‘શહીદ‘ (૧૯૬૫) પછી મનોજકુમારની રોમેન્ટિક ઇમેજ બદલાઇને ‘ભારતકુમાર’ ની થઇ ગઇ હતી. ૨૨ વર્ષની ઉંમરે આ ફિલ્મ માટે તેમણે મોટું જોખમ લીધું હતું. એમાં શરૂઆતથી જ કોઇ મુખ્ય કલાકારે મેકઅપ કર્યો ન હતો પરંતુ અંતમાં મેકઅપ કરવાની જરૂર પડી હતી. શહીદ ભગતસિંહના જીવન પર એમણે ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો એ પહેલાં એમના જીવન પર બે ફિલ્મો બની ચૂકી હતી.
એક નિર્દેશક જગદીશ ગૌતમે પ્રેમ અદીબ સાથે ‘શહીદ-એ- આઝમ ભગત સિંહ’ (૧૯૫૪) અને બીજી ‘શહીદ ભગત સિંહ’ (૧૯૬૩) નિર્દેશક વિશ્રામ બેડેકરે શમ્મી કપૂર સાથે બનાવી હતી. બંને ફ્લોપ રહી હતી. તેથી ‘શહીદ’ શરૂ કરી ત્યારે તેની કોઇ ચર્ચા ન હતી. પરંતુ નિર્માતા કેવલ કશ્યપ આ ફિલ્મ બનાવવા જ માગતા હતા. એમ કહેવાય છે કે સલીલ ચૌધરીના સંગીતવાળી બલરાજ સહાનીની ‘કાબુલીવાલા’ (૧૯૬૧) ના ગીત ‘અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન’ પરથી મનોજકુમારને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી.
મનોજકુમારે ફિલ્મ માટે ચાર વર્ષ સુધી ઘણું સંશોધન કર્યું. તે શહીદ ભગત સિંહના માતા, ભાઇ અને અનેક ક્રાંતિકારીઓને મળ્યા. એ ફિલ્મનું શુટિંગ લાહોર સેન્ટ્રલ જેલમાં કરવા માગતા હતા. ત્યારે ભારત-પાકના સંબંધ સારા ન હતા એટલે લુધિયાણા જેલમાં શુટિંગ કરવામાં આવ્યું હતું. એ સમય પર સંગીતકારો શંકર-જયકિશન, રવિ, ઓ.પી. નૈયર વગેરેનું સંગીત લોકપ્રિય હતું પરંતુ મનોજકુમારે પ્રેમ ધવન પર પસંદગી ઉતારી હતી. પ્રેમ ધવનને ‘શહીદ’ વિશે જણાવ્યું ત્યારે પહેલાં ગીતો લખવા દેવાની વિનંતી કરી હતી. પરંતુ સંગીત માટે વાત કરી ત્યારે પ્રેમ ધવન દ્વિધામાં મુકાઇ ગયા હતા. કેમકે આ અગાઉ આખી ફિલ્મનું સંગીત તેમણે તૈયાર કર્યું ન હતું.
મનોજકુમારના આગ્રહને વશ થઇને તેમણે સંગીત આપ્યું હતું. એમના ગીત-સંગીતમાં તૈયાર થયેલા ગીતો અય વતન અય વતન, સરફરોશી કી તમન્ના, ઓ મેરા રંગ દે બસંતી ચોલા વગેરે ખૂબ લોકપ્રિય રહ્યા છે. ફિલ્મ જ્યારે પૂરી થઇ ત્યારે બહુ ઓછા વિતરકોએ અને એ પણ એમની શરતો પર ખરીદી હતી. સમય સાથે એની સફળતા વધતી ગઇ.
‘શહીદ’ પહેલી એવી ફિલ્મ બની રહી જેને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા હતા. એમાં લેખક તરીકેનો પહેલો જ એવોર્ડ મનોજકુમારને મળ્યો હતો. એ પુરસ્કારની તમામ રકમ ભગત સિંહની માતાને આપી દેવામાં આવી હતી. મનોજકુમાર ફિલ્મમાં શહીદ ભગતસિંહના માતા તરીકે કામિની કૌશલને લેવા માગતા હતા. ત્યારે એ ફિલ્મોને અલવિદા કહેવાના હતા. મનોજકુમારની વિનંતીથી એમણે ભૂમિકા કરી હતી. મુખ્ય ભૂમિકા મનોજકુમારે જાતે ભજવી જ્યારે સુખદેવની પ્રેમ ચોપડાએ અને રાજગુરૂની અનંત મરાઠેએ ભજવી હતી. આખી ફિલ્મમાં ત્રણેય જણાએ મેકઅપ કર્યા વગર જ કામ કર્યું હતું પરંતુ છેલ્લા દ્રશ્યોમાં એમને ફાંસી પર લઇ જવાના દ્રશ્યોમાં મેકઅપ કરવો પડ્યો હતો. જેથી મોત સામે પણ એમના ચહેરા પર ચમક હતી એનો ખ્યાલ આવી શકે. અને હિન્દી ફિલ્મોમાં પહેલી વખત ફ્રિઝ શોટનો ઉપયોગ ફાંસીના આ દ્રશ્યોમાં કરવામાં આવ્યો હતો.