સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ (૧૯૯૪) માં સલમાન ખાનની ભાભીની ભૂમિકા રેણુકા શહાણેને એના હાસ્યને કારણે મળી હતી. ફિલ્મના પાત્રોની પસંદગી થઈ રહી હતી ત્યારે ‘પૂજા’ ના પાત્ર માટે પહેલાં કોઈ જાણીતા ચહેરાને લેવાનો વિચાર કર્યો હતો. અનુપમ ખેરે પણ એવું જ સૂચન કર્યું હતું. પરંતુ કોઈ જાણીતી હીરોઈન ‘ભાભી’ ની અને તે પણ સલમાનની ભાભી તરીકે કામ કરવા તૈયાર થાય એમ ન હતી. કેમકે પછી ભાભી તરીકે જ કામ મળવાનું હતું. તેથી રાજકુમાર બડજાત્યાએ સૂરજને કહ્યું કે ‘નદિયા કે પાર’ ની જેમ નવોદિતને જ આ ભૂમિકા માટે લેવી જોઈએ.
અસલમાં સૂરજ જ્યારે ‘મૈંને પ્યાર કિયા’ ને અન્ય ભાષાઓમાં ડબ કરી રહ્યા હતા ત્યારે રાજકુમારે પૂછ્યું હતું કે હવે કયા વિષય પર ફિલ્મ બનાવીશ? ત્યારે સૂરજે આ ફિલ્મ પૂરી થયા પછી વિચાર કરવાનું કહ્યું હતું. પણ રાજકુમારે રાજશ્રી પ્રોડકશનની ‘નદિયા કે પાર’ ની રિમેક બનાવવા સૂચન કર્યું હતું. એ સાંભળી સૂરજને એમ થયું હતું કે પોતે હિટ ફિલ્મનો નિર્દેશક છે તો રિમેક શા માટે બનાવે? પણ એમણે સમજાવ્યું કે ‘નદિયા કે પાર’ ને આધુનિક રીતે બનાવવાની છે. અને સૂરજે એના પર કામ શરૂ કર્યું હતું. અઢી વર્ષની મહેનત પછી સ્ક્રિપ્ટ તૈયાર કરી કલાકારોમાં સલમાન- માધુરીને પસંદ કરી લીધા હતા.
ભાભીની ભૂમિકા માટે શોધ ચાલુ હતી ત્યારે એક જ દિવસે સૂરજને રાજશ્રીની ત્રણ વ્યક્તિ તરફથી રેણુકા શહાણેના નામની ભલામણ મળી હતી. આર્ટ ડાયરેક્ટર બિજોનદાસ ગુપ્તા, મેકઅપમેન જયંતિભાઈ અને પ્રોડકશન મેનેજર પી. કે. ગુપ્તાએ રેણુકાના હાસ્યસભર ચહેરાની વાત કરી સૂચન કર્યું હતું કે એને મળી લેવું જોઈએ. રેણુકા ત્યારે ‘સુરભિ’ કાર્યક્રમ ઉપરાંત ‘સર્કસ’ સિરિયલ કરી રહી હતી. સૂરજને આ વાતની ખબર ન હતી. એમણે ‘સુરભિ’ નો એપિસોડ જોઈને રેણુકાને મળવા બોલાવી હતી. રેણુકા મરાઠી હતી પણ કાર્યક્રમમાં હિન્દીમાં બોલતી હતી એ વાત એમને વધુ ગમી હતી.
રેણુકા જ્યારે રાજશ્રીની ઓફિસમાં પહોંચી ત્યારે સારો આવકાર આપ્યો અને એના વિષે જાણકારી પૂછી. રેણુકાએ પોતાના અભ્યાસ અને નાટક- સિરિયલ વગેરેની માહિતી આપી. એ પછી ત્યાં ટેબલમાં મૂકેલું નવલકથાનું જૂનું પુસ્તક કાઢી એમાંથી એક પાનું વાંચવા કહ્યું. રેણુકાએ હિન્દીમાં સરસ રીતે પઠન કર્યું એનાથી તે ખુશ થયા અને કહ્યું કે આ નવલકથામાંથી રાજશ્રીની દરેક હીરોઈને પઠન કર્યું છે.
સૂરજ બડજાત્યાએ રેણુકાને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ફિલ્મમાં તેની ભાભીની ભૂમિકા માટે પસંદગી થઈ શકે છે. સૂરજે ‘મોહનીશની પત્ની’ શબ્દ પણ વાપર્યો નહીં. રેણુકાએ હા પાડ્યા પછી ફિલ્મની વાર્તા સંભળાવી હતી અને એના ત્રણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. એકમાં માત્ર સંવાદ બોલાવવામાં આવ્યો હતો. બીજો ગેટઅપનો અને ત્રીજો માથા પર સાડીનો પાલવ મૂકી ટેસ્ટ લીધો હતો. રેણુકા બધી રીતે યોગ્ય લાગ્યા પછી એને પસંદ કરી લેવામાં આવી હતી.