્યાણજી-આણંદજીને આપી ત્યારે એમને નવાઈ લાગી હતી. પણ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત એવું સરસ બન્યું કે સૌને હ્રદયપ્રિય બની રહ્યું અને મુકેશના અમર ગીતોમાં સમાવેશ પામ્યું. એ પહેલાં કલ્યાણજી-આણંદજીને ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) માટે સંગીત તૈયાર કરવાનું કામ મળ્યું ત્યારે એમણે સંગીત તૈયાર કરતા પહેલાં ઇન્દીવરને ગીતો લખવા કહ્યું હતું. ત્યારે ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિયે’ ગીત વખતે કલ્યાણજી-આણંદજી સાથે એક શબ્દ માટે ઈન્દીવરને મતભેદ થયો હતો.
આ ગીતમાં ‘યે મુનાસિબ નહીં આદમી કે લિયે’ માં ‘મુનાસિબ’ શબ્દ એમને યોગ્ય લાગતો ન હતો. એને બદલવા એમણે એક અઠવાડિયા સુધી ઈન્દીવર સાથે એનો કોઈ પર્યાયવાચી શબ્દ રાખવા મગજમારી કરી હતી. ઈન્દીવરનું કહેવું હતું કે ‘મુનાસિબ’ ના સ્થાને ‘યોગ્ય’ કે ‘ઉપયુક્ત’ જેવા બીજા કોઈ શબ્દ બંધબેસતા ન હોવાથી બદલવાની ના પાડી હતી. આખરે કલ્યાણજી-આણંદજીએ ‘મુનાસિબ’ શબ્દ સાથે જ લતા મંગેશકરના અવાજમાં ગીત રેકોર્ડ કર્યું હતું. એ ગીત પણ લોકોને બહુ પસંદ આવ્યું હતું. આ ગીત માટે ઇન્દીવરને અનેક પત્રો મળ્યા હતા. જેમાં લખ્યું હતું કે ગીતને કારણે એમને જીવનની પ્રેરણા મળી હતી. પ્રેમ નહોતો મળ્યો એટલે જીવનનો અર્થ નથી એમ સમજતા પોતાના જીવનનો અંત લાવવાનો વિચાર કરતા હતા પણ ગીતના ‘પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ’ શબ્દોને કારણે એને પડતો મૂક્યો હતો.