‘જુમ્મા ચુમ્મા દે દે’ પરથી ‘ચક દે ઈન્ડિયા’ ગીત બન્યું!

સંગીતકાર સલીમ- સુલેમાનને નિર્માતા આદિત્ય ચોપડાએ શાહરૂખ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ (2007) માટે સંગીત આપવા કહ્યું હતું. બંનેએ ટાઇટલ ગીત માટે છ ગીત બનાવ્યા અને એ પસંદ ના આવ્યા ત્યારે સલીમે ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો હોવાની વાત એક મુલાકાતમાં કરી હતી. સલીમ-સુલેમાને ફિલ્મોમાં બેકગ્રાઉન્ડમાં સંગીત આપવા સાથે ટીવી સિરિયલોમાં પણ સંગીત આપ્યું હતું. એ પછી ફિલ્મોમાં સંગીતકાર તરીકે તક મળવા લાગી હતી. હમતુમ, એતરાઝ, ધૂમ, મુઝસે શાદી કરોગી વગેરેનું બેકગ્રાઉન્ડ સંગીત આપ્યું હતું.

રામ ગોપાલ વર્માની ‘ભૂત’ અને ‘ડરના માના હૈ’ માં સંગીતકાર તરીકે કામ કર્યા પછી પહેલી મોટી ફિલ્મ કરણ જોહરની ‘કાલ’ (2005) મળી હતી. ફિલ્મ ફ્લોપ રહી હતી પણ ગીતો લોકપ્રિય બન્યા હતા. આદિત્ય ચોપડાએ જ્યારે ‘ચક દે ઈન્ડિયા’ ના સંગીતનું કામ સોંપ્યું ત્યારે મોટી જવાબદારી આવી હતી. નિર્દેશક શિમિત અમીને જયદીપ સહાનીએ લખેલી આખી સ્ક્રિપ્ટ સલીમ- સુલેમાનને ગીત- સંગીત તૈયાર કરવા આપી દીધી હતી. બંનેએ ‘બાદલ પે પાંવ હૈ’ વગેરે ગીતો તૈયાર કરી દીધા હતા પણ ટાઇટલ ગીત જોઈએ એવું બની રહ્યું ન હતું. ગીતમાં જે દેશભક્તિનો ભાવ અને જોશ આવવા જોઈએ એ આવતા ન હતા. દરેક વખતે બંને પૂરી કોશિશ સાથે સંગીત તૈયાર કરતાં હતા.

આદિત્ય અને શિમિત ગીતનું સંગીત સાંભળ્યા પછી એમ જ કહેતા હતા કે મજા આવી રહી નથી. છ વખત પ્રયત્ન કર્યા પછી નિર્માતા- નિર્દેશકને ટાઇટલ ગીત પસંદ આવી રહ્યું ન હતું એટલે સલીમે છેલ્લો એક પ્રયત્ન કરીને ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ સુલેમાને કહ્યું કે મોટી ફિલ્મ છે એટલે છોડી ના શકીએ. લેખક જયદીપે ગીત માટે ‘કુછ કરીએ, કુછ કરીએ, નસ નસ મેરી ખોલે, કુછ કરીએ’ પંક્તિ લખીને આપી. સલીમ – સુલેમાન એના પર પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે આદિત્ય ચોપડાએ એમને સમજાવ્યું કે મારે ‘જુમ્મા ચુમ્મા દે દે’ જેવું જોરદાર ગીત જોઈએ છે. એમણે એના પરથી ‘ચક દે, ચક દે ઈન્ડિયા’ ગાઈ બતાવ્યું.

સલીમને એક વાતનો ખ્યાલ આવી ગયો કે ‘ચક દે’ શબ્દનો ફરી ઉપયોગ કરવાનો છે. સલીમ- સુલેમાને ગીત બનાવ્યું અને એનું મુખડું સુખાવિંદર સિંહ પાસે ગવડાવી નિર્માતા- નિર્દેશકને સંભળાવ્યું. મુખડું એમને પસંદ આવ્યા પછી આખું ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. જે પાછળથી એક ‘સ્પોર્ટ્સ એન્થમ’ ગણાયું. ‘ચક દે ઈન્ડિયા’ ના અન્ય ગીત ‘મૌલા મેરે’ ની પણ અલગ કહાની છે. ફિલ્મમાં આ ગીત જ ન હતું. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને એક સપ્તાહ પછી રજૂ કરવાની હોવાથી એનો પ્રીવ્યુ રાખવામાં આવ્યો હતો. જ્યારે યશ ચોપડાએ ફિલ્મનું એક દ્રશ્ય જોયું ત્યારે કહ્યું કે એમાં બેકગ્રાઉન્ડ સંગીતને બદલે ગીત વાગવું જોઈએ.

શાહરૂખની આંખમાં આંસુ આવે છે એ દ્રશ્યમાં ગીત મૂકવાનું યશજીએ કહ્યું હોવાથી તરત જ આખી ટીમ એના પર કામ કરવા લાગી ગઈ હતી. સલીમ- સુલેમાન પાસે સિચ્યુએશન મુજબનું એક ગીત તૈયાર હતું. જે ફિલ્મ ‘ડોર’ (2006) માટે બનાવ્યું હતું. જે ફિલ્મની પરિસ્થિતિ મુજબ દુ:ખી ગીત લાગતું હોવાથી નિર્દેશક નાગેશ કુકુનૂરે બદલાવ્યું હતું. એ દુ:ખી ગીતનું મુખડું આદિત્ય અને જયદીપને સંભળાવ્યું. એ એમને પસંદ આવી ગયું. જયદીપ સહાનીએ તરત જ આખું ગીત લખી આપ્યું. અને રાતોરાત સંગીત તૈયાર કરી ‘મૌલા મેરે લેલે મેરી જાન’ ગીત સલીમે ક્રિષ્ના સાથે ગાઈને રેકોર્ડ કરી આપ્યું હતું. એને છેલ્લી ઘડીએ ફિલ્મમાં મૂકવામાં આવ્યું હતું.