શ્રીદેવીએ ૧૬ વર્ષની ઉંમરે ‘સોલવા સાવન'(૧૯૭૯) થી હિન્દી ફિલ્મોમાં હીરોઇન તરીકે શરૂઆત કરી હતી. પરંતુ બાળ કલાકાર તરીકે ૪ વર્ષની ઉંમરથી અભિનય શરૂ કરીને દક્ષિણની ફિલ્મમાં ૧૧ વર્ષની નાની ઉંમરે જ એક વયસ્ક સ્ત્રીની ભૂમિકાથી અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી દીધી હતી. ત્યારે એને કલ્પના પણ ન હતી કે તે હીરોઇન બની રહી છે. હિન્દી કરતાં દક્ષિણની ફિલ્મોમાં તેની લોકપ્રિયતા અસીમ હતી. બાળ કલાકાર તરીકે શ્રીદેવીની ભગવાન મુરુગનની ભૂમિકામાં ‘થુનાઇવન’ (૧૯૬૯) પહેલી ફિલ્મ બની હતી. એ પહેલાં શ્રીદેવીને તમિલ ફિલ્મ કંદન કરુનાઇ’ માં પણ ભગવાન મરુગનની ભૂમિકા જ મળી હતી.
નવાઇની વાત એ છે કે પાછળથી તેના સ્થાને માસ્ટર શ્રીધરને લઇને ફિલ્મ પૂરી થઇ હતી. પરંતુ નિર્દેશક ભૂલથી શ્રીદેવીની એક ફ્રેમ કાઢવાનું ભૂલી ગયા હોવાથી આજે પણ ફિલ્મમાં એ દેખાય છે. નિર્માતા ચિનપ્પા થેવરે ‘થુનાઇવન’ માં તેના કર્લી વાળ કાઢી નાખવા કહ્યું હતું. પણ શ્રીદેવીને માએ ચોખ્ખી ના પાડી દીધી હતી. એ પછી નિર્માતાએ સમાધાન કર્યું અને શ્રીદેવીએ ખભા સુધીના વાળ સાથે ભૂમિકા ભજવી હતી. જ્યારે તમિલ સુપરસ્ટાર એમજીઆરે તેને જોઇ ત્યારે ‘નામ નાડુ’ (૧૯૬૯) માં પોતાના પુત્રની ભૂમિકા આપી. તેના નિર્દેશક સી.પી. જમ્બુલિંગમે પછીથી રાજેશ ખન્ના- મુમતાઝ સાથે તેની હિન્દી રીમેક ‘અપના દેશ’ (૧૯૭૨) બનાવી હતી. અને એમાં શ્રીદેવીવાળી ભૂમિકા બેબી જયાપ્રદાએ કરી હતી.
શ્રીદેવીને ભગવાનની ભૂમિકાઓ સતત મળવા લાગી. શ્રીદેવીએ ‘મા નન્ના નિર્દોષી’ (૧૯૭૦), ‘બડી પંથુલુ’ (૧૯૭૨) અને ‘યશોદા કૃષ્ણા’ (૧૯૭૫) માં બાળ કૃષ્ણની ભૂમિકા કરી. તમિલમાં ભગવાનના રૂપમાં તે એટલી માહિર ગણાવા લાગી કે વધુ ભૂમિકાઓ મળી. જયલલિતાની ‘પરાશક્તિ’ (૧૯૭૧) ઉપરાંત ‘અગથિયાર’ (૧૯૭૨)માં ભગવાન મુરુગન બની. ‘અગથિયાર’ માં તેના સંવાદો એટલા લાંબા હતા કે કોઇ અનુભવીને પણ મુશ્કેલી પડે. શ્રીદેવીને ત્રીજી મલયાલમ ફિલ્મ ‘પૂમપટ્ટા’ (૧૯૭૧)માં સર્વશ્રેષ્ઠ બાળ અભિનેતાનો કેરળ રાજ્યનો ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ પહેલાં તે મલયાલમમાં ‘કુમારસંભવ'(૧૯૬૯) અને ‘સ્વપ્નાંગલ’ (૧૯૭૦) કરી ચૂકી હતી. શિવાજી ગણેશન સાથેની તમિલ ફિલ્મ ‘બાબૂ’ (૧૯૭૧) નો તેનો અભિનય બધાને વધારે પ્રભાવિત કરી ગયો હતો.
શ્રીદેવી દસ વર્ષની ઉંમરે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરીને સ્ટાર બની ગઇ હતી. એક દિવસ નિર્માતા ઘરે આવ્યા અને અચાનક પૂછ્યું કે શ્રીદેવીએ ક્યારેય સાડી પહેરી છે? ત્યારે માએ તેને સાડી પહેરાવીને રજૂ કરી. એમને એમ હતું કે ફિલ્મના કોસ્ચ્યુમનો આ એક ભાગ હશે. બીજા દિવસે શ્રીદેવી મા સાથે સેટ પર પહોંચી ત્યારે બધાં અભિનંદન આપી રહ્યા હતા. કોઇને પૂછ્યું ત્યારે ખબર પડી કે શ્રીદેવી હીરોઇન બની ગઇ છે! શક્તિ સામંતાની હિન્દી ફિલ્મ ‘અનુરાગ'(૧૯૭૨) માં ૨૪ વર્ષની મૌસમી ચેટર્જીએ જે અંધ યુવતીની ભૂમિકા નિભાવી હતી એને શ્રીદેવીએ તેની તેલુગુ રીમેક ફિલ્મ ‘અનુરાગલુ’ (૧૯૭૫) માં બાર વર્ષની ઉંમરે ભજવી હતી.
આ ફિલ્મમાં લગભગ પોતાની ઉંમરના દસ વર્ષના એક બાળકની માની ભૂમિકા શ્રીદેવીએ ભજવી હતી. એટલું જ નહીં આ ઉંમરે શ્રીદેવીએ એક મલયાલમ ફિલ્મમાં મા અને પુત્રી બંનેની ભૂમિકા ભજવી હતી. એ પરથી શ્રીદેવીની નાની ઉંમરની અભિનય પ્રતિભાનો અંદાજ આવી શકે એમ છે.
-રાકેશ ઠક્કર (વાપી)